Sat Nov 07 2026

Logo

ગેરસમજ - અશાંતિ ટાળવા પુણે સંસ્થાએ ઉમર ખાલિદનું પુસ્તક લાઇબ્રેરીમાંથી હટાવ્યું...

2026-10-27 17:48:38
Author: Mumbai Samachar Team
ગેરસમજ - અશાંતિ ટાળવા પુણે સંસ્થાએ ઉમર ખાલિદનું પુસ્તક લાઇબ્રેરીમાંથી હટાવ્યું...

પુણે: પુણે સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (IISER)એ જેલમાં બંધ એક્ટિવિસ્ટ ઉમર ખાલિદએ લખેલા પુસ્તકને તેની લાઇબ્રેરીમાંથી હટાવી દીધું છે, કારણ કે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેને નવા ઉમેરા તરીકે સૂચિબદ્ધ કરવા સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય હેઠળની સ્વાયત્ત સંસ્થાએ જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની ગેરસમજ - અશાંતિ ટાળવા 'ફ્રેક્ચર્ડ કોમ્યુનિટીઝ: આદિવાસી હિસ્ટ્રીઝ એન્ડ ધ પોલિટિક્સ ઓફ પાવર' પુસ્તકને લાઇબ્રેરીમાંથી હટાવી દીધું છે.

આ પુસ્તક ખાલિદના પીએચડી સંશોધન પર આધારિત છે. એમાં હાલના ઝારખંડના સિંઘભૂમ ક્ષેત્રમાં બે સદીથી ચાલી રહેલા રાજ્ય નિર્માણ, વસાહતી શાસન અને આદિવાસી-રાજ્ય સત્તા સંબંધોની સમીક્ષા કરવામાં આવી છે. પુસ્તકમાં મુખ્યત્વે હો સમુદાય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

સંસ્થાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેનો પુસ્તક સંગ્રહ સંસ્થાનાસભ્યો અને પુસ્તકાલયના કાર્યપ્રણાલીનું નિરીક્ષણ કરતી સમિતિની ભલામણો દ્વારા બનાવવામાં આવ્યો છે. નિવેદનમાં જણાવ્યા અનુસાર 'સરેરાશ દર મહિને વિવિધ ક્ષેત્રમાંથી 50થી વધુ પુસ્તક નિયમિતપણે પુસ્તકાલયમાં ઉમેરવામાં આવે છે. 

ખાલિદએ લખેલા પુસ્તક અંગે સંસ્થાના અધિકારીઓના ધ્યાન પર આ બાબત આવતાની સાથે જ કોઈ પણ ગેરસમજ કે અશાંતિ ટાળવા માટે સાવચેતી રૂપે પુસ્તક હટાવવાનો  નિર્ણય લેવામાં આવ્યો. આગળ શું પગલાં લઈ શકાય એની તપાસ સંસ્થા કરશે.'

જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી ખાલિદની સપ્ટેમ્બર 2020માં ધરપકડ કરવામાં આવી હતી અને ફેબ્રુઆરી 2020માં દિલ્હીમાં થયેલા રમખાણોના માસ્ટરમાઈન્ડ પૈકીના એક હોવાના આરોપસર કડક ગેરકાયદે પ્રવૃત્તિઓ (નિવારણ) કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ રમખાણોમાં 53 લોકો માર્યા ગયા હતા અને 700 થી વધુ ઘાયલ થયા હતા.