Wed Sep 09 2026

Logo

ગિલ-બુમરાહને તગડું નુકસાન, પણ પડિક્કલને રૅન્કિંગમાં ફાયદો

2026-09-02 15:10:00
Author: Ajay Motiwala
ગિલ-બુમરાહને તગડું નુકસાન, પણ પડિક્કલને રૅન્કિંગમાં ફાયદો

BCCI


આઇસીસીના ટેસ્ટ ક્રમાંકોમાં મોટી ઊલટફેરઃ રૉબિન્સન અને દિનુશાના ક્રમ સુધર્યા

દુબઈઃ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ નવું રેન્કિંગ (Ranking) બહાર પાડ્યું છે. હાલમાં દુનિયાભરમાં વિવિધ દેશો વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે અને ટેસ્ટ રેન્કિંગમાં મોટા ફેરફારો થયા છે. ભારતીય કૅપ્ટન શુભમન ગિલને બે સ્થાનનું નુકસાન થયું છે, જ્યારે શ્રીલંકા સામે બે સેન્ચુરી સહિત કુલ 328 રન બનાવીને ભારતને 0-1થી શ્રેણી જિતાડવામાં મોટું યોગદાન આપનાર દેવદત્ત પડિક્કલના રૅન્કિંગમાં પાંચ ક્રમનો સુધારો થયો છે. ઇંગ્લૅન્ડના બોલર ઑલી રૉબિન્સને લાંબી છલાંગ લગાવીને ટેસ્ટના ટોચના પાંચ બોલરમાં એન્ટ્રી કરી લીધી છે. રૉબિન્સને પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટમાં 27 ઓવર બોલિંગ કરીને બંને ઇનિંગ્સમાં કુલ 8 વિકેટ ઝડપી હતી. હવે ટેસ્ટમાં ટોચના પાંચ બોલરમાં તેનો સમાવેશ થઇ ગયો છે.

એક સમયના નંબર-વન બુમરાહ બીજી રૅન્ક પણ ગુમાવી

અગાઉ ઘણા અઠવાડિયા સુધી નંબર-વન પર રહેનાર બુમરાહને સતત બીજા અઠવાડિયે એક સ્થાનનું નુકસાન થયું છે, જેના કારણે તે હવે બીજા પરથી ત્રીજા સ્થાને આવી ગયો છે. જોકે બુમરાહ અનફિટ હોવાને કારણે હમણાં ટીમની બહાર છે જેને લીધે તે રૅન્કિંગમાં નીચે ઉતરી રહ્યો છે. મૅટ હેન્રી તેનાથી એક સ્થાન ઉપર, બીજા નંબરે આવી ગયો છે. બુમરાહ ટીમ ઈન્ડિયાની છેલ્લી ત્રણ ટેસ્ટ મૅચથી બહાર બેઠો છે અને ન રમવાનું પરિણામ તેને રેન્કિંગના રૂપમાં ભોગવવું પડ્યું છે.

શ્રીલંકા સામેની સિરીઝની 3 ઇનિંગ્સમાં માત્ર 74 રન બનાવનાર કૅપ્ટન શુભમન ગિલને બે સ્થાનનું નુકસાન થયું છે. ટેસ્ટના બૅટિંગના રેન્કિંગમાં ગિલ હવે બે સ્થાન સરકીને નવમા ક્રમે આવી ગયો છે. ટેસ્ટના બૅટ્સમેનમાં ભારતીયોમાં રિષભ પંત સૌથી સારી રૅન્ક ધરાવે છે. તે સાતમા સ્થાને છે. ઓપનર યશસ્વી જયસ્વાલની રૅન્કમાં કોઈ ફેરફાર નથી થયો. તે ટૉપ-ટેનની બહાર 11મા નંબરે છે.

સોનાલ દિનુશાની લાંબી છલાંગ

ભારત સામેની બીજી ટેસ્ટ છીનવી લેનાર સોનાલ દિનુશાને ટેસ્ટ બૅટિંગ રેન્કિંગમાં 29 સ્થાનનો ફાયદો થયો છે. દિનુશાએ ભારત સામેની ટેસ્ટ સિરીઝની ચાર ઇનિંગ્સમાં 140.00ની શાનદાર સરેરાશથી 420 રન બનાવ્યા હતા. તે હવે આ એક જ શ્રેણીમાં ચમકીને ટેસ્ટમાં પચીસમા નંબરનો બૅટ્સમેન બની ગયો છે. બીજી તરફ, નંબર-થ્રી પર ટીમ ઈન્ડિયા માટે બે સદીની ઇનિંગ્સ રમનાર દેવદત્ત પડિક્કલ બૅટિંગ રેન્કિંગમાં 59મા સ્થાનેથી 54મા સ્થાને આવી ગયો છે.

હૅરી બ્રૂક દુનિયાનો નંબર-વન ટેસ્ટ બૅટ્સમેન છે, પરંતુ જૉ રૂટ એક સ્થાનના નુકસાન સાથે ત્રીજા ક્રમે સરકી ગયો છે. બીજું સ્થાન સ્ટીવ સ્મિથે કબજે કરી લીધું છે.