Tue Nov 10 2026

Logo

આઇસીસી રૅન્કિંગમાં મોટી ઊથલપાથલઃ ત્રણ નંબર-વનના સ્થાન પર ચહેરા બદલાયા, અભિષેકે કિશન પાસેથી ટૉપ રૅન્ક છીનવી

Dubai   2026-10-28 16:55:29
Author: Ajay Motiwala
આઇસીસી રૅન્કિંગમાં મોટી ઊથલપાથલઃ ત્રણ નંબર-વનના સ્થાન પર ચહેરા બદલાયા, અભિષેકે કિશન પાસેથી ટૉપ રૅન્ક છીનવી

દુબઈઃ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના લેટેસ્ટ રૅન્કિંગ (RANKING) મુજબ ક્રમાંકોમાં મોટી ઊલટફેર થઈ છે, કારણકે નંબર-વનના ત્રણ સ્થાન પર ખેલાડી બદલાઈ ગયા છે.

મંગળવારે વેલિંગ્ટનમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની ત્રીજી ટી-20માં ફક્ત 35 બૉલમાં 100 રન પૂરા કરનાર અને અગિયાર છગ્ગા તથા નવ ચોગ્ગાની મદદથી કુલ 113 રન બનાવનાર અભિષેક શર્માએ ઇશાન કિશનના કબજામાંથી ટી-20ના બૅટ્સમેનોમાં નંબર-વન રૅન્ક પાછી લઈ લીધી છે.

જોકે સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર માર્કો યેનસેને ટેસ્ટની બે કૅટેગરીમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. તે નંબર-વન બોલર તેમ જ નંબર-વન ઑલરાઉન્ડર બની ગયો છે.

યેનસેન (JANSEN) હાલમાં ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં સારું પર્ફોર્મ કરી રહ્યો છે. તેણે પહેલી બે ટેસ્ટમાં કુલ 10 વિકેટ લેવા ઉપરાંત ઉપયોગી રન પણ બનાવ્યા હતા. યેનસેન 876 પૉઇન્ટ સાથે સર્વોચ્ચ સ્થાને પહોંચી જતાં મિચલ સ્ટાર્ક, મૅટ હેન્રી, ઑલી રૉબિન્સન અને જસપ્રીત બુમરાહ એક-એક ક્રમ નીચે ઊતર્યા છે.

જાડેજાની અવ્વલ રૅન્ક ચાર વર્ષે છીનવાઈ

ટેસ્ટના ઑલરાઉન્ડર્સમાં યેનસેન હવે નંબર-ટૂમાંથી નંબર-વન થઈ ગયો છે. તેણે રવીન્દ્ર જાડેજા પાસેથી એ સ્થાન આંચકી લીધું છે. જાડેજા ચાર વર્ષથી નંબર-વન હતો.