Thu Nov 19 2026

Logo

તમે ખરીદેલા કાજુ-બદામ અસલી છે કે નકલી? દિવાળી ગિફ્ટિંગ પહેલાં જાણી લો ભેળસેળ પકડવાની આ સરળ ટ્રિક્સ, નહીંતર...

2026-11-04 14:41:58
Author: Darshana Visaria
તમે ખરીદેલા કાજુ-બદામ અસલી છે કે નકલી? દિવાળી ગિફ્ટિંગ પહેલાં જાણી લો ભેળસેળ પકડવાની આ સરળ ટ્રિક્સ, નહીંતર...

દિવાળીનો તહેવાર નજીક આવતાં જ બજારોમાં મીઠાઈઓ અને ડ્રાયફ્રૂટ્સની ખરીદી પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. માવા અને દૂધની બનાવટોમાં થતી ભેળસેળના ડરથી ઘણા લોકો હવે તહેવારોની ગિફ્ટિંગ અને પારિવારિક વપરાશ માટે ડ્રાયફ્રૂટ્સને સુરક્ષિત વિકલ્પ માનીને પ્રાથમિકતા આપે છે. પરંતુ નફાખોરોની નજર હવે ડ્રાયફ્રૂટ્સના બજાર પર પણ પડી છે. આવી પરિસ્થિતિમાં આપણે ખરીદેલું ડ્રાયફ્રૂટ શુદ્ધ છે કે કેમિકલવાળું એ જાણવું કઈ રીતે એવો સવાલ થઈ રહ્યો હોય તો આ સ્ટોરી છેલ્લે સુધી ચોક્કસથી વાંચજો... 

તહેવારોના દિવસોમાં ડ્રાયફ્રૂટ્સ વગેરેની ડિમાન્ડ ખૂબ જ વધી જાય છે અને એની સાથે સાથે જ બજારમાં સસ્તા, જૂના, ભેજવાળા અને કેમિકલથી ચમકાવેલા ડ્રાયફ્રૂટ્સ અસલીના નામે પધરાવનારાઓની પણ ખેર નથી. આવી પરિસ્થિતિમાં માત્ર દેખાવ કે પેકિંગ જોઈને ખરીદી કરવાને બદલે કાજુ, બદામ, પિસ્તા અને કિસમિસની શુદ્ધતા અને તાજગી ચકાસી લેવી જરૂરી છે. ચાલો જોઈએ કેમિકલવાળા ડ્રાયફ્રૂટ્સ કઈ રીતે ઓળખી શકાય એ-

વધુ પડતી ચમક અને એકસરખા દેખાવથી છેતરાશો નહીં

સામાન્ય રીતે ગ્રાહકો ડ્રાયફ્રૂટ્સની ચમક જોઈને આકર્ષાતા હોય છે. પરંતુ એકદમ ચળકતા, ડાઘ વગરના અને સંપૂર્ણ સફેદ દેખાતા કાજુ કે બદામ પર ચમક લાવવા માટે કેમિકલ પોલિશ કે બ્લીચિંગનો ઉપયોગ થયો હોઈ શકે છે. પ્રાકૃતિક અને ઓર્ગેનિક ડ્રાયફ્રૂટ્સનો રંગ થોડો આછો અથવા અસમાન હોય છે. તેમાં સપાટી પર નાના કુદરતી નિશાન કે સામાન્ય તિરાડો હોવી સ્વાભાવિક છે. જો તમામ દાણા એક જ માપ અને અસામાન્ય ચમકવાળા દેખાય, તો સાવચેત થઈ જવું.

ટેક્સચર અને તેલની ચકાસણી કરો

તાજા અને સારી ગુણવત્તાવાળા કાજુ કે બદામ હાથમાં પકડતાં કડક અને મજબૂત લાગે છે. જો તે દબાવતાં પોચા લાગે કે તેના પરથી વધારે પડતું તેલ હાથમાં ચોંટે, તો સમજી લેવું કે તે જૂના છે અને તેમાં રહેલું ઓઈલ ઓક્સિડાઈઝ થઈ રહ્યું છે. કિસમિસ કે ખજૂરમાં થોડી કુદરતી નરમાશ હોય છે, પરંતુ જો તે અસામાન્ય રીતે એકબીજા સાથે ચોંટેલા, ચીકણા કે ખાટી વાસ મારતા હોય, તો તે જૂના સ્ટોરેજનો સંકેત છે.

પેકેટ ખરીદતી વખતે ‘ઈન્ગ્રીડિયન્ટ્સ’ વાંચવાનું ન ચૂકશો

પેક્ડ ડ્રાયફ્રૂટ્સ ખરીદતી વખતે આગળનું આકર્ષક કવર કે ડિસ્કાઉન્ટ જોઈને નિર્ણય ન લો. પેકેટના પાછળના ભાગે છપાયેલી સામગ્રી અવશ્ય તપાસો.
કેટલાક પેકેટ્સમાં વજન અને શેલ્ફ-લાઈફ વધારવા માટે કૃત્રિમ સુગર, પ્રિઝર્વેટિવ્સ કે સલ્ફાઈટ્સ ઉમેરેલા હોય છે.
હંમેશાં ઓછા પ્રોસેસ્ડ અને કોઈપણ ઉમેરણ વગરના અનસોલ્ટેડ ડ્રાયફ્રૂટ્સ ખરીદવા હિતાવહ છે.

ખુલ્લા ડ્રાયફ્રૂટ્સ ખરીદતાં આ બાબતોનું રાખો ધ્યાન

ખરીદતાં પહેલાં ડ્રાયફ્રૂટ્સને સુંઘી જુઓ. જો તેમાંથી તેલની ખરાબ વાસ કે ભેજવાળી જૂની ગંધ આવે તો તેને ક્યારેય ન ખરીદો.
તહેવારોમાં જરૂરિયાત મુજબ જ ખરીદી કરો. ખુલ્લા રાખવાથી હવામાં રહેલો ભેજ કાજુ-બદામને ઝડપથી બગાડી શકે છે અને તેમાં ફૂગ થવાનું જોખમ રહે છે.
જાણીતા અને વિશ્વસનીય વેપારી કે ગુણવત્તાનું પાલન કરતા રજિસ્ટર્ડ બ્રાન્ડ્સ પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખો.