કોઈ જ પ્રકારના સેટિગ વગર જ બદલી જશે વૉલ
- વિરલ રાઠોડ
સોશ્યલ મીડિયા એપ્લિકેશન પર દરરોજ કંઈક નવું આવે છે. આ નવા ટે્રન્ડમાં યુવાનો હોંશભેર ભાગ લેતા હોય છે. પોતાના એકથી એક ચડિયાતા અવતાર બનાવીને મિત્રોને શેર કરે છે. એક હકીકત એવી પણ છે કે, સોશ્યલ મીડિયા પર એક્ટિવ દરેક યુઝર્સની વૉલ-ફીડ અલગ અલગ હોય છે. આ માટે અઢળક વિષયો છે, ઘણાય એવા વિષયો છે જે દરેકમાં સામાન્ય હોય છે, જેમ કે સમાચારના પેજ, લાઈફસ્ટાઈલના પેજ, માહિતી કે કંઈક નવું શીખવતા પેજ, આવા પેજ પર જ્યારે કોઈ વિઝિટ કરે છે ત્યારે કેટલા એ પેજને ફોલો કરે છે એની નાનકડી ઝલક જોવા મળે છે.
આ ઉપરાંત એ જ પેજ પર કોઈ મચ્યુઅલ ફ્રેન્ડ હોય તો એ પણ અલગથી જોવા મળે. આવા પેજના ક્રિએટર્સ માટે પણ એના વાંચકો-દર્શકો ખાસ હોય છે. આ માટે જ તે સતત એક્ટિવ રહેતા હોય છે. ઘણીવાર એવું બન્યું હશે કે, સોશ્યલ મીડિયા ખોલવાનો પણ કંટાળો આવ્યો હશે. આ પાછળનું કારણ એ છે કે, એક જ પ્રકારના વિષયો, ફીડ, વીડિયો કે ફોટોથી કંટાળો આવે એ સ્વાભાવિક છે. ઘણીવાર વારંવાર સ્ક્રોલ કરીને પણ એક જ પ્રકારના વિષયથી બોર થઈ જવાય. આવું ન થાય એ માટે સરળતાથી આવી ફીડને બદલી શકાય છે.
આ માટે નવું કંઈ સર્ચ કરવા જવાની પણ જરૂર નથી. જે વિષય ગમતો હોય એ વિષયને લઈ થોડું સર્ચ કરવાની જ જરૂર છે. સામાન્ય રીતે આવું ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર વધારે જોવા મળે છે... આવું થાય એ સમયે એવો તો વિચાર આવે કે, આ ફીડને સરળતાથી બદલી શકાતી હોત. આ ઈચ્છા સાકાર કરવી હવે શક્ય છે. આ માટે પેજ પરથી કે એકાઉન્ટ પરથી જેને ફોલો કરો છો એને અલફોલો કરવાની પણ જરૂર નથી.
બીજી એક વાત એવી પણ છે કે, આમ કરવાથી જૂના વિષયો જતા રહેવાનો પણ ડર હોય તો એવું બિલકુલ થતું નથી. આ પ્રોસેસના વિધિવત પગલાં લેવામાં આવે તો એ ખૂબ જટિલ છે, પણ ડિજિટલની દુનિયામાં એક જ પ્રોસેસની અલગ અલગ રીત હોય છે.
આ માટે સૌથી પહેલા જોઈએ કે, કેવી રીતે ઈન્સ્ટાગ્રામ પર કેવી રીતે હોમ બટન પર ક્લિક કરતા જ વિષયો બદલે છે. સૌથી પહેલા ઈન્સ્ટાગ્રામ મોબાઈલ એપ્લિકેશન ઓપન કરી સર્ચ બોક્સમાં જાવ. અહીંયા જે નવા વિષય વિશે જાણવું છે, જોવું છે એ ટાઈપ કરો. સર્ચનું પરિણામ એ આવશે કે જે સૌથી વધુ વિઝિટ થયું હશે કે પોપ્યુલર હશે એ પેજ પહેલા આવશે. આ પેજ પર ક્લિક કરીને એને માત્ર સ્ક્રોલ કરો, જે પોસ્ટ ગમે એમાં એક કોમેન્ટ કરી દો. બસ પછી ફોલો નહીં કરો તો પણ આ જ વિષયની ફીડ-મેસેજ, ફોટો-વીડિયો, નોટિફિકેશન બધુ જ એક જ ક્લિક પર તમારા હોમપેજ સુધી આવી જશે.
ફેસબુકમાં પણ આ વસ્તુ સરળતાથી કરી શકાય છે. આ માટે સૌથી પહેલા એ જોવાનું રહે છે કે, ફેસબુકના હોમ પર કે વૉલ પર શું આવી રહ્યું છે. સ્ક્રોલ કરતાની સાથે જ બીજા કેટલાક પેજના સજેશન આવશે. સાથે ફોલો બટન બ્લુ કલરનું દેખાશે. આવા પેજના વિષયો નોટ કરો. રસપ્રદ લાગે તો ફોલો કરી દો અથવા એના પર એક કોમેન્ટ કરી દો. આ પછી જ્યારે પણ એ પેજ પર કોઈ પોસ્ટ થશે એની અપડેટ મળતી રહેશે. ફેસબુકમાં પણ હવે વીડિયોનો વિકલ્પ મળી રહ્યો છે. અહીં પણ વીડિયો સર્ચ કરીને જે ઝોનના વીડિયોમાં રસ છે એ વીડિયો પર એક કોમેન્ટ કરી દો.
દાખલા તરીકે: ઓટો, બ્યૂટી એન્ડ ફેશન, ટેક્નોલોજી, મ્યુઝિક, સિનેમા, ન્યૂઝ, ફોટોગ્રાફી આવા કીવર્ડ સર્ચ કરતા પણ જે બેસ્ટ અને પોપ્યુલર હશે એ નવી ફીડ હોમપેજ સુધી ઓટોમેટિક આવી જશે. આ માટે જરૂરી નથી કે પેજને ફોલો કરવું. જરૂરી નથી કે લાઈક કરવું, માત્ર એક કોમેન્ટ દ્વારા જ એ વિષયનો તમામ ડેટા હોમપેજ સુધી આવી જશે. એક જ દિવસમાં જુદા જુદા વિષયને લઈ ફીડ અપડેટ કરી શકાય છે. આવું બેથી ત્રણ દિવસના અંતરમાં કરવાથી આખરે ફેસબુકના હોમપેજ પર કે વૉલ પર આવતી વિષય સામગ્રી સરળતાથી બદલી જશે.
આઉટ ઓફ ધ બોક્સ
વર્ષ 2022થી ફોટો પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ, વીડિયો ફોર્મેટમાં ફેરવાયું જેમાં સૌથી વધારે આ એપ્લિકેશનના વીડિયો ફોર્મેટમાં જોવાય છે.