Sun Sep 06 2026

Logo

સાવધાન! આ દેશમાં જાહેર રસ્તા પર હોળી રમવી છે ગુનો; રંગ ઉડાડ્યા તો થઈ શકે છે જેલ અને ડિપોર્ટેશનની કડક સજા...

2026-03-02 15:39:49
Author: Darshana Visaria
સાવધાન! આ દેશમાં જાહેર રસ્તા પર હોળી રમવી છે ગુનો; રંગ ઉડાડ્યા તો થઈ શકે છે જેલ અને ડિપોર્ટેશનની કડક સજા...

હોળીનો તહેવાર એટલે આનંદ, ઉલ્લાસ અને રંગોનું મિલન. ભારતમાં તો આપણે રસ્તાઓ પર નીકળીને ધામધૂમથી એકબીજાને રંગ લગાવીએ છીએ અને ધીરે ધીરે આ તહેવાર સાત સમંદર પાર પણ પોતાની રંગત જમાવી રહ્યું છે પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવો દેશ પણ છે જ્યાં સાર્વજનિક રીતે હોળી રમનારાઓને જેલના સળિયા ગણવાનો વારો આવે છે? ચાલો તમને આ દેશ વિશે જણાવીએ અને જાણીએ આ પાછળનું કારણ... 

અહીં જે દેશની વાત થઈ રહી છે એ દેશનું નામ છે સાઉદી અરેબિયા. સાઉદી અરેબિયામાં હોળી રમવા પર પ્રતિબંધ છે. વાત કરીએ આ પાછળના કારણની તો સાઉદી અરેબિયાની કાયદાકીય વ્યવસ્થા 'શરિયા લો' (ઇસ્લામિક કાયદા) પર આધારિત છે અને ગેર-ઇસ્લામિક ધાર્મિક તહેવારોને જાહેરમાં ઉજવવાની મનાઈ છે.

આ જ કારણ સર સાઉદી અરેબિયાના રસ્તાઓ પર રંગો ઉડાડવા, સરઘસ કાઢવા અથવા ધાર્મિક પ્રતીકોનું પ્રદર્શન કરવું એ કાયદાકીય રીતે ગુનો માનવામાં આવે છે. આ સિવાય દેશમાં એવી કોઈપણ પ્રવૃત્તિ જે સ્થાનિક લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી શકે, તેના પર સખત પ્રતિબંધ મૂકવામાં આવે છે.

વાત કરીએ જો કોઈ વ્યક્તિ સાઉદી અરેબિયામાં સાર્વજનિક સ્થળે (જેમ કે રસ્તા, પાર્ક કે બજાર) હોળી રમતા પકડાય, તો તેની સામે શું કડક કાર્યવાહી થઈ શકે છે એની. તમારી જાણકારી માટે આવું કરનાર વ્યક્તિને પોલીસ તાત્કાલિક કસ્ટડીમાં લઈ લે છે અને મામલો ગંભીર હોય તો જેલની સજા પણ થઈ શકે છે. સાર્વજનિક વ્યવસ્થા બગાડવા બદલ મોટો આર્થિક દંડ ફટકારવામાં આવી શકે છે.

આવા કિસ્સામાં સૌથી ગંભીર સજા તો એ છે કે તમારો પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવે છે અને તમને દેશમાંથી હાંકી કાઢી (Deport) ભારત પરત મોકલી શકાય છે.

હવે આટલું બધુ વાંચ્યા પછી તમને થશે કે તો શું સાઉદીમાં હોળી જ નથી રમી શકાતી? તો આ સવાલનો જવાબ છે કે ના, એવું નથી. સાઉદી અરેબિયામાં વસતા ગેર-મુસ્લિમ સમુદાયના લોકો માટે કેટલાક ચોક્કસ નિયમો છે, જેનું પાલન કરવું પડે છે. સાઉદી અરેબિયામાં તમે તમારા ઘરની અંદર અથવા કોઈ પ્રાઈવેટ પ્રોપર્ટીમાં હોળી રમી શકાય છે.

ભારતીય દૂતાવાસ (Embassy) કે અન્ય માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં સુરક્ષિત રીતે હોળીની ઉજવણી કરી શકાય છે. ઉજવણી દરમિયાન અવાજ કે રંગો ઘરની બહાર ન જાય અને જાહેર જનતાને તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.