Wed Oct 07 2026

Logo

મોર્નિંગ મ્યૂસિંગ: ધરણાની જમીનથી ડિજિટલ સરનામાં સુધી.. વિરોધનાં સ્થળોનો બદલાતો ઈતિહાસ

2026-08-23 07:40:33
Author: Raj Goswami
મોર્નિંગ મ્યૂસિંગ: ધરણાની જમીનથી ડિજિટલ સરનામાં સુધી.. વિરોધનાં સ્થળોનો બદલાતો ઈતિહાસ

- રાજ ગોસ્વામી

દિલ્હીના કનોટ પ્લેસમાં આવેલું અને તાજેતરમાં યુવા પેઢીના આંદોલનનું કેન્દ્ર બનેલું ‘જંતર મંતર’ અસલમાં વિરોધની જગ્યા નહોતું. તે આકાશમાં ગ્રહોને સમજવાની અને ભ્રહ્માંડના ગણિતને જમીન પર ઉતારવાની જગ્યા હતું. ( ‘જંતર’ એટલે સાધન અને ‘મંતર’ એટલે ગણતરી ) 

1724માં મહારાજા જયસિંહ દ્વિતીયએ (જયપુર, ઉજ્જૈન, મથુરા અને વારાણસીની સાથે) તેનું નિર્માણ કર્યું હતું. વિડંબના જુવો કે આજે એ જ જગ્યાએ તારાઓ કરતાં માણસોની બેચેની વધુ જોવા મળે છે. પેપર લીક માટે ત્યાં ભૂખ હડતાળ કરનાર ‘કૉક્રોચ જનતા પાર્ટી’ના જુવાનિયાઓએ તો હવે ‘જંતર મંતર-2’ની પણ ઘોષણા કરી છે.

જંતર મંતરની કહાની કોઈ એક આંદોલનની કથા નથી. તે એક એવી ભારતીય લોકતાંત્રિક સ્મૃતિની કહાની છે,  જેમાં અમુક જગ્યાઓ ધીરે-ધીરે એવી બની જાય છે જ્યાં જઈને નાગરિક સત્તા સામે પોકાર કરે છે- ‘અમને સાંભળો!’

1993ની આસપાસ જંતર મંતર દિલ્હીનું પ્રમુખ વિરોધ-સ્થળ બનવાનું શરૂ થયું હતું. તે પહેલાં આ ભૂમિકામાં બોટ ક્લબની આસપાસનાં વિશાળ મેદાનો હતાં. 1988માં કૃષિ નેતા મહેન્દ્ર સિંહ ટિકૈતના નેતૃત્વમાં લાખો ખેડૂતોએ બોટ ક્લબ અને ઇન્ડિયા ગેટની આસપાસનો વિસ્તાર ચક્કા-જામ કરી દીધો હતો. આ અંદોલને સરકારને કેવળ વાટાઘાટો માટે મજબૂર કરી એટલું જ નહીં, તેણે આ જગ્યાને રાજનૈતિક વિરોધ સ્થળ તરીકે લોકોના મનમાં જડી દીધી.

તે પછી નજીકમાં જ આવેલી સરકારી ઈમારતોની સુરક્ષાની ચિંતાને લઈને સરકારે બોટ ક્લબમાં નિયંત્રણો, પેટ્રોલિંગ, નિયમો અને પ્રતિબંધો લગાવીને તેને વિરોધ-પ્રદર્શન માટે બિન-ઉપયોગી બનાવી દીધી, પણ એથી વિરોધ થોડા અટકે?

અન્યાયને પોતાનો અવાજ આપવા માટે લોકોએ તે પછી જંતર મંતર પર એકઠા થવાનું શરૂ કર્યું. પોલીસ માટે પણ જંતર મંતર ‘અનુકૂળ’ હતું, કારણ કે તેના એન્ટ્રી પોઈન્ટ્સ સાંકડા છે જેથી ભીડને આસાનીથી નિયંત્રિત કરી શકાય.

2011માં અન્ના હઝારેનું ભ્રષ્ટાચાર વિરોધી અંદોલન આ જગ્યાએથી જ રાષ્ટ્રીય રાજનીતિમાં પહોંચ્યું હતું અને અંતત: ભાજપ માટે સત્તાનો દરવાજો ખોલ્યો હતો એટલે આજની પેઢી જ્યારે જંતર મંતર પર ઊભી રહે છે ત્યારે તે કેવળ વર્તમાન સરકાર સાથે સંવાદ જ નથી કરતી - અજાણતાં જ તે તમામ એ પેઢીઓ વચ્ચે ઊભી રહે છે જેમણે પહેલાં અહીંથી તેમનો અવાજ બુલંદ કર્યો હતો.

શહેરોમાં વિરોધ-પ્રદર્શન માટેની જગ્યાઓનો ઈતિહાસ એટલો જ લાંબો છે જેટલો લોકતંત્રના વિકાસનો, જેમ કે મુંબઈનું આઝાદ મેદાન. આમ તો તે ક્રિકેટ અને રમતગમત માટેનું સ્થળ છે, પરંતુ તે લાંબા સમયથી મુંબઈની રાજનીતિ અને સાર્વજનિક આંદોલનોનું કેન્દ્ર રહ્યું છે. 1997માં એક ન્યાયિક વિવાદ પછી તેના વિરોધ-પ્રદર્શન તરીકે ઉપયોગ કરવા માટે બનેલા નિયમો અને નિયંત્રણો છતાં આઝાદ મેદાન વારંવાર આંદોલનકર્તાઓને આકર્ષતું રહ્યું છે. 

દિલ્હીમાં જ જંતર મંતર ઉપરાંત રામલીલા મેદાન, ઇન્ડિયા ગેટ, રાજઘાટ અને પાછળથી શાહીન બાગ અને સિંધુ-સરહદ જેવાં સ્થળોએ અલગ-અલગ સમય પર વિરોધની અલગ-અલગ ભાષાઓ વિકસિત થઇ છે. જેમ કે 2019- 20માં નાગરિકતા કાનૂનના વિરોધમાં કેવળ મહિલાઓ એક લાંબી સડક પર બેસી ગઈ હતી. ત્યાં પોસ્ટરો હતાં, કવિતાઓ હતી, કળા હતી, વાતચીત હતી અને ભોજન પણ હતું.

લોકો હંમેશાંથી તેમનો અવાજ ઊંચો કરવા માટે વિભિન્ન સ્થળો અને રીત શોધી કાઢતા રહ્યા છે. અમૃતસરનો જલિયાવાલા બાગ હોય, કોલકત્તાનું બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ હોય, શહીદ મિનાર મેદાન હોય કે પછી પટનાનું ગાંધી મેદાન હોય, લખનઊનું ઇકો ગાર્ડન હોય, બેંગલોરનો ફ્રીડમ પાર્ક હોય કે ચેન્નાઈનો મરીના બીચ હોય....  આ બધાં  સ્થળોની વિશેષતા એ છે કે તે કેવળ ભૌગોલિક સ્થાન નથી રહ્યાં, તે શહેર અને રાજ્યની રાજનૈતિક ભાષાનો હિસ્સો બની ગયાં છે. જ્યારે કોઈ એમાં કહે કે ‘ફલાણા લોકો આંદોલન પર ઊતરી ગયા છે,’ ત્યારે તેનો અર્થ એટલો જ નથી કે તે બધા સડક પર આવી ગયા છે - તેનો અર્થ એ પણ થાય છે કે અસહમતી હવે અંગત નથી રહી, સાર્વજનિક બની ગઈ છે.

દુનિયાનાં ઈતિહાસમાં અમુક સ્થળો આવી જ રીતે લોકતાંત્રિક પ્રતીકો બની ગયાં છે. કૈરોનો ‘તહરીર સ્ક્વેર’ 2011માં ઈજિપ્તની ક્રાંતિનું વૈશ્વિક કેન્દ્ર બન્યું હતું. ચીનનો ‘તિયાનઆનમેન સ્ક્વેર’ 1989ના લોહિયાળ વિદ્યાર્થી આંદોલનની સ્મૃતિ સાથે જોડાયેલો છે. ઈસ્તંબુલનો ગેઝી પાર્ક, યુક્રેનનું મેદાન નેઝાલેઝ્નોસ્ટી, ન્યૂયોર્કનો જુકોટી પાર્ક, હોંગકોંગનું સેન્ટ્રલ એન્ડ એડમિરલ્ટી ક્ષેત્ર, ઈત્યાદી... આ દરેક જગ્યાનો ઈતિહાસ અલગ છે, પણ તે સૌમાં એક વાત સરખી છે : કોઈક સમયે નાગરિકોએ તેમની ઉપસ્થિતિથી સત્તાને પડકાર ફેંક્યો હતો.

વિરોધનું સૌથી જૂનું માધ્યમ કદાચ શરીર હતું. તમે જ્યારે કોઈ વ્યવસ્થા સામે તમારો અવાજ ઉઠાવો તો સૌથી પહેલાં તમે તમારા શરીરને સાર્વજનિક સ્થળ પર લઇ જાવ. ત્યાં તમે બેસી જાવ. ભૂખ હડતાળ કરો. માર્ચ કરો. રસ્તા રોકો. નારા લગાવો. હજારો લોકો એક સાથે ઊભા થઇ જાય. લોકતંત્રનું આ દૃશ્ય બહુ શક્તિશાળી હોય છે, કારણ કે સત્તાને અચાનક પોતાની સામે નાગરિક દેખાવા લાગે છે- સંખ્યામાં, ચહેરામાં અને અવાજમાં. અહીં દિલચસ્પ વાત એ છે કે વિરોધ-પ્રદર્શનોનાં સ્થળોની આ વિકાસ યાત્રામાં હવે ‘ડિજિટલ શરીર’નો આવિષ્કાર થયો છે એટલે કે જંતર  મંતર કે આઝાદ મેદાન જેવાં જ વિરોધ-સ્થળો હવે ઓનલાઈન પણ છે. હવે કોઈ અંદોલન શરૂ કરવા માટે મેદાનની પણ જરૂર નથી. એક પોસ્ટ, એક હેશટેગ, એક વીડિયો અથવા અમુક સેક્ધડની વાઈરલ રીલ્સ હજારો લોકોને એક વિચારની આસપાસ જોડી શકે છે. દિલ્હીમાં યુવા પેઢીનું આંદોલન આવી જ રીતે શરૂ થયું હતું અને ખુદ વડા પ્રધાનને ત્રણ વખત ઇન્સ્ટાગ્રામ પર આવવા ફરજ પાડી હતી.

કૉક્રોચ જનતા પાર્ટીનું આંદોલન ડિજિટલ દુનિયામાં શરૂ થયું હતું અને પછી જંતર મંતર પર પહોંચ્યું હતું. કહાની ‘સડક વિરુદ્ધ ઇન્ટરનેટ’ની નથી. અસલમાં બંને એકબીજામાં ભળી ગયાં છે. હવે એક આંદોલન ટ્વિટર (ડ) પર શરૂ થાય છે, ઇન્સ્ટાગ્રામ પર નારો બને છે, વોટ્સએપ પર ફેલાય છે, યુટ્યૂબ પર દસ્તાવેજ બને છે અને પછી ભૌતિક સ્વરૂપે મેદાનમાં પહોંચે છે.

આ બદલાવ મહત્ત્વનો છે. પરંપરાગત વિરોધ-સ્થળો ‘ભૌતિક લોકતંત્ર’નાં મંચ છે. ડિજિટલ પ્લેટફોર્મ ‘વિતરિત લોકતંત્ર’નો મંચ બની રહ્યાં છે. હવે કોઈ અંદોલનમાં સામેલ થવા માટે મેદાનમાં જવાની જરૂર નથી -તમે ઘરે બેસીને એક પોસ્ટ કરીને પણ એમાં હિસ્સો લઇ શકો છો, ઓનલાઈન સિગ્નેચર કેમ્પેઈનમાં જોડાઈ શકો છો, વીડિયો ક્લિપ બનાવીને લોકોને જાગૃત કરી શકો છો અને હેશટેગ મારફતે લાખો લોકો સુધી પહોંચી શકો છો.  

જોકે ડિજિટલ પ્લેટફોર્મ જંતર મંતર કે આઝાદ મેદાનનો વિકલ્પ ના બની શકે. મેદાનમાં ઊભેલો આંદોલનકર્તા ટાઢ-તડકો-વરસાદ, ભૂખ, પોલીસની લાઠી અને ગિરફ્તારીથી વિરોધની કિંમત ચૂકવે છે અને એ જ સામૂહિક સ્મૃતિનું નિર્માણ કરે છે. ઈન્ટરનેટ પર વિરોધ કરવો આસાન છે, પણ તે તમને તરત કોઈ બીજા મુદ્દા પર પણ લઇ જાય છે. એટલે મેદાન સ્મૃતિ બનાવે છે; ઇન્ટરનેટ ગતિ બનાવે છે.

કદાચ આવનારા સમયમાં આંદોલનો સડક અને ઈન્ટરનેટ બંને પર આકાર લેશે, પણ એક વાત છે : માણસને જ્યારે પણ લાગશે કે તેનો અવાજ સાંભળવામાં આવતો નથી ત્યારે તે વિરોધમાં ઊભા રહેવા માટે કોઈને કોઈ જગ્યા શોધી કાઢશે. વિરોધને કેવળ અવાજ ન નહીં, એક ‘સરનામું’ પણ જોઈએ. ક્યારેક તે ઇન્ડિયા ગેટ હતું, આજે જંતર -મંતર છે.

હવે તે એક હેશટેગ પણ હોઈ શકે અને ઈતિહાસની આગલી પેઢી આ બંને સરનામાંને એક જ લોકતાંત્રિક નક્શા પર વાંચતી હશે.