હિંગોલી: હિંગોલી જિલ્લાના પળશી ગામમાં ચોરીના કેસમાં શકમંદને પકડવા માટે આવેલી પોલીસ ટીમ પર મરચાંની ભૂકી ફેંક્યા બાદ ટોળાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં છ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા.
આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર (એપીઆઇ) પાંડુરંગ માનેના નેતૃત્વ હેઠળ લાતુર ક્રાઇમ બ્રાન્ચની ટીમ બુધવારે મધરાતે રાજુ મોહન શિંદે (29) નામના શકમંદને પકડવા ગામમાં પહોંચી હતી. લાતુર જિલ્લામાં દાખલ ચોરીના કેસમાં રાજુ શિંદે શકમંદ હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શકમંદને પકડવા માટે પોલીસ ટીમ ગામમાં આવી પહોંચી હોવાની જાણ થયા બાદ નવ જણના ટોળાએ તેમના પર લાઠી અને લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો.
આરોપીઓએ એપીઆઇ પાંડુરંગ માનેના માથા પર હુમલો કર્યો હતો, જ્યારે કોન્સ્ટેબલની આંખમાં મરચાંની ભૂકી ફેંકવામાં આવી હતી. હુમલાખોરોએ પોલીસના વાહન પર પથ્થરમારો કર્યો હતો, જેમાં વાહનના કાચ તૂટી ગયા હતા. હુમલાખોરો ત્યાર બાદ ફરાર થઇ ગયા હતા.
દરમિયાન બનાવની જાણ થતાં નજીકના હત્તા પોલીસ સ્ટેશનનો સ્ટાફ મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હુમલામાં ઘવાયેલા પોલીસ કર્મચારીઓને સારવાર માટે પાસેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ ટીમ લાતુર પાછા ફરી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
હત્તા પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે સુદર્શન શિંદે, રાજુ શિંદે, વિકી શિંદે, સચિન શિંદે સહિત નવ જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓને પકડવા માટે ત્રણ ટીમ તૈયાર કરવામાં ાવી હતી ને તેમને વિવિધ સ્થળે મોકલાઇ હતી. (પીટીઆઇ)
Chat GPT Generated Image