Tue Nov 10 2026

Logo

ઓમર અબ્દુલ્લાના બીજા લગ્ન અંગે અભિનેત્રી હિના ખાને આપી પ્રતિક્રિયા, દુનિયા ભાડમાં જાય...

2026-11-02 15:47:00
Author: Mumbai Samachar Team
ઓમર અબ્દુલ્લાના બીજા લગ્ન અંગે અભિનેત્રી હિના ખાને આપી પ્રતિક્રિયા, દુનિયા ભાડમાં જાય...

મુંબઈ: રાજકારણની ગલીઓમાં અત્યારે એક પ્રેમકહાની ચર્ચાનું કેન્દ્ર બની છે. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ નિધિ રાજદાન સાથે લગ્ન કરીને સૌને ચોંકાવી દીધા છે. આ લગ્નને લઈને સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, ત્યારે અભિનેત્રી હિના ખાન ઓમર અબ્દુલ્લાના પ્રેમ માટેના જુસ્સા પર ફિદા થઈ ગઈ છે. હિનાએ કહ્યું કે સત્તા અને રાજકીય ભવિષ્ય કરતાં પ્રેમ મોટો છે. સાથે જ ધર્મના નામે સવાલ ઉઠાવનારાઓને પણ તેમણે એવો જવાબ આપ્યો છે. ઓમર અબ્દુલ્લા અને નિધિ રાજદાને 31 ઓક્ટોબરે સોશિયલ મીડિયા પર પોતાના લગ્નની ખુશખબર શેર કરી હતી. આ સમાચાર સામે આવ્યા બાદ અનેક લોકો તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. 

જોકે, કેટલાક લોકો આ સંબંધને ધર્મના દૃષ્ટિકોણથી જોઈને સવાલો પણ ઉઠાવી રહ્યા છે. આ દરમિયાન હિના ખાને સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરતાં ઓમર અબ્દુલ્લાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ઉમર અબ્દુલ્લાએ મુખ્યમંત્રી જેવા મહત્ત્વના પદ પર હોવા છતાં પોતાના પ્રેમનો સાથ છોડ્યો નથી. હિના ખાને લખ્યું હતું કે, 'વાહ, આને કહેવાય પ્રેમ! બંને માટે હું ખૂબ જ ખુશ છું. તેઓ મુખ્યમંત્રી છે, પરંતુ તેમણે નિધિથી મોં ફેરવ્યું નથી. તેઓ તેમની સાથે મજબૂતીથી ઊભા રહ્યા.'

હિના ખાને પોતાના નિવેદનમાં ઉમેર્યું કે બની શકે છે કે ઓમર અબ્દુલ્લા આગામી ચૂંટણીમાં ફરી જીત ન મેળવી શકે, પરંતુ તેનાથી શું ફરક પડે છે? તેમણે રાજકીય ફાયદા-નુકસાન કરતાં પ્રેમને મહત્ત્વ આપ્યું છે. અભિનેત્રીએ ઓમર અબ્દુલ્લાના નિર્ણયને હિંમતભર્યો ગણાવ્યો અને કહ્યું કે દુનિયાની પરવા કર્યા વિના પોતાના પ્રેમની સાથે ઊભા રહેવું એ મોટી વાત છે.  તેમણે લખ્યું કે, ' જીઓ અને જીને દો'. તેમનું ભવિષ્ય શું હશે, તેનો નિર્ણય ઉપરવાળા પર છોડી દો તમે ખુદા નથી.

હિના ખાનના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર નવી ચર્ચા શરૂ થઈ છે. અભિનેત્રીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે દરેક વ્યક્તિને પોતાના અંગત જીવનમાં ધર્મ કે સમાજના નામે દખલ કરવી યોગ્ય નથી. ઓમર અબ્દુલ્લાનાં આ બીજા લગ્ન છે. અગાઉ તેમણે પાયલ અબ્દુલ્લા સાથે લગ્ન કર્યા હતા અને બંનેને બે પુત્રો છે. 

લાંબા સમયથી અલગ રહેતા આ દંપતીના લગ્નજીવનનો અંત જુલાઈ 2026માં આવ્યો હતો. બંનેની પરસ્પર સંમતિથી છૂટાછેડાની પ્રક્રિયાને મંજૂરી આપી હતી. હવે, ઓમર અબ્દુલ્લા અને નિધિ રાજદાનનાં લગ્ન બાદ હિના ખાનની પ્રતિક્રિયા પણ ચર્ચાનો વિષય બની છે. ખાસ કરીને તેમનું 'દુનિયા જાય ભાડમાં, તેમણે પ્રેમ પસંદ કર્યો'  નિવેદન લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.