Wed Nov 11 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ ભારતમાં અશાંતિ ઊભી કરવા ઠલવાતાં નાણાંનું પગેરું કેમ નથી મળતું?

2026-10-17 07:56:47
Author: Bharat Bharadwaj
એકસ્ટ્રા અફેરઃ ભારતમાં અશાંતિ ઊભી કરવા ઠલવાતાં નાણાંનું પગેરું કેમ નથી મળતું?

ભરત ભારદ્વાજ

ભારતના ચીફ ઈલેક્શન કમિશનર (સીઈસી) જ્ઞાનેશકુમારને હટાવવા માટે ચાલી રહેલા આંદોલનને દબાવી દેવામાં કેન્દ્ર સરકાર સફળ થઈ નથી રહી તેથી નવો દાવ ખેલ્યો છે. ભાજપના નેતાઓએ હવે વિદેશીઓના ઈશારે ભારતમાં ‘રીજિમ ચેન્જ’ એટલે કે સત્તા પરિવર્તનનો તખ્તો ગોઠવાઈ રહ્યાના આક્ષેપો શરૂ કર્યા છે. આ આક્ષેપોની શરૂઆત આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કરી. 

સરમાએ દાવો કરેલો કે, ભારતની હાલની અશાંતિ વિદેશી ફંડથી ‘દિમાગી નક્સલો’એ હાથ ધરેલો  ‘સત્તા પરિવર્તનનો પ્રોજેક્ટ’ છે અને બાંગ્લાદેશની જેમ ભારતમાં પણ  ભારતની જનતાના સમર્થન વિના સત્તા પરિવર્તન કરવાના કારસા થઈ રહ્યા છે.  હવે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ આ વાત દોહરાવી છે. તેના પગલે ભાજપના બીજા નેતા પણ કૂદી પડ્યા છે અને દેશ મજબૂતી અને સ્પષ્ટ લક્ષ્ય સાથે આગળ વધી રહ્યો છે ત્યારે ભારતને અસ્થિર કરવા માગતાં વિદેશી પરિબળો આંદોલન ભડકાવી રહ્યાં હોવાનું કોરસ શરૂ કરી દીધું છે. 

ભાજપના નેતા ભારતમાં અરાજકતા ઊભી કરવા માટે વિદેશી ભંડોળ ઠલવાઈ રહ્યું હોવાની વાતો ખરેખર તો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને નબળી સાબિત કરી રહી છે. સાથે સાથે આ દેશ બોડી બામણીનું ખેતર હોય એમ કોઈ પણ ઘૂસીને ભેલાણ કરી જાય છે એવી છાપ પણ ઊભી કરી રહી છે. 

ભાજપના નેતા વિદેશીઓ ભારતમાં અશાંતિ ને અરાજકતા ઊભી કરવા મથે છે એવી વાતો કરીને સામાન્ય લોકોની સહાનુભૂતિ મેળવવા મથે છે પણ હકીકતમાં આ  સરકારની નબળાઈનો ખુલ્લો સ્વીકાર છે. 

ભાજપના નેતાઓને આવી વાત કરતાં જ ખરેખર તો શરમ આવવી જોઈએ.  કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને છતાં વિદેશીઓ ભારતમાં અરાજકતા ઊભી કરવા માટે અબજો રૂપિયા ઠાલવી જતા હોય તેનો અર્થ શો ? એ જ કે આપણા દેશમાં દખલગીરી કરતાં વિદેશી પરિબળોને રોકવાની તાકાત આ સરકારમાં નથી. 

આપણી સિસ્ટમમાં પોલમ્પોલ છે કે પછી આપણી એજન્સીઓ સાવ નકામી છે તેના કારણે આપણે વિદેશી ફંડને રોકી શકતા નથી તેની તેમને જ ખબર પણ આ નિષ્ફળતાની સીધી જવાબદારી સરકારની જ કહેવાય ને ? ભાજપના નેતા પોતાની જ સરકારની નિષ્ફળતાની કબૂલાત કરે એ નફફટાઈની ચરમ સીમા કહેવાય કેમ કે આડકતરી રીતે આ નમૂના સ્વીકારી રહ્યા છે કે, પોતાની જ સરકારમાં દેશની આંતરિક બાબતોમાં દખલ કરનારાંને સાચવવાની ત્રેવડ નથી. 

બીજું એ કે, ભાજપના નેતા આક્ષેપો કરે છે પણ વિદેશી ફંડથી ભારતમાં આંદોલનનો તખ્તો ગોઠવાયો છે એવું સાબિત કરી શકતા નથી. સરકાર ભાજપની, તંત્ર ભાજપનું, એજન્સીઓ ભાજપની ને છતાં વિદેશથી ફંડ આવે છે તેના પુરાવા ભાજપ ના આપી શકે તેનો અર્થ એ થાય કે, ભાજપ જૂઠાણું ચલાવી રહ્યો છે અથવા સરકારમાં બેઠેલા લોકો એટલા ભોટ છે કે, લશ્કર ક્યાં લડી રહ્યું છે તેની જ ગતાગમ પડતી નથી. 

કૉંગ્રેસ તો લગભગ દોઢ સદી જૂની પાર્ટી છે તેથી તેની પાસે નાણાં હોય પણ હજુ છ મહિના પહેલાં સ્થપાયેલી કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી) પાસે નાણાં ક્યાંથી આવે છે એ સવાલ છે જ પણ ભાજપ સરકાર પાસે તેનો જવાબ નથી. સીજેપી પાસે કોઈ મુખ્ય ચહેરો કે નેતા નથી છતાં થોડાક મહિનાઓમાં સીજેપીએ ઉપરાછાપરી આંદોલનોમાં  લાખો યુવાઓને ખડકીને સાબિત કર્યું છે કે, અંદરખાને સીજેપીએ જોરદાર  સંગઠન ઊભું કરવામાં  સફળતા મેળવી છે. સીજેપી જ્યારે કોઈ કાર્યક્રમ જાહેર કરે ત્યારે આ સંગઠનના જોરે લાખો યુવાઓને ખડકી દે છે. 

મેદાનમાં આવેલા યુવાઓના ખાવા-પીવાની સગવડો સહિતનું બધું આપોઆપ સચવાય છે. આ બધું ઉપરથી તો નહીં જ પડતું હોય ને ? લાખો યુવાઓને દિવસો લગી ખવડવવાનો ખર્ચ કરોડોમાં થાય ને આ નાણાં ક્યાંથી આવે છે તેની કોઈને જ ખબર નથી. આ સિવાય સીજેપી  સોશ્યલ મીડિયા પર જબરદસ્ત અભિયાન સતત ચલાવ્યા કરે છે ને તેમાં પણ ખર્ચ તો થાય જ. આ ખર્ચ કોણ ઉઠાવે છે એ સ્પષ્ટ નથી. 

સીજેપીનો દાવો છે કે, ક્રાઉડફંડિંગ એટલે કે લોકફાળા, સ્વયંસેવકોની અંગત બચત અને અલગ અલગ રીતે મળેલા દાન દ્વારા ફંડ ભેગું થાય છે ને તેમાંથી બધો ખર્ચ થાય છે. સામે  ભાજપ આક્ષેપ કર્યા કરે છે કે, આ આંદોલનને શંકાસ્પદ વિદેશી તાકાતોનું સમર્થન છે તેથી વિદેશથી નાણાં આવે છે પણ નાણાં ક્યાંથી આવે છે, કઈ ચેનલથી આવે છે, કોની પાસે આવે છે તેની કોઈ જ માહિતી ભાજપ સરકાર આપી રહી નથી કે ભાજપના નેતા આપી રહ્યા નથી. મતલબ કે,  તેમની પાસે માહિતી જ નથી. માહિતી હોત તો અત્યાર લગી અભિજિત દીપકે સહિતના નેતાઓને ઉઠાવીને અંદર ના કરી દીધા હોત ? સરકાર કશું કરી રહી નથી તેનો અર્થ એ થાય કે, ભાજપના નેતા ખાલી થૂંક ઉડાવે છે. 

એક બીજી મહત્ત્વની વાત એ કે, ભાજપના નેતા વિદેશી તાકતોની વાતો તો કરે છે પણ ફોડ પાડીને નામ નથી દેતા. અત્યાર લગી ભારતમાં કંઈ પણ થાય એટલે પાકિસ્તાન પર દોષનો ટોપલો ઢોળીને બેસી જતા ભાજપના નેતા પાકિસ્તાનનું નામ દઈ શકે તેમ નથી કેમ કે ભિખારી પાકિસ્તાનની ભાજપમાં આંદોલન ભડકાવવાની ઔકાત નથી. ભારતમાં સત્તા પરિવર્તન માટે મોટું આંદોલન ભડકાવવું પડે ને એ માટે લખલૂટ નાણાં વેડફવાં પડે. દુનિયામાં અત્યારે અમેરિકા અને ચીન એ બે દેશો પાસે આ રીતે વેડફવા માટે લખલૂટ નાણાં છે તેથી ભાજપના નેતા આ બંનેમાંથી કોઈની વાત કરી રહ્યા છે એવું માનવું પડે પણ તેમનામાં સીધું નામ લેવાની હિંમત નથી એ આઘાતજનક કહેવાય. 

ભાજપના જોરે જેમની દુકાન ધમધમાટ ચાલી રહી છે એવા ટોચના વકીલ હરીશ સાળવેએ આક્ષેપ કર્યો હતો કે ભારતની અંદર અશાંતિ પાછળ વિદેશી નાણાં અને બાહ્ય હસ્તક્ષેપ જવાબદાર છે. સાળવેના કહેવા પ્રમાણે, દેખાવો પ્રજાના અસંતોષના કારણે સ્વયંભૂ નથી થઈ રહ્યા પણ દેશને અસ્થિર કરવાના કૃત્રિમ પ્રયાસોના ભાગરૂપે થઈ રહ્યા છે અને આ પ્રયાસો માટે વિદેશી ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે, લોકોને વિદેશથી ઉશ્કેરવામાં આવી રહ્યા છે.  સાલ્વેએ તો સીધું અમેરિકાનું નામ  લઈને કહ્યું છે કે, કેટલાક દેશો અને ખાસ કરીને અમેરિકા  ભારતથી ખુશ નથી. 

સવાલ એ છે કે, સાલ્વેની જેમ ભાજપ કેમ અમેરિકાનું નામ લઈને બોલતો નથી ? સરકાર અમેરિકા સામે લાલ આંખ કરતી નથી ?  સવાલ દેશની શાંતિ અને સુરક્ષાનો હોવા છતાં ભાજપના નેતાઓમાં ગોળ ગોળ વાતો કરવાના બદલે ચોરને ચોર કહેવાની મર્દાનગી કેમ નથી આવતી ?