વિનોદ ભટ્ટ
ધુતારાનો જન્મ આમ તો લોભિયાના જન્મ પછી જ થતો હોય છે, પરંતુ ચોરનો જન્મ તો શાહુકારના જન્મની સાથે જ થતો હોય છે, પણ શાહુકાર અને શ્રેષ્ઠીઓનાં જીવન-ચરિત્રો લખાય છે એ રીતે ચોરનાં ચરિતરો લખાતાં નથી. આપણા ગુજરાતી સાહિત્યમાં ચોરો વિશે અતિ અલ્પ લખાયું છે, એમાંય હાસ્યમાં તો ખાસ કશું લખાયું જ નથી. એક જ્યોતીન્દ્ર દવેએ ચોરોના બચાવમાં એક લેખ લખ્યો છે એટલે મને થયું કે કમ સે કમ મારે તો ચોરોની ઉપેક્ષા ન કરવી જોઈએ. આથી હું આ લેખ લખવા પ્રેરાયો છું.
સંસ્કૃત ભાષામાં ચોર વિશેના થોડાક છૂટાછવાયા ઉલ્લેખો જોવા મળે છે ખરા. એક સંસ્કૃત શ્લોક યાદ આવે છે જેમાં, ચૌર્યકળામાં પ્રવીણ એવો એક બાપ તેના સુપુત્રને શિખામણ આપે છે:
‘सर्वस्वं हर सर्वस्य त्वं भवच्छेदतत्परः।
नयोपकारसांमुख्यं मा यासि तनुवर्तनम् ॥'
(હે પુત્ર, તું બધાંનું સર્વસ્વ હરી લે, ઘર ફોડવામાં તત્પર રહે, કોઈના પર ઉપકાર કરીશ નહીં ને દુ:ખ આપનાર જીવન વ્યતીત કરજે.)
ડૉક્ટરોમાં હાર્ટ સ્પેશિયાલિસ્ટ, આઈ સ્પેશિયાલિસ્ટ, ઈ.એન.ટી. સ્પેશિયાલિસ્ટ વગેરે સ્પેશિયલાઈઝેશન હોય છે. વકીલોમાં પણ સિવિલ, ક્રિમિનલ તેમજ લેબર લૉઝ માટેના અલગ અલગ નિષ્ણાતો હોય છે, એ રીતે ચોરોમાં પણ ઘરફોડ ચોર, ખાતરિયો ચોર, ખિસ્સાકાતરુ ઇત્યાદિ હોય છે. ચોર માટેની એવી એક આચારસંહિતા હોય છે કે જે ચોરે એક ઘરમાં ચોરી કરી હોય એ ઘરમાં બીજી વાર ચોરી કરવા જવું નહીં.
(અપહરણકર્તાઓ તો આ આચારસંહિતાનું ચુસ્તપણે પાલન કરે છે. એક વખત જે વ્યક્તિનું અપહરણ કર્યું હોય તેનું બીજી વાર અપહરણ તે કરતા નથી, એટલું જ નહીં, બીજી કોઈ ગૅંગ પણ આ જણનું અપહરણ ન કરે એનું ય પાકું ધ્યાન રાખે છે.) એકના એક ઘરમાં ફરી વખત ચોરી કરવા જવું સલામતીની દૃષ્ટિએ પણ હિતાવહ નથી એમ અનુભવે જાણવાથી એના જ કોઈ જાતભાઈએ કે પછી આગળના શ્લોકમાં જેનો ઉલ્લેખ થયો છે, એવા કોઈ ચોરપિતાએ આવી શીખ આપી હોવી જોઈએ.
પણ હવેના ચોરો હિંમતવાળા થઈ ગયા છે. તે ભૂલમાં જ નહીં, જાણીબૂઝીને અમુક ઘરની મુલાકાત વારંવાર લે છે. આના અનુસંધાને આર્જેન્ટિનાના એક ઘરમાલિકે ચોરને ઉદ્દેશીને એક અપીલ પોતાના ઘરના દરવાજા પર ચોરને અંધારામાં પણ દેખાઈ શકે એ રીતે લટકાવી હતી કે, `હે મહેરબાન ચોરમહાશય, મારા ઘરમાં ત્રણ-ત્રણ વખત એક જ પદ્ધતિએ ચોરી થઈ છે એ પરથી મને લાગે છે કે એ કળાની હૅટ્રિક કરનાર તમે જ હશો, પરંતુ તમને મારે સખેદ માહિતી આપવાની છે કે હવે મારા ઘરમાં ચોરવા જેવી એક પણ ચીજવસ્તુ બચી નથી, એટલે મને થયું કે તમારો કીમતી સમય ન વેડફાય એ વાસ્તે મારે તમને આ અંગે સમયસર જાણ કરી દેવી જોઈએ. આશા રાખું છું કે તમે મારા ઘરથી નજર હટાવી લેશો. ધન્યવાદ.' જોકે આ વિનંતીપત્ર લખનાર ઘરમાલિકને ચોર પર હતો એટલો ભરોસો ચોરને એ ઘરમાલિક પર નહીં જ હોય, કેમકે એ ઘરમાલિકનાં પડોશીઓના કહેવા પ્રમાણે આવી અપીલ કરવા છતાં તેને ત્યાં ત્યાર પછી પણ બબ્બે વખત ચોરીઓ થઈ હતી.
ચોરો આમ તો નમ્ર હોય છે. પોતાનો ચહેરો, નામ-ઠામ વગેરે પ્રકાશમાં ન આવે એ માટે તે અંધારામાં જ લપાઈ-છુપાઈને ચોરી-ચપાટી કરતા હોય છે, પણ કેટલાક ચોર એવા પણ હોય છે જેમને એ વાતે ગર્વ હોય છે કે તેમણે ફલાણી ફલાણી ખ્યાતનામ હસ્તીને ત્યાં હાથ માર્યો છે. હે પુત્ર! તું બધાંનું સર્વસ્વ હરી લે.
લંડનમાં એક ચોર એવો છે, જેનો દાવો છે કે તેણે હોલિવૂડની, ખ્યાતનામ અભિનેત્રી એલિઝાબેથ ટેલર, સોફિયા લોરેન અને ગિંજર રોજર્સને ત્યાં હાથફેરો કરેલો છે, જેમાં તેને પુષ્કળ ધન મળ્યું છે. એક શાહુકારની માફક જીવી શકાય એટલી સંપત્તિ, 60 મિલ્યન પાઉન્ડ - જેને અમેરિકન ડૉલરમાં ગણીએ તો 96 મિલ્યન ડૉલર થાય અને ભારતીય નાણાંમાં ક્નવર્ટ કરીએ તો અધધધ થઈ જાય. આ તસ્કરભાઈ નામે પીટર સ્કૉટ, ઉંમર વરસ આશરે 67 તાજેતરમાં પિકાસોનું ચોરાયેલું એક ચિત્ર વેચવા જતાં પકડાઈ જવાથી જેલની હવા ખાઈ રહ્યો છે. 1950ની સાલમાં પણ તે સાડા ત્રણ વર્ષની જેલની સજા કાપી ચૂક્યા છે. ક્રિકેટના ખેલાડીઓ જેમ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લે છે એ રીતે આ પીટરભાઈએ પણ જેલમાંથી છૂટ્યા બાદ પણ લકઝુરિયસ ચોરીઓમાંથી રિટાયરમેન્ટ લઈ લીધી હતી, પણ પછી તેને કદાચ થયું હશે કે જૂનો કસબ સાવ ભૂલી જઈશ તો? એટલે પછી તેણે પિકાસોનું એક પેઇન્ટિંગ 75,000 પાઉન્ડમાં વેચવાનો પ્રયાસ કરતાં તે પકડાઈ ગયો. આ ચિત્ર લંડનની મેફૅર સેન્ટ્રલ ગૅલરીમાંથી તફડાવવામાં આવ્યું હતું. આ પેઈન્ટિંગ ખરીદનારે પોલીસને જાણ કરી દીધી, કેમ કે તેને શક હતો કે આ ચિત્ર અસલ નથી, બનાવટી છે. જો કે પિકાસો પોતે પણ પોતાનાં બનાવટી ચિત્રો ચીતરતો હતો. પિકાસોના નામે ચડેલા એક કિસ્સા પ્રમાણે ચિત્રોની દલાલી કરતા એક વેપારીએ પિકાસોની સહીવાળું પેઈન્ટિંગ તેને બતાવતાં પૂછયું :
`આ ચિત્ર તમે દોર્યું છે?'
`ના, આ બનાવટી છે.' પિકાસોનો ઉત્તર.
આવું ત્રણેક વાર બન્યું. વળી એક ચિત્ર બતાવતાં દલાલે પિકાસોને પૂછયું: `આ ચિત્ર તો તમારું જ છે ને?
`ના, જી, આ બનાવટી છે.'
`પણ એક વાર તો મેં જ તમને આ ચિત્ર પર કામ કરતા જોયા હતા.' દલાલે કહ્યું.
`જોયો હશે. ક્યારેક ક્યારેક હું બનાવટી ચિત્રો પણ દોરું છું...' પિકાસોએ ખુલાસો કર્યો.
પેલા પીટર સ્કૉટની બાબતમાં મને એવું લાગે છે કે જેમાં તેની નિપુણતા હતી એ તસ્કરીના ધંધાને બદલે ચોરીનો માલ વેચવાના ધંધામાં ઝંપલાવવાને લીધે જ તે ઝડપાઈ ગયો - `પરધર્મો ભયાવહ:' જેવું થયું. બાકી આર્ટ ગૅલરીમાંનાં પેઇન્ટિંગ્સ ઈધર ઉધર કરી તેના પરથી બનાવટી ચિત્રો તૈયાર કરી તે ઊંચા દરે વેચવાના કસબમાં સિદ્ધહસ્ત એવા ખાસ ચૌર્યકારોનું પણ એક અલાયદું વિશ્વ વિદેશમાં અસ્તિત્વ ધરાવે છે. લિયોનાર્દો-દ-વિન્ચીનું અમર ચિત્ર મોનાલિસા મ્યુઝિયમમાં લટકતું હતું. મોનાલિસાના સ્મિતને તો કોઈ ચોરી શકે તેમ નહોતું એટલે આખેઆખી મોનાલિસાનું 1911માં કોઈ અપહરણ કરી ગયું. એ મોનાલિસાને પાછી ફરતાં પૂરાં વીસ વર્ષ લાગ્યાં હતા. નકલી મોનાલિસાને અસલી માની તેની પાછળ લાખો રૂપિયા ખર્ચી બેઠેલા કેટલાક શ્રીમંતોના ડ્રૉઈંગ રૂમની દીવાલ પર બેઠેલ મોનાલિસા તેમની સામે જોઈને આજે પણ હસી રહી છે. કેવા છેતરાઈ ગયા! એવો ભાવ એ મોનાની આંખમાં છુપાઈને બેઠો હશે!
ઉપર આપણે જેમની વાતો કરી એ પ્રોફેશનલ ચોરો. પણ બધા કંઈ એ લોકો જેવા પ્રોફેશનલ ચોર નથી હોતા. થોડીક તેમની વાત... થોડા સમય પહેલાં એક વૃદ્ધે દિલ્હીના જનપથ ખાતેના ઇન્ડિયા એમ્પોરિયમના સેન્ટ્રલ કૉટેજ કૉર્પોરેશનમાંથી વટભેર, ટટ્ટાર ચાલે બહાર નીકળવા માંડ્યું. ઘણો ગૌરવશાળી ચહેરો અને સુઘડ પોષાકધારી આ સજ્જનને દરવાજા પર રોકતા દરવાને નમ્રતાથી કહ્યું : `વધતી ઉંમરને કારણે આપ સ્ટોરમાંથી લીધેલી વસ્તુઓનું બિલ ચૂકવવાનું ભૂલી ગયા લાગો છો...' `વ્હૉટ ડુ યુ મીન? તારા મનમાં તું સમજે છે શું?' એ સજ્જને દરવાન પર તપી જતાં જણાવ્યું : `તું મને ચોર માને છે? તારા જેવા પંદરને હું નોકરીએ રાખી શકું એટલો હું સમૃદ્ધ છું...' દરવાને સહેજ પણ ઉશ્કેરાયા વગર એ સજ્જનના માથા પરનો ટોપો ઉઠાવ્યો તો તેમાંથી પાંચ પ્રતિમાઓ ને ત્રણ સિલ્ક ટાઈઓ અજગરની જેમ બહાર ધસી આવી. જરાય ઝંખવાયા વગર એ સજ્જન બોલ્યા : `આ ચીજો મેં બે અઠવાડિયાં પહેલાં જ આ સ્ટોરમાંથી ખરીદી છે. તું મને ચોર ગણી મારું અપમાન કરી રહ્યો છે, હું ખાંડની એક ફૅકટરીનો માલિક છું.' તે કેટલો પ્રતિષ્ઠિત, આદરપાત્ર છે એની માહિતી આપવા તેણે જયોતિષ અંગેનાં લખાણો. જે અખબારોમાં પ્રગટ થયેલાં તેના ઝેરોક્ષ નકલો રજૂ કરી, પણ આજે તે `આપની આજ' જોયા વગર જ આ સ્ટોરમાં આવ્યા હશે. દરવાને કહ્યું કે, `ખરીદીનું બિલ મને બતાવવામાં આપને નાનમ જેવું લાગતું હોય તો પોલીસને બતાવો, હું અબઘડી પોલીસને બોલાવી લાવું છું.' પોલીસનું નામ પડતાં જ એ બુઝુર્ગે ગભરાઇને કબૂલ કરી લીધી તે પોતે આ વસ્તુઓ તફડાવી છે. એ બદલ તેમણે માફી માગી, એ વસ્તુઓની કિંમત ચૂકવી આપી. તેમનું પાકીટ પૈસાથી છલોછલ ભરેલું હતું. તે સાચે જ એક સુગર મિલના માલિક હતા.
દિલ્હીના આ મોટા સ્ટોરમાંથી કોઇ ગરીબ માણસે કયારેય ચોરી નથી કરી, લગભગ તો શ્રીમંત અને આબરૂદાર લોકો જ, પોતાની આબરૂને હોડમાં મૂકીને ચોરી કરે છે. એમાંય શૉપલિફટરોમાં નેવું ટકા સ્ત્રીઓ હોય છે, જેમની ઉંમર વીસથી ચાલીસ વર્ષની અંદરની હોય છે-દિલ્હીના આ સ્ટોરમાંથી વસ્તુઓનું સ્થળાંતર કરવામાં પકડાયેલાઓમાં હિન્દી તખ્તાનો મોટા ગજાનો કલાકાર તેમ જ યુ.પી.ની એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીનો વાઇસ ચાન્સેલર પણ પકડાયો હતો. જે દિવસે તે પકડાયો એ જ દિવસે તેને ફોર્ડ ફાઉન્ડેશનની સ્કોલરશિપ પર વિમાનમાં અમેરિકા જવાનું હતું. અમેરિકામાં કદાચ સારી ટાઇ મળે નહીં મળે એમ માની તેણે આ સ્ટોરમાંથી છ ટાઇઓ ઉપાડી લીધી હતી. માત્ર છ જ ટાઇઓથી શું વળશે-એમ વિચારી તેણે ચાંદીના દાગીના અને સુખડની છરી પણ સ્ટોરમાંથી ખેંચી લીધી. ભગવાન શ્રીકૃષ્ણે બાળપણમાં માખણની ચોરી કરી હતી, એમાંથી સતત પ્રેરણા મળતી રહે એ માટે તેણે એ કૃષ્ણની એક ફૂટ ઊંચી મૂર્તિ પણ ઓળવી લીધી હતી.
તેની અંગજડતી કરવામાં આવી ત્યારે તેની પાસેથી એ જ દિવસે અન્ય સ્ટેટ એમ્પોરિયમમાંથી ઉઠાવેલી ચાર ટાઇઓ મળી આવી હતી. અમેરિકા જવાનું હતું એ દિવસે પૂર્ણ સમય તે મહાશયે ધન ખર્ચ્યાં વગર બજારમાંથી જરૂરી ચીજ-વસ્તુઓ મેળવવા પાછળ ગાળ્યો હતો.
એમ તો આપણા કેટલાંક સારા ગણાતા કવિઓ એક જમાનામાં અમદાવાદથી ટાઉન હોલ હેવમોરમાંથી ડિશો અને ચમચીઓ, એક ખંડ સમયના વ્યવસાય લેખે નહીં, પણ શોખ તરીકે, આ લખનારની હાજરીમાં ચોરતા હતા. આ પ્રકારની તફડંચી એક માનસિક રોગ છે. અંગ્રેજીમાં આ મનોવિકૃતિને `કલેપ્ટોમેનિયા' કહે છે. આ રોગનો દરદી કોઇ ચમકતી ચીજ જુએ તે તરત તેનું મન હસ્તગત કરવા તડપી ઊઠે, એના મૂળ માલિકની નજર ચુકાવીને એ ચીજ લઇ લે છે. આપણા હિન્દી ફિલ્મોના કોમેડિયન મહેમૂદની પત્ની (મીનાકુમારીની બહેન)માધુરી આ મનોરોગથી પીડાતી હતી, અને એ કારણે મહેમૂદે તેને તલ્લાક આપ્યા હોવાનું કહેવાય છે. એ મહેમૂદે પોતે જ એક સામયિકના તંત્રી સમક્ષ એકરાર કર્યો હતો કે તેણે પણ પાર્ટીઓમાં ચાંદીના ચમચા વગેરે તફડાવવાની ટેવ હતી.
અને એક ગામના નગરશેઠને એક ટેવ હતી કે કોઇનાં ચળકતાં નવાં પગરખાં જુએ કે તેની આંખમાં ચમક આવે. પછી તે બૂટ કે ચંપલોમાંનું એક તફડાવી લે. બૂટ યા ચંપલની જોડી ખંડિત થાય એ તેને બહુ ગમે... તો મુંબઇના એક અતિ ધનાઢય શ્રીમંતને તેની પત્નીના આવા રોગની ખબર હતી એટલે પત્ની તેની ફેમિલી ઝવેરીને ત્યાં કશું, ખરીદવાને બહાને જવાની હોય ત્યારે એ શેઠ ઝવેરીને ફોનથી ખાનગીમાં જણાવી દેતો કે, `આજે તે તમારે ત્યાં આવવાની છે, હાર કે એવું કશું , તે ચોરે, વગેસગે કરે તો તેને રોકશો નહીં, તેને જે ઉઠાવવું હોય એ ઉઠાવવા દેજો ને પછી એનું બિલ મને પેઢી પર મોકલી આપજો.
શૉપલિફિંટગના આવા તો ઢગલાબંધ કિસ્સા બનતા હોય છે. ચોરી તો ગરીબ પણ કરે છે અને ધનિક પણ કરે છે. ફરક બન્ને વચ્ચે એ છે કે ગરીબ માણસ પોતાના પેટના રોગ-ભૂખને લીધે ચોરી કરે છે, જયારે શ્રીમંત પોતાના મગજના રોગને કારણે કરે છે.
(નોંધ: આ લેખ અમે કયાંથી તફડાવ્યો છે, એ કોઇએ કૃપા કરી અમને પૂછવું નહીં...)