સંજય છેલ
‘અમે શેઠજીની પાસે ફંડફાળો માગવા ગયા. તે જોતાંવેંત જ અમને પારખી ગયા. ફંડફાળો માગનાર અને આપનાર એકબીજાના શરીરની ગંધ બરાબર ઓળખે છે. માગનાર ગંધ પરથી જાણી લે છે કે આ માણસ ફંડફાળો આપશે કે નહીં. આપનાર પણ માગનારની ગંધ પરથી સમજી જાય છે કે આ કંઈ લીધા વિના ટળશે કે નહીં. ત્યાં જતાંવેંત સમજાઈ ગયું કે આ કંઈ આપવાના નથી. તે પણ સમજી ગયેલા કે આ સસ્તામાં ટળશે નહીં., છતાં બંનેએ પોતપોતાનો રોલ તો ભજવવાનો જ હતોને?.
અમે વિનંતી કરી, શેઠજી બોલ્યા, ‘તમને ફંડફાળાની પડી છે, અમે તો ટેક્સની બીમારીથી મરવા પડ્યા છીએ.’
મને થયું, વળી કેવી બીમારી? ન્યુમોનિયા, કોલેરા, કેન્સર જેવી બીમારીથી લોકો મરે છે. પણ ટેક્સની બીમારી? આમ તો શેઠજી, સ્વસ્થ ને ખુશખુશાલ લગતા હતા. તો શું ‘ટેક્સની બીમારી’માં દર્દીને મજા આવતી હશે? આ બીમારીથી દર્દી, હટ્ટોકટ્ટો થઈ જતો હશે? આવી સુખાળવી બીમારીથી મરવામાં કેવું ફીલ થતું હશે?
વળી, મેડિકલ સાયન્સ પાસે ટેક્સબીમારીનો કોઈ જ મોટામાં મોટા ડોક્ટર પાસે નથી. જોકે આનો ઇલાજ કરનારા પણ હોય છે, પણ તેમની સારવાર પદ્ધતિ જ જુદી હોય છે. જેમને શાણાં સી.એ કે લુચ્ચા ઇનક્મ ટેક્સ ઓફિસરો વગેરે કહેવાય છે.
આ દેશમાં મોટાભાગનાં લોકો ભૂખમરાથી મરે છે તો અમુક જ નસીબદાર અફાટ સંપત્તિના ટેક્સથી મરે છે. ટેક્સની બીમારીની ખાસિયત એ છે કે એ જેને વળગે તે કહે છે, ‘હાય, આટલા ટેક્સથી મરી જઇશું!’ અને જેને નથી વળગતી તે કહે છે, ‘હાય, અમને તો ટેક્સની બીમારી થતી જ નથી!’ કેટલાય લોકોની આજન્મ મહત્ત્વાકાંક્ષા હોય છે કે એમના પર ટેક્સ લાગે એટલી ઇનકમ થાય, પણ એવા બિચારા ગરીબડાઓ ટીબી કે રેશનિંગની લાઇનમાં ચકકર ખાઇને જ મરતા હોય છે.
મને થયું પેલા શેઠજીને કહું, ‘તમારી મિલકત સાથે આ ટેક્સવાળી બીમારી પણ મને આપી દો.’ પણ કંઈ આપે નહીં. આ કમબખ્ત બીમારી જ એવી છે કે જેને વળગે તેને વહાલી થઈ જાય છે. મને શેઠજીની ઈર્ષ્યા થઈ. થયું કે શેઠજીની જેમ જ મરું તો કેવું સારું? પછી મારા ‘શોકસમાચાર’ છપાય કે-
‘અત્યંત આનંદની વાત છે કે હિન્દીના વ્યંગ્યલેખક હરિશંકર પરસાઈ ‘ટેક્સની બીમારી’થી મૃત્યુ પામ્યા છે...’ આનો અર્થ એ કે તે માત્ર લખી લખીને કેટલું કમાતા હશે? તે હિન્દીના કે ભારતના પ્રથમ લેખક છે, જેમનું ટેક્સની બીમારીથી અવસાન થયું છે! આ ઘટનાથી સમગ્ર હિન્દી સાહિત્યજગત ગૌરવ અનુભવે છે. આશા છે કે ભવિષ્યમાં પણ ગરીબ લેખકો, ખૂબ માલ કમાઇને ટેક્સની બીમારીથી મૃત્યુ પામશે!’
આપણા નસીબમાં એવું સુખ ક્યાંથી? અમે તો માત્ર 500 રૂ,નો ફંડફાળો ન મળવાના દુ:ખે મરી રહ્યા હતા.
એક ભલો માણસ હતો, જે ‘બીજાઓની બેઈમાની’ની બીમારીથી મરી રહ્યો હતો. માણસને પોતાની બેઈમાની ક્યારેય જીવલેણ નથી લાગતી. ઊલટું, સ્માર્ટલી કરવામાં આવે તો એ બેઇમાની, માણસની તંદુરસ્તી વધારે છે. કેટલીક પતિવ્રતા સ્ત્રી બીજી સ્ત્રીઓના ચાલુ ચારિત્ર્યની બીમારીથી દુ:ખી રહે છે. કદાચ એમને એવા ચાલુ બનવાના મોકા નહીં મળતા હોય!
એક આદર્શવાદી માણસ, કોઇ ગાંધીસંસ્થામાં કામ કરતો હતો. મારી પાસે કલાકો બેસીને સંસ્થામાં કેવી બેઈમાની ચાલે છે તેની વાતો કરતો, ‘છેક જુવાનીમાં મારું જીવન સેવામાં સમર્પિત કરીને આ સંસ્થામાં જોડાયો ને આજે હું શું શું જોઈ રહ્યો છું!’
મેં કહ્યું, ‘ભાઈ, જુવાનીમાં તમે પરણવા કે કમાવાને બદલે પણ તમારા આદર્શો લઈને ત્યાં ગયા જ કેમ? ગાંધીજી મરતાં મરતાં તમને આવી સેવભાવી દુકાનો ખોલવાનો ઓર્ડર આપી ગયેલા?’ પણ હું તેમની છાની પીડા સમજી ગયો કે સંસ્થાના નામ સાથે ‘ગાંધીજી’નું નામ જોડાયેલું હોવાથી તે પોતે છૂટથી બેઈમાની કરી શકતો નહોતો ને બીજાઓની બેઈમાનીઓ જોઇ જલનથી બીમાર રહેતો હતો. ગાંધીજીએ એ બિચારાની અને એવા કેટલાંય આદર્શવાદીઓની જિંદગી બરબાદ કરી નાખેલી.
વળી લોકોનાં દુ:ખો પણ કેવાં મોટાં મોટાં ને વિચિત્ર હોય છે! મારો એક મિત્ર પોતાનું દુ:ખ રડવા લાગ્યો કે એણે 8 રૂમનો બંગલો બાંધવા માંડેલો. હવે 6 રૂમ બંધાઈને તૈયાર છે પણ બાકીના બે માટે પૈસા ખુટે છે, એમાં એ દુ:ખી છે. પણ એના આ બે રૂમવાળા દુ:ખની મારા પર કોઈ અસર થતી નથી. કારણ કે મારા મનમાં તો મારી 1 રૂમનાં લાઇટબિલનું 600 રૂ.નું દુ:ખ સતાવે છે.
મારા એક પુસ્તકવિક્રેતા મિત્રએ ગયા વર્ષે સરકારી પુસ્તકાલયોને 5,00,000 રૂનાં પુસ્તકો વેચેલા. આ વર્ષે ખાલી 4,00,000નાં જ વેચાયાં. એ કહે છે, ‘બરબાદ થઇ ગયો!. ફક્ત 4 લાખનો જ ઓર્ડર? આમાં સહિત્ય આગળ કેમ ચાલશે?’
તે ઇચ્છે છે કે હું દુ:ખી થઈ જાઉં. પણ હું થતો નથી. તેની પાસે મેં મારાં પુસ્તકોની 100 કોપી વેચવા મૂકેલી. બધી વેચાઈ ગઇ, પણ જ્યારે જ્યારે હું પૈસા માગું છું, ત્યારે એ એવી રીતે હસવા લાગે છે જાણે હું કોઈ જોક કે હાસ્યલેખ સંભળાવી રહ્યો હોઉં. એક હાસ્યવ્યંગ્યકાર માટે આ જ મોટો પ્રોબ્લેમ છે. પોતાના પૈસા માગે તો તેને પણ લોકો હાસ્યવિનોદમાં ખપાવી દે છે! માટે હું પ્રકાશકના દુ:ખે દુ:ખી થતો નથી, કારણ કે મારા મનમાં લાઇટ કપાઈ જવાનું દુ:ખ મોટું છે વીજળીનું બિલ ભૂલીને હું બીજાનાં દુ:ખે દુ:ખી થવાનો પ્રયાસ કરું છું અને મનને કહું છું, ‘જીવનની કેવી કરુણતા છે કે પેલાનું મકાન માત્ર 6 ઓરડાનું રહી જશે? દુનિયા કેટલી નિર્દય છે કે ફક્ત 4 લાખનાં જ પુસ્તકો ખરીદે છે! કેવો કળિયુગ આવ્યો છે?!’
હવે મિત્રો પ્રસન્ન છે કે છેવટે હું તેમનાં દુ:ખે દુ:ખી તો થયો! બાકી આ જગતમાં, એક સંઘર્ષ જીવતા રહેવાનો છે અને બીજો સાધનસંપન્ન સુખી, માલેતૂજાર બનવાનો છે. એમાં મારા જેવો મામૂલી માણસ મામૂલી દુ:ખ લઈને ક્યાં સુધી બેઠો રહે?
મારા મનમાં ફરી એ જ ઇચ્છા જાગે છે કે પેલા સજ્જન પોતાની મિલકત સાથે ટેક્સની બીમારી પણ મને આપી દે ને હું તેનાથી મરી જાઉં પણ એ કદી નહીં આપે.
ના તો શેઠજી એમની મિલકત છોડશે, ના તો ટેક્સની બીમારી.
મારે જ છેવટે કોઈ મામૂલી બીમારીથી જ મરવું પડશે.!