અમદાવાદ: પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં તાજેતરમાં જ વ્યાવસાયિક રિક્ષા, ટેક્સી, કેબ ચલાવતા ડ્રાઇવરો માટે હવે વ્યાવહારિક મરાઠી ભાષાનું જ્ઞાન ફરજિયાત બનાવી દેવામાં આવ્યા બાદ હવે આવી જ અમલવારી ગુજરાતી ભાષા માટે ગુજરાતમાં પણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ જોગવાઈના અનુસંધાને ગુજરાત સારથી સંઘ દ્વારા ગુજરાત સરકાર સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરી ગુજરાત પરમિટવાળા વાહનો ચલાવતા ડ્રાઈવરો માટે ગુજરાતી ભાષાનું ઓછામાં ઓછું કાર્યકારી જ્ઞાન ફરજિયાત કરવાની માંગ કરવામાં આવી છે.
સંઘ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતની સત્તાવાર ભાષા ગુજરાતી છે. ઓટો રિક્ષા, ટેક્સી અને અન્ય જાહેર પરિવહનના ડ્રાઈવરોનો મુસાફરો સાથે સીધો અને સતત સંપર્ક રહેતો હોવાથી ડ્રાઈવરને ગુજરાતી ભાષાનું કાર્યકારી જ્ઞાન હોવું મુસાફરોની સલામતી, સુવિધા અને અસરકારક સંવાદ માટે અત્યંત જરૂરી છે.
ગુજરાત સારથી સંઘના જણાવ્યા મુજબ ડ્રાઈવરને ગુજરાતી ભાષાનું જ્ઞાન હોય તો મુસાફર દ્વારા જણાવવામાં આવેલું ગંતવ્ય સમજવામાં, ભાડા તથા મુસાફરી સંબંધિત માહિતી અંગે સંવાદ કરવામાં અને અકસ્માત કે અન્ય કટોકટીની પરિસ્થિતિમાં જરૂરી માહિતી સમજવા-આપવામાં સરળતા રહે છે. આવી જોગવાઈથી વૃદ્ધો, મહિલાઓ, બાળકો તથા અન્ય મુસાફરો સાથે પણ અસરકારક સંવાદ સ્થાપિત કરવામાં સરળતા રહેશે. સાથે સાથે ટ્રાફિક પોલીસ, RTO તથા અન્ય સત્તાવાળાઓ સાથે જરૂરી કામગીરીમાં સહકાર આપવા પણ ભાષાનું જ્ઞાન ઉપયોગી બની રહેશે.
સરકાર સમક્ષ મુખ્ય માંગણીઓ
ગુજરાત સારથી સંઘે સરકાર સમક્ષ 8 જેટલી માંગણીઓ રજૂ કરી છે. જેમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી જોગવાઈનો અભ્યાસ કરી ગુજરાતમાં પણ પરમિટવાળા વાહનોના ડ્રાઈવરો માટે ગુજરાતી ભાષાનું જ્ઞાન ફરજિયાત કરવા કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવે. નવા પરમિટવાળા વાહનો ચલાવવાની પરવાનગી આપતી વખતે અરજદારને ગુજરાતી ભાષાનું જરૂરી જ્ઞાન હોવાની શરત રાખવામાં આવે. હાલના પરમિટવાળા વાહનચાલકોને તાત્કાલિક દંડ ફટકારવાને બદલે સમય આપવામાં આવે અને ગુજરાતી શીખવા માટે સરકાર દ્વારા સરળ પરીક્ષા તથા પ્રમાણપત્રની વ્યવસ્થા કરવામાં આવે.
તે ઉપરાંત જરૂરી ગુજરાતી ભાષાનું જ્ઞાન ન ધરાવતા ડ્રાઈવરને પ્રથમ તબક્કે નોટિસ આપી એક મહિનો અથવા સરકાર યોગ્ય માને તેટલો સમય આપવામાં આવે. આ નિર્ધારિત સમયગાળા બાદ પણ નિયમનું પાલન ન થાય તો કાયદેસરની કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવે. પરમિટવાળા વાહનો ચલાવવા તથા પરમિટ રિન્યુ કરતી વખતે પણ ગુજરાતી ભાષાના કાર્યકારી જ્ઞાનની શરત લાગુ કરવામાં આવે તેવી માંગ સંઘે કરી છે.
આ ઉપરાંત સંઘે એવી પણ માંગ કરી છે કે ગુજરાતી ભાષાની પરીક્ષા સરળ અને વ્યવહારુ રાખવામાં આવે, જેમાં ડ્રાઈવર મુસાફર સાથે સામાન્ય વાતચીત કરી શકે, સ્થળ અને સરનામું સમજી શકે તથા જરૂરી સલામતી સૂચનાઓ સમજી શકે તેટલું જ્ઞાન પૂરતું ગણવામાં આવે. ગુજરાત બહારથી આવતા તથા અન્ય રાજ્યોના ડ્રાઈવરો માટે પણ આ નિયમ લાગુ કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે. જો કે ગુજરાત સારથી સંઘે આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે આ માંગ કોઈ વ્યક્તિ, રાજ્ય કે સમુદાય વિરુદ્ધ નથી. તેનો મુખ્ય હેતુ ગુજરાતી ભાષાનું સંરક્ષણ, મુસાફરો સાથે અસરકારક સંવાદ, જાહેર પરિવહનની સલામતી અને મુસાફરોની સુવિધા સુનિશ્ચિત કરવાનો છે.