Mon Nov 16 2026

Logo

ગુજરાતમાં ક્યારથી પડશે ગાત્રો થીજાવતી ઠંડી? પરેશ ગોસ્વામીએ કરી તારીખ સાથે આગાહી...

2026-10-24 22:33:23
Author: Mayur Patel
ગુજરાતમાં ક્યારથી પડશે ગાત્રો થીજાવતી ઠંડી? પરેશ ગોસ્વામીએ કરી તારીખ સાથે આગાહી...

અમદાવાદઃ ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દિવાળી નજીક આવી છતાં રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો નથી. સામાન્ય રીતે ઓક્ટોબર અને નવેમ્બરમાં નવરાત્રિની આસપાસ ગુલાબી ઠંડીનો અહેસાસ થતો હોય છે , પરંતુ આ વર્ષે ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાં શિયાળાની ઋતુમાં પણ મહત્તમ તાપમાન 38 થી 40 ડિગ્રી સુધી પહોંચી જતાં લોકો અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરી રહ્યા છે. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ 'મુંબઈ સમાચાર' સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું છે કે આ પરિસ્થિતિ પાછળનું મુખ્ય કારણ 'અલ નીનો'  છે  

પરેશ ગોસ્વામીએ જણાવ્યું, પ્રશાંત મહાસાગરમાં તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર ઊંચું રહેવાને કારણે અલ નીનો અત્યંત સક્રિય બન્યો છે.  તેની અસર હેઠળ અરબ સાગર અને બંગાળની ખાડીનું તાપમાન પણ ઊંચું રહેતાં ગુજરાતમાં સામાન્ય કરતાં બે ડિગ્રી જેટલું તાપમાન વધુ નોંધાઈ રહ્યું છે.

શિયાળાની ઋતુ 12 થી 20 દિવસ જેટલી ટૂંકી રહેશે.

આ ઉપરાંત તેમણે કહ્યું, સામાન્ય વર્ષોની તુલનાએ આ વર્ષે શિયાળાની શરૂઆત મોડી થશે. 12 થી 15 ફેબ્રુઆરી આસપાસ શિયાળો પૂર્ણ થઈ જવાની શક્યતા છે , જેથી સમગ્ર શિયાળાની ઋતુ 12 થી 20 દિવસ જેટલી ટૂંકી રહેશે. આ ઉપરાંત, આગામી ઉનાળો વધુ લાંબો અને આકરો રહેવાની શક્યતા છે.

કડકડતી ઠંડી ક્યારે પડશે? 

ઓક્ટોબર મહિનામાં ઠંડીની કોઈ શક્યતા નથી. નવેમ્બરની શરૂઆતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો જોવા મળશે.  જ્યારે ગાત્રો થીજવતી વાસ્તવિક ઠંડી અને કોલ્ડવેવના રાઉન્ડ 15 નવેમ્બર આસપાસથી શરૂ થવાની સંભાવના છે.

કમોસમી વરસાદની ભીતિ  

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાંથી પસાર થતાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ  દક્ષિણ તરફ સરકીને મેદાની ભાગો પરથી પસાર થાય તો ગુજરાત સુધી ટ્રફ લંબાવાની શક્યતા રહે છે  પરિણામે શિયાળા દરમિયાન વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદ થઈ શકે છે.

ખેડૂતો માટે રાહત પેકેજ અને દુષ્કાળ જાહેર કરવાની માંગ 

ચોમાસા દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્ર (જામનગર, દ્વારકા, પોરબંદર), કચ્છ તથા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની ભારે ઘટ રહી છે.  પરેશ ગોસ્વામીએ  અસરગ્રસ્ત વિસ્તારોને સત્વરે અછતગ્રસ્ત/દુષ્કાળગ્રસ્ત જાહેર કરે, બે હેક્ટરની મર્યાદામાં રૂ. 3 લાખ સુધીનું પાક ધિરાણ માફ કરવામાં આવે તેમજ પશુઓ માટે ઘાસચારો અને પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તેવી સરકારને અપીલ કરી હતી.