નવી દિલ્હીઃ ગુજરાતમાં નોરતાના અંતિમ દિવસોમાં વરસાદ પડી શકે એવી આગાહી વ્યક્ત કરવમાં આવી છે તો બીજી તરફ ઉત્તર અને પૂર્વી ભારતમાં ઠંડીએ પા પા પગલી કરી છે. ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં વહેલી સવારે હવે શિયાળું અહેસાસ થઈ રહ્યો છે. જ્યારે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં સૂર્યોદય પહેલા ટાઢક અને પછી આખો દિવસ ઉનાળા જેવો તાપ વર્તાય છે. આ વખતે ચોમાસાની સીઝન ખોરવાતા અનેક રાજ્યોમાં તેની અસર જવા મળી છે. નોરતામાં સામાન્ય રીતે શિયાળો શરૂ થતો હોય છે. નોરતાના અંતિમ દિવસોમાં ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. પણ આ વખતે ઋતુચક્ર અલગ દિશાથી ચાલી રહ્યું હોય એવું લાગે છે. નોરતાના અંતિમ દિવસોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
દક્ષિણના રાજ્યોમા ચોમાસુ એક્ટિવ
દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુ, કર્ણાટક, તેલંગણા તથા આધ્ર પ્રદેશ સુધી વરસાદી માહોલ હજુ યથાવત છે. જ્યારે હિમચાલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. આ વર્ષે જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા વહેલી શરૂ થઈ હતી. વેસ્ટર્ન ડિસ્ટબન્સ સાથે સાઈક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ થયું છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ કારણે અંતિમ દિવસોમાં ગરબા રમવાની ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે. હળવાથી ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં વરસાદ પડી શકે છે. આ પછી આગામી બુધવારથી વરસાદની કોઈ શક્યતાઓ નથી. આ પછી સતત બે અઠવાડિયા સુધી વાતાવરણ સુકુ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં માત્ર ઝાપટું પડી શકે છે. રસ્તા પર નદી વહે એ પ્રકારનો વરસાદ પડવાની કોઈ શક્યતાઓ નથી.
10 શહેરોમાં 35 ડિગ્રીથી વધુ તાપમાન
બીજી તરફ રાજ્યના 10 શહેરોમાં તાપમાન 37 ડિગ્રીને પાર થઈ ગયું છે. ખાસ કરીને રાજકોટમાં 39.9 ડિગ્રી અને અમદાવાદમાં 37.4 ડિગ્રી તાપમાન નોધાયું છે. આસો મહિનામાં ચૈતર વૈશાખ જેવો તડકો અનુભવતા લોકો પરસેવે રેબરેબ થયા હતા. જ્યારે રાત્રીનું તાપમાન પણ 25 ડિગ્રીથી ઉપર જતા બફારાનો અનુભવ થયો હતો. વહેલી સવારે થોડી ઠંડક રહેતા માહોલ ઠંડો રહ્યો હતો. હવામાન ખાતાના રિપોર્ટ અનુસાર આગામી એક અઠવાડિયા પછી ઠંડી ધીમે ધીમે શરૂ થાય એવા એંધાણ છે.
જ્યારે દેશના ઉત્તરી રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સથી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને લેહ-લદ્દાખની સાથે સાથે પંજાબ અને હરિયાણામાં પણ વરસાદ થવાની શક્યતા છે. દિલ્હી-એનસીઆર (Delhi-NCR) અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ પણ તેનાથી પ્રભાવિત થઈ શકે છે. દેશના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક નવી હવામાન સિસ્ટમને કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વરસાદ પડી રહ્યો છે.
વરસાદ પછી ઠંડક થશે
બિહાર અને ઝારખંડમાં પણ હળવા વરસાદની અપેક્ષા છે. આ ઉપરાંત, ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં પણ વરસાદ થવાની સંભાવના છે. છેલ્લા 24 કલાક દરમિયાન તમિલનાડુમાં અત્યંત ભારે વરસાદ નોંધાયો છે, જ્યારે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, રાયલસીમા, તેલંગાણા અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં પણ ભારે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે 24 ઓક્ટોબર સુધી દક્ષિણ ભારતના વિવિધ ભાગોમાં જેમાં તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે ત્યાં વરસાદની આગાહી કરી છે.
આ સમયગાળા દરમિયાન, કેટલાક વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદ, ગાજવીજ સાથે વરસાદ, વીજળી પડવી અને તેજ પવન ફૂંકાવાની પણ શક્યતા છે. આ પછી ઉત્તરીય રાજ્યોમાં ઠંડીનો માહોલ જામશે. કાશ્મીરથી લઈને દિલ્હી સુધી વહેલી સવારે વાતાવરણમાં પલટો દેખાશે. ઠંડક ક્રમશઃ વધતા શિયાળાની એન્ટ્રી થશે. એ પહેલા એકાદ મહિનાઓ સુધી વાતાવરણ સુકુ કે વાદળછાયું રહેવાની પૂરી શક્યાઓ સેવાઈ રહી છે.