ભરત ભારદ્વાજ
ગુજરાતમાં વીજળીનું સંકટ તો છે જ ને ત્યાં હવે પાણીનો પણ કકળાટ ઊભો થતાં લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. ગુજરાતમાં પાણીનો કકળાટ એ હદે છે કે, એક તરફ અમદાવાદ જેવા શહેરમાં વરસો પછી પહેલી વાર પાણીકાપ મૂકવો પડ્યો છે તો બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છમાંથી મોટા પ્રમાણ માં હિજરત શરૂ થઈ ગઈ છે. માલાધારીઓ પાસે ઢોરઢાંખરને પિવડાવવા જ પાણી નથી તેથી વતનમાંથી ઉચાળા ભરી રહ્યા છે.
હદ તો એ થઈ ગઈ છે કે, પાણી ચોરીના ડરે નર્મદાનાં પાણી લઈ જતી પાઈપલાઈનની સુરક્ષા માટે હથિયારધારી જવાનો તહેનાત કરવા પડ્યા છે કે જેથી પાણી ચોરી ના થાય. પાણી ચોરો પાઈપલાઈનમાં ગાબડું પાડીને કે એરવાલ્વ તોડીને પાણી ના ચોરી જાય એ વાસ્તે પોલીસ અને વિશેષ સિક્યુરિટી ફોર્સ બેસાડવી પડી છે. પાણી ચોરી થાય તો શિયાળામાં સૌરાષ્ટ્રે પીવાના પાણી વિના તરફડવું પડે એમ છે તેથી બંદોબસ્ત કરવો પડે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણીની અછતની સમસ્યાં વરસોથી છે પણ આ વખતે અમદાવાદ જેવા શહેરી વિસ્તારોમાં પણ પાણી નથી એ ગંભીર વાત છે. તેના કારણે રવિવારે અમદાવાદના લગભગ 70 ટકા વિસ્તારોમાં રવિવારે રજાના દિવસે જ પાણી કાપ કરાયો.
નર્મદા મુખ્ય નહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેડ રેગ્યુલેટર પાસે પાણીના સ્તરમાં વધઘટ થવાને કારણે અમદાવાદને પાણી પૂરું પાડતા કોતરપુર વોટર વર્ક્સને પૂરતા પ્રમાણમાં પાણી મળી ના મળ્યું તેથી ગુજરાતની આર્થિક રાજધાની મનાતા અમદાવાદનાં 60 લાખથી વધુ લોકોએ રવિવારે અપૂરતા પાણીથી ચલાવવું પડ્યું.
અમદાવાદીઓએ તો એક દિવસ હાડમારી ભોગવી પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં તો હાલત વધારે ગંભીર છે કેમ કે સરકારે સત્તાવાર રીતે સૌરાષ્ટ્રને સિંચાઈનું પાણી નહીં આપવાનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે લેખિતમાં સત્તાવાર આદેશ આપ્યો છે કે, સૌરાષ્ટ્રના 11 જિલ્લાને સૌની યોજના દ્વારા મળતું સિંચાઈનું પાણી નહીં મળે. આમ તો છેલ્લા એક મહિનાથી સૌની યોજનાની પાણીની લાઇન બંધ હોવાથી સૌરાષ્ટ્રનાં સેંકડો ગામોમાં પાણીની અછત સર્જાયેલી જ હતી પણ ચોમાસામાં નર્મદામાં નીરની નવી આવક થતાં પાઈપલાઈન ફરી શરૂ કરાશે એવી આશા હતી પણ આ આશા પર હવે પાણી ફરી વળ્યું છે.
નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે શરૂ કરાયેલી સૌની યોજનાનું પૂરું નામ સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના છે. ગુજરાત સરકારની આ મહત્ત્વાકાંક્ષી વોટર મેનેજમેન્ટ યોજનાનો ઉદ્દેશ સરદાર સરોવર નર્મદા ડેમના પૂરના વધારાના પાણીને પાઇપલાઇન દ્વારા સૌરાષ્ટ્રના જળાશયો અને ડેમો સુધી પહોંચાડવાનો છે. આ યોજના હેઠળ 1322 કિલોમીટર લાંબી પાઇપલાઇનનું નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે.
આ પાઈપલાઈન મારફતે સૌરાષ્ટ્રના 11 જિલ્લાનાં 115 જળાશયો, ગામ તળાવો અને ચેકડેમોને નર્મદાના નીરથી ભરવાનું આયોજન કરાયેલું, એકંદરે અંદાજે 8.25 લાખ એકરથી વધુ વિસ્તારમાં સિંચાઈની સગવડ તેમજ સેંકડો ગામો અને શહેરોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે એનો આ યોજનાનો ઉદ્દેશ છે.
કાગળ પર અદ્ભુત લાગતી આ યોજનાનો પૂરેપૂરો લાભ તો હજુ બધાંને મળ્યો નથી ત્યાં રાજ્ય સરકાર જેમને લાભ મળે છે તેમને પણ બંધ કરી દેવાનો ફતવો બહાર પાડીને રાવણ કાઢ્યો છે. ગુજરાત સરકારનો તર્ક છે કે, સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી સિંચાઈ માટે આપી દઈએ તો શિયાળામાં પીવાના પાણીનું સંકટ સર્જાઈ શકે તેમ છે એટલે સિચાંઈ માટે પાણી નહીં આપી શકાય. મતલબ કે, સૌરાષ્ટ્રના ખેડૂતો શિયાળુ પાક નહીં લઈ શકે.
સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આ નિર્ણય પડતા પર પાટુ છે કેમ કે વરસાદ ઓછો થયો તેમાં જળાશયો ના ભરાતાં ખેડૂતો ચિંતામાં હતા જ. ઓછા વરસાદના કારણે જળાશયો ખાલી હોવાથી ખેડૂતોની છેલ્લી આશા રાજ્ય સરકાર નર્મદાનું પાણી આપીને જળાશયો ભરીને તેમને ઉગારી લેવા પર હતી પણ એ આશા ઠગારી નિવડી છે.
સૌરાષ્ટ્રમાં સૌથી ખરાબ હાલત દેવભૂમિ દ્વારકા જિલ્લાની છે કેમ કે જિલ્લાના 15 ડેમમાં માત્ર 1-2 ટકા જેટલું જ પાણી બચ્યું છે. વરસાદની ખેંચને કારણે પાક નિષ્ફળ જતાં પશુઓ માટે ઘાસચારાના ભાવમાં બમણો-ત્રણ ગણો વધારો થયો છે એટલે ઢોરોને શું ખવડાવવું તેની ચિંતા હતી જ ત્યાં હવે રાજ્ય સરકારે પણ હાથ ખંખેરી નાખતાં સૌથી વધારે ખરાબ હાલત માલધારીઓની છે. પાણી અને ઘાસચારાના અભાવે માલધારીઓની હિજરત શરૂ થઈ જ ગયેલી ને તેમાં હવે તેજી આવશે.
સુરેન્દ્રનગર સહિતના બીજા જિલ્લાઓમાં પણ આ જ હાલત છે. જામનગર જિલ્લાના ડેમોમાં માત્ર 8 ટકા પાણી ઉપલબ્ધ છે જ્યારે સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં પણ જળસ્તર માત્ર 15 ફૂટ પર છે. રાજકોટ જિલ્લાના 27 ડેમમાં અંદાજે 40 ટકા જેટલું જ પાણી છે. ચિંતાજનક વાત એ છે કે, રાજકોટની તરસ છિપાવતા મુખ્ય ડેમ આજી-1 અને ન્યારી-1 માં નવેમ્બરના મધ્ય સુધી ચાલે તેટલું જ પાણી હોવાથી રાજકોટવાસીઓની હાલત પણ અમદાવાદીઓ જેવી જ થશે.
સમગ્ર સૌરાષ્ટ્રની 141 જેટલા જળાશયો/યોજનાઓ છે અને સત્તાવાર આંકડા મુજબ સૌરાષ્ટ્રના 85 મુખ્ય ડેમોમાંથી 45 ડેમમાં પાણીનો જથ્થો બે ટકાથી 20 ટકા વચ્ચે જ રહી ગયો છે એટલે દિવાળી પતે કે તરત સૌરાષ્ટ્રમાં પાણીની રામાયણ શરૂ થશે. વર્ષમાં પાણીની સમસ્યા ઉકેલવાની સરકારને આશા છે પણ, વરસ લગી લોકો શું કરશે, ઢોર-ઢાંખર કઈ રીતે જીવતાં રહેશે, ખેતી નહીં થાય તો ખેડૂતો શું ખાશે તેનો કોઈ ઉકેલ તેમની પાસે નથી એ હકીકત છે.