Thu Nov 19 2026

Logo

ઉનાના વાંસોજ ગામમાં શાક-રોટલો ખાધા બાદ બે વર્ષની માસૂમનું મોત, માતા-પિતા આઈસીયુમાં...

2026-10-27 22:00:09
Author: Mumbai Samachar Team
ઉનાના વાંસોજ ગામમાં શાક-રોટલો ખાધા બાદ બે વર્ષની માસૂમનું મોત, માતા-પિતા આઈસીયુમાં...

ગીર સોમનાથઃ ઉના તાલુકાના વાંસોજ ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. રાત્રિના ભોજનમાં ગુવાર-બટેટાનું શાક અને રોટલો ખાધા બાદ એક જ પરિવારના ત્રણ સભ્યો ની તબિયત અચાનક લથડી હતી. આ ઘટનામાં  બે વર્ષની માસૂમ બાળકી જીનલનું મોત નીપજતાં સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.  બીજી તરફ, બાળકીના પિતા રાજેશભાઈ ભગાભાઈ કામળિયા, માતા સોનલબેન રાજેશભાઈ કામળિયાની હાલત ગંભીર હોવાથી ઉનાની એક હૉસ્પિટલમાં આઈસીયુમાં છે. 

તબીબોએ પ્રાથમિક તપાસમાં ફૂડ પોઇઝનિંગ ની આશંકા વ્યક્ત કરી છે, જોકે મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. વાંસોજ ગામના રાજેશભાઈ કામળિયા, તેમનાં પત્ની સોનલબેન અને તેમની બે વર્ષ ની પુત્રી જીનલે ગત રાત્રે ગુવાર-બટેટાનું શાક  રોટલો ખાધો હતો. ભોજન લીધા બાદ ત્રણેયને ઊલટીઓ થવા લાગી હતી, જેના કારણે પરિવારજનો ચિંતિત બન્યા હતા. શરૂઆતમાં ગામમાંથી પ્રાથમિક દવા લેવામાં આવી હતી, પરંતુ તબિયતમાં સુધારો થવાને બદલે સવારે વધુ બગાડો થતાં ત્રણેયને 108 એમ્બ્યુલન્સ મારફતે ઉનાની ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. મૃતક બાળકી જીનલના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે જામનગર ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. 

પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય તપાસ નાં તારણો બાદ જ મોત પાછળનું સાચું કારણ જાણી શકાશે. પરિવાર માટે આ ઘટના અસહ્ય આઘાત સમાન બની છે. જે ઘરમાં બે વર્ષની માસૂમ દીકરીની કિલકારીઓ ગુંજતી હતી, ત્યાં અચાનક શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. એકની એક દીકરી ગુમાવનાર માતા સોનલબેન સારવાર હેઠળ છે અને દીકરીના વિયોગના આઘાત વચ્ચે તેઓ કંઈ બોલી પણ શકતાં ન હોવાનું જાણવા મળ્યું હતું.