Mon Nov 16 2026

Logo

સૌરાષ્ટ્ર સહતિ ગુજરાતમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ, હજુ બે દિવસ માવઠાની આગાહી

2026-10-30 21:28:00
Author: Mayur Patel
સૌરાષ્ટ્ર સહતિ ગુજરાતમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ, હજુ બે દિવસ માવઠાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. હજુ બે દિવસ માવઠાની આગાહી છે, જેના કારણે ધરતીપુત્રોની ચિંતા વધી ગઈ છે. અમરેલી, ગીર સોમનાથ, સાબરકાંઠા, કલોલ, ધોરાજીમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો.  વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી ગઈ હતી, પરંતું દિવાળીના તહેવારો ટાણે જ ખેતરોમાં લણણી માટે તૈયાર ઊભા પાક પર પાણી ફરી વળતાં ધરતીપુત્રો અને બજારોમાં વેપારીઓની ચિંતામાં મોટો વધારો થયો હતો.

રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં બપોર બાદ અસહ્ય ઉકળાટ વચ્ચે અચાનક આકાશ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો.  ધોરાજી શહેર ઉપરાંત આસપાસના ભૂખી, તોરણીયા, મોટી પરબડી સહિતના ગ્રામ્ય પંથકમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે લોકોને બફારામાંથી મુક્તિ મળી હતી, પરંતુ ખેતરોમાં હાલ કપાસ, મગફળી, સોયાબીન અને એરંડાનો પાક લણણીના તબક્કે તૈયાર હોવાથી આ કમોસમી વરસાદથી પાક બગડવાની મોટી ભીતિ સેવાઈ રહી છે.

જેતપુર શહેરમાં સાંજના સમયે એકાએક કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ગાજવીજ તથા તીવ્ર પવન સાથે મુસળધાર વરસાદ શરૂ થયો હતો. શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક, દેસાઈ વાડી, મતવા શેરી, વડલી ચોક અને ફૂલવાડી સહિતના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ટૂંકા સમયમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પર નદીઓની જેમ પાણી વહેતા થયા હતા, જેના લીધે વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. માત્ર શહેરમાં જ નહીં, પરંતુ જેતપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ ધમાકેદાર પ્રસ્થાન કર્યું છે. પેઢલા, મંડલીકપુર, પીઠડીયા અને પ્રેમગઢ સહિતના આસપાસના તમામ ગ્રામીણ વિસ્તારોમાં પવનના સૂસવાટા સાથે જોરદાર વરસાદ નોંધાયો હતો.

અમરેલી જિલ્લામાં સૂસવાટા મારતા પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. ખાંભા ગીર પંથકના હનુમાનપુર, તાલડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદ તૂટી પડતાં ખાંભા-ઉના રોડ પર વિશાળ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા, જેના કારણે વાહનવ્યવહારને પણ અસર પહોંચી હતી.  

ગીર ગઢડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. બાબરિયા સહિત મોતીસર, નિતલી, વડલી, નગડિયા, જશાધાર પંથકમાં વરસાદ પડતાં ખેડૂતો અને પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે. એક તરફ ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી હતી, તો બીજી તરફ ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થતાં ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. 

ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. દિવાળીના તહેવારની મોસમ બરાબર જામી છે ત્યારે જ વરસાદ વરસતાં બજારમાં ખરીદી અટકી પડી હતી. ખાસ કરીને રોડ પર બેસતા લારી-ગલ્લા અને પાથરણાવાળા નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને તેમનો માલસામાન પલળી ગયો હતો.

સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, ત્યારબાદ સાંજના સુમારે ઈડર અને હિંમતનગર તાલુકાના વિસ્તારોમાં વરસાદી માવઠું નોંધાયું હતું. ગ્રામ્ય વિસ્તારો જેવા કે દરામલી, નેત્રામલી, ઈસરવાડા, ભદ્રેસર, હિંમતપુર, ઉમિયાનગર અને મહાદેવપુરામાં વરસાદી છાંટા અને હળવા ઝાપટાં પડ્યા હતા. ખેડૂતો દ્વારા મગફળી સહિતના પાકો ઉતારીને ખેતરોમાં ખુલ્લા રાખવામાં આવ્યા હોવાથી અચાનક વરસેલા માવઠાને કારણે પાક પલળી જવાની ભીતિ વચ્ચે ખેડૂત આલમમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સામાન્યથી હળવો વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા ઝાપટાં ચાલુ રહી શકે છે.

જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર પૂરી થયા બાદ તાપમાનમાં ફરી બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. રાહતની વાત એ છે કે લઘુત્તમ તાપમાનમાં હાલ મોટા ફેરફારની શક્યતા વ્યક્ત કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, હાલ ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષોભની અસર પણ યથાવત્ છે. આ તમામ હવામાન પ્રણાલીઓ વચ્ચે ગુજરાતમાં પણ વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.