Tue Nov 10 2026

Logo

રાજ્યમાં બેવડી ઋતુ વચ્ચે હવામાનમાં પલટો આવશેઃ જાણો ક્યાં પડશે કમોસમી વરસાદ...

2026-10-27 21:21:30
Author: Mayur Patel
રાજ્યમાં બેવડી ઋતુ વચ્ચે હવામાનમાં પલટો આવશેઃ જાણો ક્યાં પડશે કમોસમી વરસાદ...

પ્રતીકાત્મક તસવીર


અમદાવાદ: ગુજરાતમાં હાલ લોકો બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે ત્યારે વાતાવરણમાં વધુ એક મોટો પલટો આવવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાક બાદ રાજ્યમાં માવઠાનો માહોલ સર્જાઈ શકે છે. ખાસ કરીને 29 અને 30 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી શકે છે. માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધી છે.

આગામી 29 અને 30 ઓક્ટોબરના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં આકાશ વાદળછાયું રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના તાપમાન સંદર્ભે હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે, આગામી 48 કલાક સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. જોકે, આગામી સાત દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ આવવાની શક્યતા નથી. છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મહત્તમ પારો ઊંચકાતાં અને લઘુત્તમ પારો ગગડતાં મિશ્ર ઋતુનો અનુભવ થયો હતો, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું હતું.