અમદાવાદઃ તહેવારો અને નવરાત્રિ-દશેરા દરમિયાન ગુજરાતમાં વાહનોનું ધૂમ વેચાણ થયું હતું. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના ડેટા અનુસાર, 28 ઓક્ટોબર સુધીમાં 41, 552 યુનિટ્સના વેચાણ સાથે ગુજરાતે ઉત્તર પ્રદેશને પાછળ છોડીને દેશમાં કાર વેચાણમાં બીજું સ્થાન હાંસલ કર્યું હતું.
મહારાષ્ટ્ર 44,632 યુનિટ્સ સાથે યાદીમાં મોખરે રહ્યું હતું, જ્યારે ઉત્તર પ્રદેશમાં 38,233 યુનિટ્સનું વેચાણ નોંધાયું હતું. 24,131 યુનિટ્સ સાથે હરિયાણા અને 23,602 યુનિટ્સ સાથે રાજસ્થાન ટોપ ફાઇવમાં સામેલ થયા હતા. ઓક્ટોબર 2025માં ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ બાદ ત્રીજા ક્રમે હતું. આ વર્ષે તહેવારોની ખરીદીની પીક સિઝનમાં ગુજરાતે આ છલાંગ લગાવી હતી. નવરાત્રિ-દશેરા અને દિવાળી દરમિયાન લોકો વાહનોની મોટા પાયે ખરીદી અને ડિલિવરી લેતા હોય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ખરીદશક્તિમાં થયેલો સુધારો, એન્ટ્રી-લેવલ કારની મજબૂત માંગ, એસયુવી કાર્સ પ્રત્યેનો અવિરત ક્રેઝ અને નવા મોડેલ્સનું લોન્ચિંગ ગુજરાતને ઉત્તર પ્રદેશથી આગળ નીકળવામાં મદદરૂપ સાબિત થયા છે. એન્ટ્રી-લેવલ કારની વધતી માંગ અને એસયુવીમાં સતત રસ એ ઓક્ટોબરમાં ગુજરાતના મજબૂત વેચાણ પાછળના મુખ્ય પરિબળો હતા. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જીએસટીમાં થયેલા ઘટાડા પછી એન્ટ્રી-લેવલ કારની માંગ વધી છે. આ વર્ષે, તેણે મહત્વાકાંક્ષી ખરીદદારો અને ટુ-વ્હીલર ચલાવનારાઓને એન્ટ્રી-લેવલ કારના ખરીદદારોમાં ફેરવવામાં મદદ કરી છે.
આ ઉપરાંત ગુજરાતનું ઔદ્યોગિક માળખું, વિકસતા શહેરી કેન્દ્રો અને શ્રેષ્ઠ રોડ કનેક્ટિવિટીને કારણે તે ઓટોમોબાઇલ કંપનીઓ માટે એક મહત્ત્વનું બજાર બન્યું છે. રાજ્યના ગ્રાહકોની પસંદગી હવે માત્ર પરંપરાગત પેટ્રોલ અને ડીઝલ મોડેલ્સ પૂરતી મર્યાદિત નથી રહી. રાજ્યમાં સીએનજી વેરિયન્ટ્સ અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સની માંગ ઘણી સારી રહી છે. ઈવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થવાને કારણે માંગ નોંધપાત્ર રીતે વધી છે. કંપનીઓ દ્વારા નવા મોડલ રજૂ કરવા ઉપરાંત આ પરિબળોએ પણ વેચાણને વેગ આપ્યો છે.
વર્તમાન કેલેન્ડર વર્ષના કુલ વેચાણમાં પણ ગુજરાતે ટોચના સ્થાનોમાં પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે. 28 ઓક્ટોબર સુધીમાં સમગ્ર 2026ના કુલ કાર વેચાણમાં ગુજરાત 3,44,039 યુનિટ્સ સાથે ત્રીજા ક્રમે રહ્યું હતું. મહારાષ્ટ્ર 4,75,712 યુનિટ્સ સાથે પ્રથમ અને ઉત્તર પ્રદેશ 4,32,591 યુનિટ્સ સાથે બીજા ક્રમે હતા. જ્યારે તમિલનાડુ 2,87,634 યુનિટ્સ સાથે ચોથા અને કર્ણાટક 2,80,705 યુનિટ્સ સાથે પાંચમા ક્રમે હતા.