અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યભરની આરટીઓ કચેરીમાં 15 સપ્ટેમ્બરથી પરમિટ સરેન્ડર, સ્પેશિયલ પરમિટ, ટેમ્પરરી પરમિટ, માલિકી હક ટ્રાન્સફર સહિતની 10 સુવિધાઓ માટે જે તે કચેરી સુધી લાંબા થવું નહીં પડે. તમામ 10 સેવા ઓનલાઇન અને ઓટો એપ્રુવલ મોડ પર શરૂ થશે. અત્યાર સુધી આ સર્વિસ માટે કચેરીએ જઈને પ્રક્રિયાઓ કરવી પડતી અને કચેરીમાં પણ એક અલગથી પ્રોસેસ થતી હતી. ઉમેદવારોને અરજી કરી આરટીઓના ધક્કા ખાવા પડતા હતા એમાંથી હવે છૂટકારો મળી રહેવાનો છે.
મંજૂરીની રાહ નહીં જોવી પડે
ઇન્સ્પેક્ટરની મંજૂરીની રાહ જોવા પડતી હતી જે કામ હવે ઓનલાઈન થઈ જતા કોઈ મંજૂરીમાં જતો સમય બચી જશે અને કચેરીએ જવા સુધીનો ધક્કો પણ બચી જશે. હવે આધારકાર્ડ આધારિત ઇ- કેવાયસી કોન્ટેક્ટલેસ પદ્ધતિથી અરજી કરીને નિયત ફી અને જરૂરી દસ્તાવેજ અપલોડ કર્યા બાદ સિસ્ટમથી ઓટોમેટિક અપ્રુવલ મળી જશે. આ માટે ખાસ ફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે. આ ફોર્મનો જે તે પોર્ટલ પર સેટ કરી દેવામાં આવ્યા છે. ઉમેદવાર આ ફોર્મ ભરીને જમા કરાવશે એટલે એક ઓનલાઈન પ્રોસેસ શરૂ થશે.
આ પછી જે તે સર્વિસમાં અપગ્રેડેશન થશે. એ પણ પ્રોસેસ ઓનલાઈન થતા અરજદારોને એક નવી સર્વિસ અને ડિજિટલ પુરાવો પણ મળી રહેશે. ઓટો અપ્રુવલ મેળવવા માટે અરજદારના તમામ દસ્તાવેજમાં નામ એક સરખા જ હોવા જોઇએ. તો જ આ સેવાનો લાભ મળી શકશે. અત્યાર સુધી આરટીઓ કચેરીમાં જઇને ઈન્સ્પેક્ટરો પાસે ધક્કા ખાધા બાદ આ પ્રકારની સર્વિસ મળતી હતી. જે હવે ઓનલાઈન થતા લાખોની સંખ્યામાં અરજદારોને મોટી રાહત થશે. પણ ડ્રાઈવિંગ ટેસ્ટ અને વિદેશી લાયસન્સ માટે રૂબરૂ જવાનું રહેશે.
કચેરીએ કઈ સેવા માટે જવું પડશે
ખાસ કરીને નવા વાહનના દસ્તાવેજ, ચેસીસ નંબર ચેક, લાયન્સમાં અન્ય કેટેગરીનું વાહન ઉમેરવા તથા વિદેશી લાયસન્સની પૂછપરછ માટે રૂબરૂ જવું પડશે. ડીલર ટ્રાન્સફર રદ કરવી, ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા રદ કરવાની કામગીરી ઓનલાઇન થશે. એનઓસી જારી કરવી, અન્ય જિલ્લા કે રાજ્યમાં વાહન ટ્રાન્સફર કરવા માટેની એનઓસી વગર વિલંબે ઓનલાઇન જનરેટ થશે. સ્પેશિયલ પરમિટ, પ્રવાસન કે ખાસ પ્રસંગો માટે વાહનની સ્પેશિયલ પરમિટ તાત્કાલિક મળશે. માલિકી હક ટ્રાન્સફર, વાહન ખરીદ-વેચાણ સમયે માલિકી બદલવાની પ્રક્રિયા ફેસલેસ બનશે. પરમિટ ટ્રાન્સફર, કોમર્શિયલ વાહનની પરમિટ અન્ય વ્યક્તિના નામે બદલવાનું કામ ઝડપથી પૂરું થશે.