Wed Sep 09 2026

Logo

સિકલ સેલ ડિસીઝમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે, આદિવાસી વિસ્તારમાં ૩૦,૫૨૧ દર્દીઓ

2026-08-04 17:39:27
Author: Pooja Shah
સિકલ સેલ ડિસીઝમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે, આદિવાસી વિસ્તારમાં ૩૦,૫૨૧ દર્દીઓ

અમદાવાદઃ સંસદમાં પ્રસ્તુત આંકડા મુજબ ગુજરાતનો આદિવાસી વિસ્તાર સિકલ સેલની બીમારીથી ગ્રસ્ત છે, તેવી માહિતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ આપી હતી.  ગુજરાત રાજ્યમાં આદિવાસી વિસ્તારમાં ૩૦,૫૨૧ દર્દીઓ સિકલ સેલ ડિસીઝથી પીડાઈ છે. દેશના આદિવાસી વસ્તી ધરાવતા ૧૭ રાજ્યોમાં સિકલ સેલ ડિસીઝમાં ગુજરાત રાજ્ય ત્રીજા ક્રમે છે.

ગુજરાતમાં આદિવાસી વસ્તી ધરાવતા ૧૩ જિલ્લામાં ૧ કરોડ થી વધારે આદિવાસી સમાજના લોકો રહે છે. સિકલ સેલ ડિસીઝ દર્દીઓમાં ઓરિસ્સાના ૧,૦૬,૨૫૫ અને મધ્યપ્રદેશના ૪૦,૪૩૬ બાદ ગુજરાત ત્રીજા ક્રમે આવે છે તે ચિંતાનો વિષય છે. ગુજરાત રાજ્યમાં માત્ર દર્દીઓ જ નહીં સિકલ સેલ કેરિયરનો આંકડો પણ ચોંકાવનારો છે. દેશના કુલ સિકલ સેલ કેરિયરના ૨૫% કેસો ગુજરાતમાં જોવા મળે છે, તેવી માહિતી કઠવાડિયાએ આપી હતી. 

જ્યારે ગુજરાતની વાત કરીએ તો આદિવાસી વિસ્તારમાં ૮૩,૬૬,૦૬૬ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું જેમાં ૫,૪૮,૮૨૦ સિકલ સેલ કેરિયર લોકો મળી આવ્યા છે તે આંકડો ખૂબજ ચોંકાવનારો છે. ગુજરાત રાજ્યમાં સિકલ સેલ પીડિત દર્દીઓના આંક ઉંમર પ્રમાણે સરકાર દ્વારા સંસદમાં આપવામાં આવ્યો છે.

ગુજરાતમાં ૨ વર્ષ સુધીના બાળકો ૬૪, ૨ થી ૧૦ વર્ષના બાળકો ૨,૪૨૧, ૧૦ થી ૧૮ વર્ષના  ૭,૧૮૬ , ૧૮ થી ૨૫ વર્ષના ૭,૦૦૪, ૨૫ થી ૪૦ની વય ના ૯,૩૨૭, ૪૦ વર્ષ ઉપરના ૪,૪૭૬ સિકલ સેલ રોગના દર્દીઓ છે, જ્યારે ૪૭ દર્દીઓ એવા છે જેમની ઉંમરનો ખ્યાલ સરકારને નથી. સિકલ સેલ કેરિયરના આંકડાનું ઉંમર પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જેમાં ૦ થી ૨ વર્ષના ૧૮૪૬, ૨ થી ૧૦ વર્ષમાં ૩૦,૭૯૩, ૧૦ થી ૧૮ વર્ષમાં ૯૫,૯૮૨, ૧૮ થી ૨૫ વર્ષમાં ૧૦૪,૫૯૫, ૨૫ થી ૪૦ વર્ષમાં ૧૮૪,૮૪૨, ૪૦ થી વધુ ઉંમરમાં ૧, ૨૯,૯૪૬ જેટલા સિકલ સેલ વ્યક્તિઓ જોવા મળ્યા હતા.

આદિવાસી વિસ્તારમાં દર્દીઓને પૂરતી દવા મળે સારવાર મળે તે દિશામાં સરકારે તાકીદે પગલા લેવા જોઈએ. સિકલ સેલ કેરિયર માટે ખુબજ મોટા પ્રમાણમાં જન જાગૃતિ, કાઉન્સેલિંગની જરૂરિયાત છે નહીં તો સિકલ સેલ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે જે ચિંતાજનક વિષય છે, તેમ કૉંગ્રેસે જણાવ્યું હતું.