(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ગુજરાતમાં 18 સપ્ટેમ્બરને શુક્રવારે સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધીમાં 224 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આંકડાની વાત કરવામાં આવે તો, ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં સૌથી વધારે 3.07 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકામાં સૌથી ઓછો 0.04 ઇંચ વરસાદ થયો છે. આ સાથે અરવલ્લીના મેઘરજમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સર્વત્ર વરસાદ થયો હોવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ખેડૂતોનું કહેવું છે કે, અત્યારે થયેલો વરસાદ પાક માટે ખૂબ ફાયદાકારક છે.
અમદાવાદ સિટીમાં 2.87 ઇંચ વરસાદ ખાબક્યો
વધારે વિગતે આંકડાની વાત કરવામાં આવે તો, અમદાવાદ સિટીમાં 2.87 ઇંચ વરસાદ, સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં 2.52 ઇંચ વરસાદ, નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં 2.4 ઇંચ, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં 2.36 ઇંચ વરસાદ, મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં 2.24 ઇંચ વરસાદ, મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં 2.17 ઇંચ વરસાદ, ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં 2.13 ઇંચ વરસાદ અને મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં 2.01 ઇંચ વરસાદ ખાબક્યો છે.
અમદાવાદ શહેરમાં આજે સવારે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. પાણીના ઝડપી નિકાલ માટે વાસણા બેરેજના 14 દરવાજા ખોલવામાં આવ્યા છે અને કેટલીક જગ્યાએ BRTS બસ સેવા પણ પ્રભાવિત થઈ છે. નવી સોસાયટીઓ… pic.twitter.com/UagMirF97q
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) September 18, 2026
158 તાલુકાઓમાં એક ઇંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો
રાજ્યાના 55 તાલુકાઓમાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે 158 તાલુકાઓમાં એક ઇંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે. આ સાથે હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 24.28 ઈંચ વરસાદ નોંધાયો છે. જો કે, રાજ્યમાં હજી પણ સામાન્ય કરતા ઓછો વરસાદ થયો હોવાથી વરસાદની ઘટ છે. ખાસ કરીને કચ્છ-સૌરાષ્ટ્રમાં 23 ટકા વરસાદની ઘટ હોવાનું જાણવા મળ્યું છે.
ઉના-ગીરગઢડા પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા | WeatherUpdate #weatherupdate #una #rain #UnaRain #girgadhada #gujaratrain #monsoon2026 #girsomnath #MachhundriDam #RavalDam #farmers #GujaratiNews pic.twitter.com/uSZPRzXXms
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) September 18, 2026
સરદાર સરોવર નર્મદા ડેમ 95.65 ટકા ભરાયો
ગુજરાત રાજ્યની જીવનદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ 95.65 ટકા ભરાઈ ગયો છે. આ સાથે અન્ય 206 જળાશયમાં 3,90,298 એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે, જે કુલ ક્ષમતાના 69.66 ટકા હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યના કુલ 206 ડેમમાંથી 28 ડેમ 100 ટકા ભરાઈ ગયાં છે. જ્યારે 39 ડેમ 70થી 100 ટકા વચ્ચે, 25 ડેમ 50થી 70 ટકા, 41 ડેમ 25થી 50 ટકા વચ્ચે અને 73 ડેમ 25 ટકાથી ઓછા ભરાયા છે. આ સાથે સુરક્ષા અને પાણીના સ્તરને ધ્યાને રાખતા રાજ્યના 43 ડેમ હાઈ એલર્ટ પર, 13 ડેમ એલર્ટ પર અને 11 ડેમ વોર્નિંગ પર મુકવામાં આવ્યા છે.
હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી વરસાદની આગાહી કરી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે શનિવારે પુર્વ ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ અને દક્ષિણના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 20 સપ્ટેમ્બરે રવિવારે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.