ગાંધીનગર: રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આગામી દિવાળીના તહેવારને લઇને શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર રીતે વેકેશનની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર આ વર્ષે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં પૂરા 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે.
શિક્ષણ વિભાગના આદેશ મુજબ રાજ્યભરની શાળાઓમાં આગામી તારીખ 5 નવેમ્બર, 2026થી 25 નવેમ્બર, 2026 સુધી દિવાળી વેકેશન રહેશે. તહેવારોની રજાઓ પૂર્ણ થયા બાદ તારીખ 26 નવેમ્બર, 2026થી શાળાઓમાં પુન: નિયમિત શિક્ષણકાર્યનો આરંભ કરવામાં આવશે.
આ નિર્ણય રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓને એકસમાન રીતે લાગુ પડશે. શાળાઓમાં વેકેશનની તારીખમાં કોઈ અસમંજસ ના રહે તેના માટે જિલ્લા શિક્ષણાધિકારીઓ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને પોતાના તાબા હેઠળની તમામ શાળાઓને આ અંગેની જાણકારી સમયસર પહોંચાડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે.