Thu Nov 19 2026

Logo

નબળા ચોમાસાથી ઓક્ટોબરમાં રાજ્યમાં ખેતીમાં વીજ વપરાશ ૭૨ ટકા અને ઉદ્યોગોમાં ૨૭ ટકા વધ્યો

2026-10-29 22:36:48
Author: Mayur Patel
નબળા ચોમાસાથી ઓક્ટોબરમાં રાજ્યમાં ખેતીમાં વીજ વપરાશ ૭૨ ટકા અને ઉદ્યોગોમાં ૨૭ ટકા વધ્યો

અમદાવાદ: નબળા ચોમાસાની સ્થિતિ વચ્ચે ગુજરાતમાં વીજળીની માંગમાં તીવ્ર વધારો નોંધાયો હતો. ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન રાજ્યમાં કૃષિ ક્ષેત્રે વીજ વપરાશમાં ૭૨ ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો હતો. રાજ્ય સરકારના ડેટા અનુસાર, વીજળીની મહત્તમ માંગ ૨૯,૮૨૨ મેગાવોટ પર પહોંચી હતી, જે ઓક્ટોબર ૨૦૨૫ના ૨૧,૮૨૨ મેગાવોટની સરખામણીએ ૩૭ ટકા વધુ છે. રાજ્ય દ્વારા ૨૬ ઓક્ટોબર સુધીમાં ૧૨,૦૩૪ મિલિયન યુનિટ વીજળી પૂરી પાડવામાં આવી હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન ૮,૯૯૪ મિલિયન યુનિટ હતી.  

કૃષિ ક્ષેત્રે વીજ વપરાશ એક વર્ષ અગાઉના ૧,૪૬૪ મિલિયન યુનિટથી વધીને ૨,૫૨૧ મિલિયન યુનિટ થયો હતો. અપૂરતા વરસાદને કારણે ખેડૂતોને સિંચાઈ માટે ભૂગર્ભજળ પર વધુ આધાર રાખવાની ફરજ પડી હતી, જેના પરિણામે ટ્યૂબવેલ અને સિંચાઈ પંપ ચલાવવાના કલાકોમાં વધારો થયો હતો. ઔદ્યોગિક વપરાશ પણ ૨૭ ટકા વધીને ૪,૭૪૩ મિલિયન યુનિટથી ૬,૦૧૯ મિલિયન યુનિટ પર પહોંચી ગયો હતો.  

સૂત્રોએ જણાવ્યું હતું કે, મુખ્યત્વે કૃષિ પંપ લોડ અને ઊંચા ઔદ્યોગિક વપરાશને કારણે પીક ડિમાન્ડ લગભગ ૩૦,૦૦૦ મેગાવોટની નજીક પહોંચી ગઈ હતી. સરકારે સ્થિર પુરવઠો જાળવી રાખવા માટે અગાઉથી જ વીજ ઉત્પાદનનું આયોજન કર્યું હતું અને ઇંધણ તેમજ ટ્રાન્સમિશનની સજ્જતા સુનિશ્ચિત કરી હતી.

સૂત્રોએ  જણાવ્યું હતું કે, વરસાદની અછતને કારણે ખેડૂતોને લાંબા સમય સુધી ટ્યૂબવેલ અને સિંચાઈ પંપ ચલાવવાની ફરજ પડી હતી. ઇલેક્ટ્રિક ડ્રાયર્સ, હલર્સ અને અન્ય કૃષિ સાધનોના વધુ પડતા ઉપયોગના કારણે પણ કૃષિ વીજ વપરાશમાં વધારો થયો હતો.  નાના અને વરસાદ આધારિત ખેડૂતો પણ વર્ષમાં બેથી ત્રણ પાક લેવા માટે બોરવેલમાં રોકાણ કરી રહ્યા છે, જેના કારણે પણ કૃષિ વીજળીની માંગ વધી છે.