Wed Oct 14 2026

Logo

ગુજરાતમાંથી ચોમાસું ક્યારે વિદાય લેશે? જાણો હવામાન વિભાગે શું કહ્યું

2026-09-22 08:06:00
Author: Mayur Patel
ગુજરાતમાંથી ચોમાસું ક્યારે વિદાય લેશે? જાણો હવામાન વિભાગે શું કહ્યું

અમદાવાદઃ હવામાન ખાતા દ્વારા રાજ્યમાં 27 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન હવામાન ખાતાએ રાજ્યમાંથી ચોમાસાની વિદાયને લઈ મોટું અપડેટ આપ્યું હતું. 

હવામાન ખાતા મુજબ, રાજ્યમાં ચોમાસાની વિદાયની શરૂઆત કચ્છથી 20 સપ્ટેમ્બરથી થતી હોય છે, જોકે હજુ સુધી થઈ નથી. 5 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણ ગુજરાતમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વિદાય લેશે. અમદાવાદમાંથી 27 સપ્ટેમ્બર આસપાસ ચોમાસું સત્તાવાર રીતે વિદાય લેશે.

આ ઉપરાંત હવામાન ખાતાએ જણાવ્યું કે, 27 સપ્ટેમ્બર સુધી  અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેલમાર્ક લો-પ્રેશરની અસર જોવા મળશે.  ઠંડા પવન સાથે વરસાદી માહોલ રહી શકે છે. આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ રાજ્યમાં આજે સવારે 6 કલાકે પૂરા થયેલી છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદ પડ્યો હતો. આણંદના બોરસદમાં સૌથી વધુ 2.09 ઇંચ વરસાદ વરસ્યો હતો. સોજીત્રામાં 1.26 ઇંચ, વડાલીમાં 1.22 ઇંચ તથા કપરાડામાં 1.22 ઇંચ વરસાદ નોંધાયો હતો. 41 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.

અમદાવાદમાં ભેજનું પ્રમાણ વધુ

હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, ચોમાસાના અંતિમ દિવસોમાં ગુજરાતને અસર કરનારી લો પ્રેશર સિસ્ટમ સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત તરફથી આગળ વધી મધ્ય ભારત તરફ ખસી રહી છે. આ સિસ્ટમ સાથે જોડાયેલો મોન્સૂન ટ્રફ હજુ સક્રિય છે. જેના કારણે અમાદાવ સહિત રાજ્યના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. બપોરે સૂર્યપ્રકાશ, ગરમી અને વાતાવરણમાં રહેલા ભેજના કારણે સ્થાનિક કન્વેક્શન એટલે કે ઊંચાઈ તરફ ભેજવાળી હવા ઝડપથી ઉઠતાં વાદળ રચાય છે અને કેટલીક જગ્યાએ ઝાપટાં પડે છે.

નવરાત્રિમાં ગરમી અને વરસાદ બંનેનો સામનો કરવો પડી શકેઃ અંબાલાલ

ગુજરાતમાં ચોમાસાની વિદાયના કાઉન્ટડાઉન વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત્ રહેવાની મહત્ત્વની શક્યતા વ્યક્ત કરી છે. તેમના તાજેતરના અનુમાન મુજબ, બંગાળની ખાડીમાં સર્જાનારી નવી હવામાન સિસ્ટમની અસરથી આગામી 24થી 30 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જોકે, આ જ સમયગાળા દરમિયાન રાજ્યમાં ગરમી અને અસહ્ય ઉકળાટ વધવાની શક્યતા પણ દર્શાવાઈ છે. તેમજ મહત્તમ તાપમાન 35 ડિગ્રી પહોંચવાની પણ  શક્યતા દર્શાવાઈ છે. બીજી તરફ, નવરાત્રિ દરમિયાન  પણ ખેલૈયાઓને  ગરમી અને વરસાદ બંનેનો સામનો કરવો પડી શકે છે. 

હવામાનની સ્થિતિ અંગે વાત કરતાં ઉમેર્યું હતું કે, 24 અને 25 સપ્ટેમ્બરે  ખાડીમાં બનનારી સિસ્ટમ આંધ્રપ્રદેશ, ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધશે. આ સિસ્ટમના પ્રભાવથી ઉત્તર અને પૂર્વ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાશે.  4થી 7 ઓક્ટોબર દરમિયાન પણ કેટલાક છૂટોછવાયો વરસાદ પડી શકે છે, જ્યારે દશેરા સુધી ક્યાંક વરસાદી ઝાપટાં ચાલું રહી શકે છે.