Thu Nov 19 2026

Logo

કોરિયાનું ઇનોવેશન અને ગુજરાતનું સાહસિક કૌશલ્ય સાથે મળીને વૈશ્વિક ટેક્સટાઇલ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જી શકેઃ હર્ષ સંઘવી

2026-10-22 21:13:51
Author: Mayur Patel
કોરિયાનું ઇનોવેશન અને ગુજરાતનું સાહસિક કૌશલ્ય સાથે મળીને વૈશ્વિક ટેક્સટાઇલ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જી શકેઃ હર્ષ સંઘવી

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત વૈશ્વિક ભાગીદારીને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ દક્ષિણ કોરિયા પહોંચ્યું હતું. દક્ષિણ કોરિયાનું દેગુ શહેર દેશનું અગ્રણી અને પ્રમુખ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હબ માનવામાં આવે છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ ડેલિગેશને દેગુ સ્થિત કોરિયા ટેક્સટાઇલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આયોજિત ગુજરાત–કોરિયા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી કો-ઓપરેશન રાઉન્ડટેબલ બેઠકમાં ભાગ લીધો હતો.

નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ઓળખમાં ટેક્સટાઇલ વણાયેલું છે. કપાસના ખેતરોથી લઈને સ્પિનિંગ મિલો સુધી, અને અમદાવાદના ડેનિમથી લઈને સુરતના સિન્થેટિક ફેબ્રિક્સ સુધી—ગુજરાત ‘ફાર્મ ટુ ફાઇબર, ફેક્ટરી ટુ ફેશન અને ફોરેન માર્કેટ્સ’ સુધીની સમગ્ર વેલ્યુ ચેઇનને એક તાંતણે જોડે છે. ભારતનું અંદાજે ત્રીજા ભાગનું મેન-મેડ ફાઇબર ઉત્પાદન અને લગભગ ૬૫% ડેનિમ ઉત્પાદન એકલું ગુજરાત પૂરું પાડે છે. કોરિયા પાસે અદ્યતન ટેકનોલોજી, એડવાન્સ્ડ ફાઇબર્સ અને પરફોર્મન્સ મટિરિયલ્સની ઉત્કૃષ્ટ કુશળતા છે, જ્યારે ગુજરાત પાસે વિશાળ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા અને ઇન્ટિગ્રેટેડ સપ્લાય ચેઇન છે. કોરિયાનું ઇનોવેશન અને ગુજરાતનું સાહસિક કૌશલ્ય સાથે મળીને વૈશ્વિક ટેક્સટાઇલ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જી શકે છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, નવસારી ખાતે આશરે ૧,૧૪૨ એકરમાં આકાર લઈ રહેલો ‘પીએમ મિત્રા ટેક્સટાઇલ પાર્ક’  સ્પિનિંગ, વીવિંગ, પ્રોસેસિંગ, ટેકનિકલ ટેક્સટાઇલ અને ગારમેન્ટિંગ સહિતના સમગ્ર ઇકોસિસ્ટમને એક જ છત્ર હેઠળ લાવશે, જે કોરિયન કંપનીઓ માટે સહયોગ અને રોકાણનું એક આદર્શ પ્લેટફોર્મ પૂરું પાડે છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, હજીરા પોર્ટ અને ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરની ઉત્તમ કનેક્ટિવિટી આ પાર્કને વૈશ્વિક સ્તરે વધુ સક્ષમ બનાવે છે. અમે કોરિયન ઉદ્યોગસાહસિકોને માત્ર ઔપચારિક આમંત્રણ આપવા નથી આવ્યા પરંતુ તેમની જરૂરિયાતો સાંભળીને આગળ વધવા ઉત્સુક છીએ. આવો, ગુજરાતની મુલાકાત લો અને ઇનોવેશન તેમજ સસ્ટેનેબલ ગ્રોથ સાથે ભારત–કોરિયા મૈત્રીનો એક નવો અધ્યાય સાથે મળીને વણીએ.

આ વિશેષ બેઠકનો મુખ્ય હેતુ ગુજરાત અને દક્ષિણ કોરિયાના ટેક્સટાઇલ ક્ષેત્ર, ખાસ કરીને ટેક્સટાઇલ મશીનરી અને ફેબ્રિક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે તકનીકી આદાનપ્રદાન, વ્યાપારી સહયોગ અને સંભવિત રોકાણોની તકો શોધવાનો હતો.

 ‘યંગવન કોર્પોરેશન’ કંપનીને ગુજરાતમાં રોકાણ માટે  હર્ષ સંઘવીનું આમંત્રણ

‘યંગવન કોર્પોરેશન’ એ વૈશ્વિક સ્તરે આઉટડોર સ્પોર્ટ્સવેર, પરફોર્મન્સ ગારમેન્ટ્સ અને ટેક્સટાઇલ ઉત્પાદનમાં ખૂબ મોટું નામ છે, જેમાં આશરે ૧ લાખ જેટલા વિશાળ કાર્યબળ (કર્મચારીઓ) કાર્યરત છે. ઉચ્ચ ગુણવત્તાવાળા ફેબ્રિક્સ અને સિન્થેટિક મટિરિયલ્સના ઉત્પાદનમાં આ વૈશ્વિક કંપની મોખરાનું સ્થાન ધરાવે છે.

બેઠક દરમિયાન નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ યંગવન કોર્પોરેશનના નેતૃત્વને ગુજરાતમાં રોકાણ કરવા તેમજ સંયુક્ત સાહસો સ્થાપવા ભારપૂર્વક નિમંત્રણ પાઠવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભારતના સમગ્ર મેન-મેડ ફાઇબર ઉત્પાદનમાં એકલું ગુજરાત ત્રીજા ભાગનું યોગદાન આપે છે. રાજ્યમાં કપાસથી લઈને રેડીમેડ ગારમેન્ટ સુધીની સંપૂર્ણ વેલ્યુ ચેઇન ઉપલબ્ધ છે.