Mon Nov 16 2026

Logo

ગુજરાતની સરકારી શાળાઓમાં ફોટોગ્રાફી અને વીડિયો પર પ્રતિબંધ: શું સરકાર પોતાની 'નિષ્ફળતા' છુપાવી રહી છે?

2026-10-23 14:57:42
Author: Mayur Patel
ગુજરાતની સરકારી શાળાઓમાં ફોટોગ્રાફી અને વીડિયો પર પ્રતિબંધ: શું સરકાર પોતાની 'નિષ્ફળતા' છુપાવી રહી છે?

અમદાવાદઃ ગુજરાતની સરકારી સ્કૂલોમાં લોકો ગમે ત્યારે વીડિયો યા રીલ ઉતારવાના મનસૂબા ધરાવતા હોય તો જાળવી જજો નહીં તો મુશ્કેલીમાં મૂકાઈ શકે છે અને હવે સરકારી સ્કૂલો માટે તો સરકારે વિધિવત્ રીતે પરિપત્ર બહાર પાડીને પ્રતિબંધ પણ મૂક્યો છે. જોકે, સરકારના પરિપત્ર મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ)એ તો સરકારની ઝાટકણી કાઢીને ગંભીર સવાલો કર્યા છે, જેને લઈ સરકારે સ્પષ્ટતા કરવી પડી છે.

ગુજરાતની સરકારી શાળાઓમાં હવેથી આચાર્યની લેખિત મંજૂરી વિના બહારની કોઈ પણ વ્યક્તિ પ્રવેશી શકશે નહીં કે કેમ્પસમાં વીડિયો રેકોર્ડિંગ કરી શકશે નહીં. નવા જાહેર કરાયેલા સુરક્ષાના નિયમો હેઠળ, શાળાના આચાર્યોને સુરક્ષા માટે જોખમી જણાતી કે શિક્ષણ કાર્યમાં ખલેલ પહોંચાડતી કોઈ પણ મુલાકાતી વ્યક્તિને પ્રવેશતા અટકાવવાની સ્પષ્ટ સત્તા આપવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે વિરોધ નોંધાવી સરકાર પર શિક્ષણ વ્યવસ્થાની ખામીઓ છુપાવવાનો આક્ષેપ કર્યો હતો. વિવાદ વકરતાં રાજ્ય સરકાર હરકતમાં આવી હતી અને સ્પષ્ટતા કરી હતી.

બચાવ કરીને ભાજપએ શું કહ્યું?

ગુજરાત ભાજપના મુખ્ય પ્રવકતા ડૉ. અનિલ પટેલે કહ્યું છેલ્લા થોડા દિવસોથી રાજયમાં રીલબાજો જાણ કર્યા વગર સ્કૂલોમાં પહોંચી જતા હતા અને શિક્ષણ કાર્યમાં ખલેલ પાડતા હતા. જે બાદ સ્કૂલોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આમ કરવામાં આવ્યું હતું. આચાર્યની પૂર્વ મંજૂરી વગર જો કોઈ સ્કૂલ પરિસરમાં ગેરકાયદે પ્રવેશ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કર્યો વિરોધ

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સરકારે સ્કૂલોની કથળેલી સ્થિતિના વાયરલ થઈ રહેલા વીડિયો અને પોતાની ખામીઓ છુપાવવા આ પરિપત્ર બહાર પાડ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસે શિક્ષણની વ્યવસ્થા સુધારવાના બદલે સરકાર તેને ઢાંકપિછોડો કરવા માગે છે. શિક્ષકોની ભરતી, વર્ગખંડોની અછત અને વિદ્યાર્થીઓની સુરક્ષા જેવા ગંભીર મુદ્દાઓ ઉકેલવાને બદલે આવા પરિપત્રો દ્વારા સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસે સરકારને પરિપત્ર પાછો ખેંચીને શિક્ષણના પાયાના પ્રશ્નો ઉકેલવાની માગ કરી હતી.

આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે ગુજરાતની સરકારી શાળાઓની વાસ્તવિકતા છુપાવવા માટે ભાજપ સરકારે કાળું નોટિફિકેશન બહાર પાડ્યું છે. 30 વર્ષમાં સરકારી શિક્ષણ વ્યવસ્થા બરબાદ કરનાર ભાજપ હવે શાળાઓની પોલ ખૂલે નહીં તે માટે પ્રતિબંધો લાદી રહી છે. શાળાઓની સમસ્યાઓ ઉજાગર કરનાર વાલીઓ અને યુવાનોને POCSO જેવા કાયદાની ધમકીઓ આપવી એ તાનાશાહી છે. ભાજપ સરકારની આ નીતિ સામે ગુજરાતના વાલીઓ, યુવાનો અને જનતાએ એક થઈને અવાજ ઉઠાવવો પડશે.

શું હતો પરિપત્ર?

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ, જો કોઈ મુલાકાતી સંમતિ વિના પ્રવેશે, બહાર નીકળવાનો ઇનકાર કરે, અનધિકૃત વીડિયો બનાવે અથવા શાળાની કામગીરીમાં અવરોધ ઊભો કરે તો શાળાના આચાર્યએ તાત્કાલિક સ્થાનિક પોલીસ અને શિક્ષણ નિરીક્ષકોને જાણ કરવી પડશે. આવા અનધિકૃત પ્રવેશ કરનારાઓ સામે વિવિધ કલમો હેઠળ ફોજદારી ગુનો નોંધવામાં આવશે.

આ ઉપરાંત હવેથી દરેક મુલાકાતીએ શાળા પરિસરમાં પ્રવેશતા પહેલા ગેટ રજિસ્ટરમાં પોતાની એન્ટ્રી ફરજિયાત કરવી પડશે. વર્ગખંડો, પ્રયોગશાળાઓ, પુસ્તકાલયો, હોસ્ટેલ, રમતના મેદાનો અને શૌચાલયોમાં જવા માટે લેખિત મંજૂરીની સાથે શાળાના સ્ટાફે ફરજિયાત હાજર રહેવું પડશે. જોકે, વહીવટી તપાસ માટે આવતા  સરકારી અધિકારીઓને પૂર્વ મંજૂરી મેળવવામાંથી મુક્તિ આપવામાં આવી હતી.

પરિપત્ર અનુસાર વિદ્યાર્થીઓ, શિક્ષકો અથવા શાળાની દિનચર્યા દર્શાવતી અનધિકૃત ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, ઇન્ટરવ્યુ, ઓડિયો રેકોર્ડિંગ અને સોશિયલ મીડિયા લાઇવ સ્ટ્રીમિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. શાળાઓએ બાળકોની અંગત વિગતો, ઓળખ કે ફોટોગ્રાફ એકત્રિત કરવા કે પ્રકાશિત કરવા પર પણ રોક લગાવવી પડશે.

રાજ્ય કેબિનેટ દ્વારા અપાયેલી ઔપચારિક મંજૂરી બાદ શિક્ષણ વિભાગે આ પરિપત્ર જાહેર કર્યો હતો. સરકારે જિલ્લા નિરીક્ષણ અધિકારીઓને આ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવાનો આદેશ આપ્યો હતો. અહીં એ જણાવવાનું કે ગયા મહિના દરમિયાન કોકરોચ જનતા પાર્ટીના નેતાઓએ મહારાષ્ટ્ર અને રાજસ્થાનની સ્કૂલમાં જઈને કથળતી શાળાઓ અંગે સવાલો કર્યાં હતા, જ્યારે એનો સ્થાનિકોએ પણ વિરોધ કર્યો હતો. વૈશ્વિક સ્તરે પણ ફ્રાન્સમાં કથળતી શિક્ષણ વ્યવસ્થાને લઈ યુવાનો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શનો કર્યા ત્યારે સરકારે પણ પાણી પહેલા પાળ બાંધી હોઈ શકે છે, એમ વર્તુળોએ જણાવ્યું હતું.