Tue Nov 10 2026

Logo

ગુજરાત સરકારે પર્વતારોહકોના ભોજન ભથ્થામાં રૂપિયા 200નો વધારો કર્યો

2026-11-02 20:21:27
Author: Mumbai Samachar Team
ગુજરાત સરકારે પર્વતારોહકોના ભોજન ભથ્થામાં રૂપિયા 200નો વધારો કર્યો

અમદાવાદ: ગુજરાત સરકારે પર્વતારોહણની તાલીમ લેતા યુવા સાહસિકો માટે મહત્વનો નિર્ણય લીધો હતો. જેમાં સરકારે પર્વતારોહણ તાલીમ શિબિરોમાં ભાગ લેતા તાલીમાર્થીઓ અને પ્રશિક્ષકોના દૈનિક ભોજનના દરમાં ₹200નો વધારો કર્યો છે. આ નિર્ણય 1 એપ્રિલ, 2027થી અમલી બનશે. જેની પાછળ  રાજ્ય સરકાર વાર્ષિક ₹11.10 લાખનો વધારાનો ખર્ચ કરશે. 

 તાલીમ કેન્દ્રોમાં તાલીમ લેતા આશરે 510 યુવા સાહસિકોને લાભ મળશે 

રાજ્ય સરકારે પર્વતારોહણની તાલીમ લેતા યુવા સાહસિકોના આરોગ્ય અને પોષણને ધ્યાનમાં રાખીને  રાજ્યના રમતગમત  યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગે આ નિર્ણય લીધો છે. આ વધારા બાદ પ્રતિ વ્યક્તિ દૈનિક ભોજન ખર્ચની મહત્તમ મર્યાદા ₹150થી વધારીને ₹350 કરવામાં આવી છે. સરકારના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી જૂનાગઢ અને માઉન્ટ આબુ સ્થિત બંને પર્વતારોહણ તાલીમ કેન્દ્રોમાં તાલીમ લેતા આશરે 510 યુવા સાહસિકોને લાભ મળશે.


વાર્ષિક ₹11.10 લાખનું વધારાનું નાણાકીય ભારણ 

જૂનાગઢના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્રમાં વાર્ષિક આશરે 230 શિબિરાર્થીઓ તાલીમ લે છે. તેમના માટે ભોજન ભથ્થામાં વધારાને કારણે વાર્ષિક અંદાજે ₹3.40 લાખનો વધારાનો ખર્ચ થશે. જ્યારે માઉન્ટ આબુ સ્થિત રાજ્ય પર્વતારોહણ સંસ્થામાં વાર્ષિક આશરે 280 શિબિરાર્થીઓ તાલીમ મેળવે છે. આ કેન્દ્ર માટે સરકાર વાર્ષિક ₹7.70 લાખનો વધારાનો ખર્ચ કરશે. આમ, બંને કેન્દ્રો મળીને રાજ્ય સરકાર પર વાર્ષિક ₹11.10 લાખનું વધારાનું નાણાકીય ભારણ આવશે.

રાજ્ય સરકારના નિર્ણય પાછળનો મુખ્ય હેતુ તાલીમાર્થીઓ અને પ્રશિક્ષકોને વધુ સારી ભોજન સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે.રાજ્ય યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર હેઠળ કાર્યરત આ બંને કેન્દ્રોમાં વર્ષ દરમિયાન 20થી વધુ સરકારી અને બિનસરકારી પર્વતારોહણ તાલીમ શિબિરો યોજાય છે.