Thu Nov 19 2026

Logo

કેદીઓ પરિવાર સાથે મનાવશે દિવાળી: રાજ્ય સરકારે ૧૪૩ કેદીઓને આપ્યા ૧૫ દિવસના પેરોલ

2026-11-01 12:16:23
Author: Mumbai Samachar Team
કેદીઓ પરિવાર સાથે મનાવશે દિવાળી: રાજ્ય સરકારે ૧૪૩ કેદીઓને આપ્યા ૧૫ દિવસના પેરોલ

અમદાવાદઃ રાજ્ય સરકારની કેદી કલ્યાણ પ્રવૃત્તિઓ અને જેલ સુધારણા યોજનાના ભાગરૂપે દિવાળી પર્વ નિમિત્તે કેદીઓને પરિવાર સાથે તહેવાર ઉજવવાની તક આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યની જેલોમાં સજા ભોગવી રહેલા પાત્રતા ધરાવતા ૧૪૩ કેદીઓને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ૧૫ દિવસના દિવાળી પેરોલ મંજૂર કરવામાં આવ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૦૩થી પ્રતિવર્ષ દિવાળીના તહેવાર નિમિત્તે કેદીઓને ૧૫ દિવસની પેરોલ રજા મંજૂર કરવામાં આવે છે. આ નીતિ અન્વયે પાત્રતા ધરાવતા મહિલા કેદીઓ તેમજ ૬૦ વર્ષ કે તેથી વધુ વયના પાત્રતા ધરાવતા પુરુષ કેદીઓ પોતાના પરિવારજનો સાથે ખુશાલીથી દિવાળી ઉજવી શકે તે હેતુથી આ લાભ આપવામાં આવે છે.

આ વર્ષે રાજ્ય સરકારની મંજૂરી અન્વયે પાત્રતા ધરાવતા ૬૦ વર્ષ કે તેથી વધુ વયના ૧૦૩ પુરુષ કેદીઓ અને ૪૦ મહિલા કેદીઓ મળી કુલ ૧૪૩ કેદીઓને ધનતેરસના દિવસથી, એટલે કે તા. ૦૬/૧૧/૨૦૨૬થી ૧૫ દિવસ માટે દિવાળી પેરોલ પર મુક્ત કરવાનો નિર્ણય કરાયો હતો.

જેલ ડીજીપી ડૉ. કે.એલ.એન રાવે જણાવ્યું છે કે, રાજ્ય સરકારના નિયમો અનુસાર ગંભીર ગુનાના કેદીઓને દિવાળી પેરોલ રજાનો લાભ આપવામાં આવતો નથી. જેમાં ખાસ કરીને હાઇકોર્ટમાં અપીલ પેન્ડિંગ હોય તેવા કેદીઓ, એન.આર.આઈ. કેદીઓ તથા અન્ય રાજ્યના વતની હોય તેવા કેદીઓ, NDPS એક્ટ, ટાડા તેમજ પોટા હેઠળ સજા ભોગવી રહેલા કેદીઓ, આતંકવાદી પ્રવૃત્તિઓ અથવા રાજ્યના અર્થતંત્રને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા કેદીઓ, એક કરતાં વધુ ગુનાઓમાં સજા પામેલા કેદીઓ, બળાત્કાર, અપહરણ, લૂંટ, ધાડ, ચોરી કે નાણાં પડાવવા જેવા ગંભીર અને સમાજવિરોધી ગુનાઓમાં સંડોવાયેલા કેદીઓ અને જેમના પર પ્રતિબંધાત્મક હુકમો લાગુ કરવામાં આવ્યા હોય તેવા કેદીઓને દિવાળી પેરોલ રજાનો લાભ આપવામાં આવતો નથી.