Mon Nov 16 2026

Logo

રાજ્યના 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર, ખેડૂતો અને પશુપાલકો માટે રાહત પેકેજની જાહેરાત

2026-10-26 15:55:00
Author: Mayur Patel
રાજ્યના 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર, ખેડૂતો અને પશુપાલકો માટે રાહત પેકેજની જાહેરાત

અમદાવાદઃ ગુજરાતમાં આ ચોમાસાની સિઝન દરમિયાન સરેરાશ 89 ટકા જેટલો વરસાદ નોંધાયો હતો. જોકે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં વરસાદ ન થતાં અછતની સ્થિતિ સર્જાઈ હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન દ્વારા રાજ્યના 4 જિલ્લાઓને સત્તાવાર રીતે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. સરકારની આ જાહેરાતથી અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો અને પશુપાલકોને મોટી રાહત મળશે.

દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા હતા. આ જાહેરાત આગામી 6 મહિના સુધી અમલમાં રહેશે. મુશ્કેલીની આ ઘડીમાં સરકાર ખેડૂતો અને ગ્રામીણ જનતાની સાથે મજબૂતીથી ઊભી હોવાનું મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.  મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે દુષ્કાળની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય બેઠક બાદ રાહતનાં પગલાંની જાહેરાત કરી હતી. ખેડૂતોના પાકને થયેલા નુકસાન સામે સહાય આપવામાં આવશે. બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 8,500 રૂપિયા સહાય આપવામાં આવશે.

દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયેલા તાલુકાઓમાં રાહતનાં પગલાં અમલમાં મૂકવામાં આવશે. સરકારના જણાવ્યા અનુસાર, ખેડૂતો અને પશુપાલકોને મુશ્કેલીના સમયમાં મદદ મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયેલા તાલુકાઓમાં પશુઓ માટે આગામી બે મહિના સુધી સહાય યોજના અમલમાં રહેશે. બે મહિના બાદ પણ જો સહાયની જરૂરિયાત ઊભી થશે તો પરિસ્થિતિની સમીક્ષા કરીને સરકાર આગળનો નિર્ણય લેશે. દુષ્કાળની સ્થિતિમાં ગ્રામીણ વિસ્તારોના લોકોને રોજગારી મળી રહે અને તેમની આજીવિકા પર અસર ઓછી થાય તે માટે સરકારે 150 માનવદિવસની રોજગારી આપવાનો નિર્ણય કર્યો હતો.

સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ચાલુ વર્ષે ઓછો વરસાદ નોંધાવાને કારણે પાણી અને ઘાસચારાની ગંભીર સમસ્યા ઊભી થઈ છે, જેના કારણે માલધારી અને પશુપાલકોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. પશુધનને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે વિશેષ આર્થિક રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી માલધારી સમાજ દ્વારા માગ કરવામાં આવી હતી. અનેક પશુપાલકો હિજરત કરવા મજબૂર થયા હતા.

સરકાર દ્વારા પશુપાલકો અને પશુધનની સુરક્ષા માટે પણ સરકારે વ્યાપક આયોજન કરાયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં પશુ દીઠ રોજના રૂ. 80 ની નાણાકીય સહાય એસડીઆરએફના ધોરણો મુજબ અપાશે. ઘાસચારાની અછત ન સર્જાય તે માટે અત્યાર સુધીમાં 1.21 કરોડ કિલો ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું છે હાલ સરકાર પાસે 3 કરોડ કિલો ઘાસચારો સ્ટોકમાં ઉપલબ્ધ છે અને આગામી સમય માટે પણ આગોતરું આયોજન કરી લેવામાં આવ્યું છે.