Tue Nov 10 2026

Logo

રાજ્યનું પ્રથમ આર્થિક ગુના પોલીસ સ્ટેશન અમદાવાદમાં શરૂ થશે: ગૃહ વિભાગે  નોટિફિકેશન બહાર પાડ્યું

2026-10-30 18:52:20
Author: Mayur Patel
રાજ્યનું પ્રથમ આર્થિક ગુના પોલીસ સ્ટેશન અમદાવાદમાં શરૂ થશે: ગૃહ વિભાગે  નોટિફિકેશન બહાર પાડ્યું

Chat GPT Generated Image


 અમદાવાદ: રાજ્યમાં વધી રહેલી નાણાકીય છેતરપિંડી, બેંકિંગ ફ્રોડ અને આર્થિક ગેરરીતિઓ પર કડક તવાઈ લાવવા માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો હતો. ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નોટિફિકેશન મુજબ, અમદાવાદમાં રાજ્યના સૌપ્રથમ આર્થિક ગુના (ઇકોનોમિક ઓફેન્સિસ) સંબંધિત સ્વતંત્ર પોલીસ સ્ટેશનને મંજૂરી આપવામાં આવી છે.

અત્યાર સુધી અમદાવાદ પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ ક્રાઇમ બ્રાન્ચ અંતર્ગત એક સેલ તરીકે કાર્યરત હતી. મોટા નાણાકીય કૌભાંડોની તપાસ માટે તેને ક્રાઇમ બ્રાન્ચ કે સંબંધિત સ્થાનિક પોલીસ સ્ટેશનો પર નિર્ભર રહેવું પડતું હતું. જોકે, ગૃહ વિભાગના નવા નિર્ણય બાદ હવે ઈઓડબલ્યુને પોતાનું સ્વતંત્ર પોલીસ સ્ટેશન મળશે, જેનાથી આર્થિક ગુનાઓની તપાસમાં ઝડપ અને પારદર્શિતા આવશે.

સ્વતંત્ર પોલીસ સ્ટેશનનો દરજ્જો મળતાં જ આ વિંગને હવે સીધી જ એફઆઈઆર નોંધવાની, ધરપકડ કરવાની તેમજ વિશેષ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવાની સીધી સત્તા મળશે. આ પોલીસ સ્ટેશનમાં માત્ર આર્થિક છેતરપિંડી, પોન્ઝી સ્કીમો, બોગસ કંપનીઓ બનાવી આચરાતા ફ્રોડ અને રિયલ એસ્ટેટ સંબંધી મોટા નાણાકીય વિવાદોના કેસોની તપાસ માટે વિશેષ તાલીમબદ્ધ સ્ટાફ તહેનાત કરવામાં આવશે.

આ પગલાથી સામાન્ય નાગરિકો અને રોકાણકારો સાથે થતી કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસોનો ઝડપી ઉકેલ આવશે તેમજ કાયદાકીય પ્રક્રિયા વધુ મજબૂત બનશે.