અમદાવાદ: ગુજરાત સરકારે પોતાની નવી ડેટા સેન્ટર નીતિ જાહેર કર્યાના માત્ર ચાર મહિનામાં જ રાજ્યને આશરે 24 ગીગાવોટ ક્ષમતા ધરાવતા 27 ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સ માટે રૂ. 23 લાખ કરોડથી વધુના રોકાણની દરખાસ્તો મળી છે. જેમાં ધોલેરા સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જ્યાં રૂ.18 લાખ કરોડથી વધુના રોકાણ અને 17 ગીગાવૉટ ક્ષમતા સાથે 19 દરખાસ્તો આવી છે. આ જબરદસ્ત પ્રતિસાદ વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29ના લક્ષ્યાંક કરતાં પણ ઘણો આગળ નીકળી ગયો છે, જેમાં રૂ.6 લાખ કરોડથી વધુના રોકાણ અને 7.5 ગીગાવૉટ ક્ષમતાનો અંદાજ રાખવામાં આવ્યો હતો.
અમદાવાદ જિલ્લાનું ધોલેરા મોટા પાયે રોકાણ માટે સૌથી પસંદગીનું સ્થળ બન્યું છે. સૂત્રના જણાવ્યા અનુસાર, આ રોકાણો ભારત અને વિશ્વની ઝડપથી વધતી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાતોને પૂર્ણ કરવાની સાથે હાઇપર સ્કેલ એઆઈ કમ્પ્યુટિંગ અને સુરક્ષિત ડેટા હોસ્ટિંગ માટેના વ્યૂહાત્મક કેન્દ્ર તરીકે રાજ્યના સ્થાનને વધુ મજબૂત બનાવશે.
9 જુલાઈના રોજ જાહેર કરવામાં આવેલી આ નીતિનો હેતુ નાણાકીય પ્રોત્સાહનો, માળખાકીય સુવિધાઓ અને નિયમનકારી છૂટછાટો દ્વારા મોટા પાયે રોકાણ આકર્ષવાનો છે. આ નીતિ હેઠળ પાત્ર પ્રોજેક્ટ્સને વ્યાપારી કામગીરી શરૂ થયાના દિવસથી 20 વર્ષ સુધી પ્રતિ યુનિટ રૂ.1ની પાવર ટેરિફ સબસિડી અને તે જ સમયગાળા માટે વીજળી ડ્યુટીમાં 100 ટકા રિઇમ્બર્સમેન્ટ મળશે. આ ઉપરાંત જમીનની ખરીદી કે લીઝ પર સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ચાર્જમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.
પ્રોત્સાહનોમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટના કાયમી રિવર્સલને આધીન રહીને, સૈદ્ધાંતિક મંજૂરી મળ્યાની તારીખથી આઠ વર્ષ માટે પાત્ર પ્લાન્ટ, મશીનરી, બિલ્ડિંગ અને સંલગ્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ચૂકવવામાં આવેલા એસજીએસટીનું 100 ટકા વળતર પણ સામેલ છે. આ ઉપરાંત સરકારે ડ્યુઅલ પાવર સપ્લાય, ઓપન-એક્સેસ પાવર પ્રાપ્તિ, 24 કલાક પાણી પુરવઠો, ઝડપી વૈધાનિક મંજૂરીઓ અને ડિસ્ટ્રિબ્યુશન લાયસન્સ મેળવવામાં સહાયતા આપવાની પણ ખાતરી આપી છે.