નવી દિલ્હીઃ દિલ્હીના રામલીલા મેદાનમાં આજે યોજાઈ રહેલી INDIA વિપક્ષી ગઠબંધનની મહારેલીમાં સામેલ થવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો સામેલ થવા માટે દિલ્હી ગયા છે. જેમાં વિગતે વાત કરવામાં આવે તો, બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત જિલ્લા પ્રમુખ, નરસિંહભાઇ રબારી, જબબરસિંહ વાઘેલા, બળદેવભાઈ બારોટ મહામન્ત્રી, કનુભાઈ માલી, ભુપતભાઈ સોની, બાબુભાઈ ચૌધરી, બી કે ઠાકોર દેતાલ સહિત બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદની કોંગ્રેસ ટીમ અને દિયોદરના કોંગ્રેસ આગેવાનો પણ પહોંચ્યાં છે.
દેશની તમામ વિપક્ષી પાર્ટીઓના નેતાઓ હાજર રહેશે
રાજધાનીમાં આવેલા રામલીલા મેદાનમાં આજે ઈન્ડિયા ગઠબંધનની મહારેલી યોજાવાની છે. જેમાં તમામ વિપક્ષી પાર્ટીઓ, કાર્યકર્તાઓ, વિદ્યાર્તીઓના જૂથો, નાગરિકો અને પાર્ટીના પ્રતિનિધિઓ સામેલ થશે તેવી સંભાવના છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ મહારેલીમાં પશ્ચિમ બંગાળની પૂર્વ મુખ્ય પ્રધાન મમતા બેનર્જી, સપા પ્રમુખ અખિલેશ યાદવ અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી સહિત ઈન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓ ઉપસ્થિતિ રહેવાના છે.
સુરક્ષા માટે દિલ્હી પોલીસ સજ્જ
આટલી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યાં હોય તો તેના માટે સુરક્ષાનું પણ ધ્યાન રાખવું અતિઆવશ્યક છે. જેના માટે દિલ્હી પોલીસ દ્વારા સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. કૂચના માર્ગ અને કાર્યક્રમ સ્થળ પર કુલ 4000 થી પણ વધારે પોલીસકર્મીઓ અને સીએપીએફ (કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો)ની ટીમ તૈનાત કરવામાં આવી છે. આ સાથે રામલીલા મેદાનને પણ 14 મોટા સુરક્ષા ઝોનમાં વહેચી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ દરેક ઝોનમાં એક આસિસ્ટન્ટ કમિશનર રેંકની આધિકારીની હાજરી રહેશે.