Fri Sep 04 2026

Logo

ગુજરાતમાં 10 ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોના વિકાસ માટે સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ

2026-09-02 15:31:00
Author: Chandrakant Kanoja
ગુજરાતમાં 10 ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોના વિકાસ માટે સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ

ગાંધીનગર: ગુજરાતના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોના સુવ્યવસ્થિત વિકાસ માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. આ અંતર્ગત રાજ્યના પવિત્ર યાત્રાધામો અને પ્રવાસન સ્થળો ખાતે દર્શનાર્થીઓ તથા પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવાના હેતુથી નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી દ્વારા રાજ્યભરના વિવિધ 10 મહત્વના વિકાસ પ્રોજેક્ટ્સ માટે કરોડો રૂપિયાના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

અનલગઢ કિલ્લો અને મહાકાળી માતાજી મંદિર, ગોંડલ 

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા ખાતે આવેલા ઐતિહાસિક અનલગઢ કિલ્લા તેમજ મહાકાળી માતાજીના મંદિરની આજુબાજુના પરિસરના વિકાસ માટે રૂ. 5.06  કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે.

મહીસાગર નદી કિનારે ઘાટ વિકાસ, ભાદરવા 

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ખાતે ચેહર માતા મંદિર પાસે મહીસાગર નદી કિનારે ઘાટ નિર્માણ, વોક-વે, પેવર બ્લોક, રેલિંગ અને લેન્ડસ્કેપિંગ સહિતની પાયાની સુવિધાઓ ઉભી કરવા અર્થે રૂ. 3.31  કરોડની રકમની સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

ગોવર્ધન પર્વત ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, અંજાર 

કચ્છ જિલ્લાના અંજાર ખાતે પ્રવાસનને વેગ આપવા ‘ડેવલપમેન્ટ ઓફ ગોવર્ધન પર્વત’ ની મહત્વકાંક્ષી કામગીરી માટે રૂ. 12.98  કરોડના વિકાસ કામોને મંજૂરી અપાઈ છે.

શ્રી મહાકાળી માતાજી મંદિર (મીની પાવાગઢ) 

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ઉમરેચા ગામ ખાતે આવેલા શ્રી મહાકાળી માતાજી મંદિર ખાતે યાત્રાળુઓની સુવિધા અને સલામતી માટે હાઈ માસ્ટ પોલ, સ્ટ્રીટ લાઈટ પોલ, લાઈટિંગ વાયરિંગ, ઓપન ડ્રેનેજ તથા કર્બ બીમ જેવા પાયાના કામો માટે રૂ. 50  લાખની મંજૂરી આપવામાં આવી છે.

શ્રી ગોરા રામજી મંદિર, ધરમપુર 

વલસાડના ધરમપુર સ્થિત શ્રી ગોરા રામજી મંદિરના પ્રથમ માળ અને છતના રિપેરિંગ, પ્લાસ્ટર, કલર કામ, જી.શીટ તેમજ ફ્લોરિંગ સહિતના સમારકામ માટે ટેક્સ સાથે રૂ. 18.91  લાખ મંજૂર કરવામાં આવ્યા છે.

શ્રી ઉનાઈ માતાજી મંદિર સંકુલ વિકાસ, વાંસદા

નવસારી જિલ્લાના વાંસદા ખાતે આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ઉનાઈ માતાજી મંદિર પરિસરમાં શ્રી રામચંદ્રજી મંદિર, હનુમાનજી મંદિર, પ્રદક્ષિણા પથ, એન્ટ્રન્સ ગેટ, લેન્ડસ્કેપિંગ, કમ્પાઉન્ડ વોલ, સમ્પ, કલ્ચરલ હોલ, ભોજનાલય અને લાયબ્રેરી સહિતના સર્વાંગી વિકાસ કામો માટે રૂ. 5.03 કરોડની મંજૂરી અપાઈ છે.

શ્રી જોધલપીર મંદિર નવનિર્માણ, કેસરડી 

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેસરડી ગામ ખાતે આવેલા શ્રી જોધલપીર મંદિરના ભવ્ય નવનિર્માણ અને પરિસરના અન્ય આનુષંગિક વિકાસ કાર્યો માટે કુલ રૂ. ૨૧.૭૫ કરોડની માતબર રકમના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

શ્રી વરદાયિની માતાજી મંદિર સર્વગ્રાહી વિકાસ, રૂપાલ 

ગાંધીનગર સ્થિત પ્રસિદ્ધ યાત્રાધામ રૂપાલ ખાતે આવેલા શ્રી વરદાયિની માતાજી મંદિર પરિસરના સર્વગ્રાહી વિકાસ તેમજ યાત્રાળુઓની ઉત્કૃષ્ટ સુવિધાઓ અર્થે રૂ. ૩૫ કરોડના અંદાજિત વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે.

શ્રી વાળીનાથ મહાદેવ મંદિર વીજળીકરણ અને સોલાર પ્રોજેક્ટ, વિસનગર 

શ્રી વાળીનાથ મહાદેવ મંદિર ખાતે પર્યાવરણ અનુકૂળ ઉર્જા વ્યવસ્થા તેમજ સુચારુ વિદ્યુત સુવિધા સુનિશ્ચિત કરવા 100  કિલોવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ અને વીજળીકરણના અન્ય કામો માટે રૂ. 2.68  કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે.

આઈકોનિક ડેવલપમેન્ટ ઑફ ગ્રેટર ગીર પ્રોજેક્ટ 

ગ્રેટર ગીર વિસ્તારમાં પ્રવાસનને નવી ઊંચાઈઓ આપવા ‘આઈકોનિક ડેવલપમેન્ટ ઑફ ગ્રેટર ગીર પ્રોજેક્ટ’ અંતર્ગત વિવિધ મહત્વના સ્થળો ખાતે પ્રવાસનલક્ષી વિકાસ કામો હાથ ધરવા માટે રૂ. 46.91  કરોડના અંદાજિત ખર્ચને મંજૂરી આપવામાં આવી છે.

આ વિકાસ કાર્યો પૂર્ણ થવાથી રાજ્યભરમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને ઉત્કૃષ્ટ પાયાની સુવિધાઓ પ્રાપ્ત થશે અને સ્થાનિક સ્તરે પ્રવાસન તેમજ રોજગારીની નવી તકોનું નિર્માણ થશે.