સુરતઃ સુરત સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટે રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે ફ્રોડ કરનારાને પકડી પાડ્યા છે. કરોડો રૂપિયાની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ સાયબર ક્રાઈમ કેસની કાયદેસર ફરિયાદ કર્યા બાદ પોલીસે એક્શન લીધું છે. હરિયાણામાંથી પરવેઝ અને ઈર્શાદ નામના બે આરોપીની ધરપકડ કરી છે. સુરત પોલીસે આ કેસ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ગોવિંદ ધોળકિયાના અસલ વીડિયો સાથે ચેડા કરીને AI થી વોઈસ ઉમેરી દીધો હતો. પછી એને ખોટો ઉપયોગ કર્યો હતો.
Aiની મદદથી વીડિયો પોસ્ટ કર્યો
પછી આ ફેક વીડિયો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેવાયો હતો. અલગ અલગ પેજ પરથી આ વીડિયો પોસ્ટ થયો હતો. વીડિયોમાં જૂના ચલણી સિક્કાના બદલે લાખોની કેશ આપવામાં આવશે એવી વાત થઈ રહી છે. આ લાલચ હતી પછી લોકોને સંપર્ક કરવા માટે આરોપીઓએ આ વીડિયો સાથે પોતાનો એક નંબર પણ જાહેર કરી દીધો હતો. આ પછી આ નંબરના આધારે આરોપી જે તે લોકોનો સંપર્ક કરીને પૈસા ખંખેરતા હતા.
સાયબર ક્રાઈમ પોલીસની તપાસમાંથી એ વાત સામે આવી છે કે, આરોપીઓએ 9.84 લાખની છતરપિંડી કરી હતી, પોલીસે સાયબર સિક્યોરિટી અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. સુરત સાયબર ક્રાઈમ પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ ફ્રોડ કેવી રીતે આચર્યું અને પૈસાનું શું કર્યું એ અંગે પોલીસ પૂછપરછ કરી રહી છે.
દેશભરના લોકો પાસેથી પૈસા ખંખેર્યા હતા.
અત્યાર સુધીમાં કેટલા લોકોને આ રીતે ટાર્ગેટ કરાયા અને કેવી રીતે પૈસા ખંખેરવામાં આવ્યા આ અંગે પણ ખુલાસા થઈ શકે છે. પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસ તપાસમાંથી સામે આવ્યું છે કે, ChatGPT જેવા AI ટુલ્સની મદદથી ડીપફેક વીડિયો તૈયાર કરવામાં આવ્યો હતો. આરોપીઓએ ‘ઓલ્ડ કોઈન કંપની’ના નામે ફેક પ્રોફાઇલ બનાવી હતી. એ પછી આ વીડિયો પોસ્ટ કર્યા હતા. આરોપીઓએ 11 UPI આઈડી અને 2 બેંક ખાતાં મારફતે દેશભરના લોકો પાસેથી નાણાં વસૂલ્યા હતા. નકલી આઈડીકાર્ડ પણ બનાવ્યા હતા. આ સાથે આધાર કાર્ડ અને પાનકાર્ડનો પણ ઉપયોગ કર્યો હતો.