Sat Oct 10 2026

Logo

ગોરેગામમાં બેસ્ટની બસ મેટ્રો થાંભલા સાથે અથડાતા બે જખમી

2026-09-15 18:42:32
Author: Sapna Desai
ગોરેગામમાં બેસ્ટની બસ મેટ્રો થાંભલા સાથે અથડાતા બે જખમી

X - @sirajnoorani


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગોરેગામમાં બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ની બસ એક કાર સાથે ટકરાયા બાદ મેટ્રો રેલા પિલર સાથે જોશભેર ભટકાઈ હતી, જેમાં એક પ્રવાસી સહિત બે લોકો જખમી થયા હતા.આ બનાવ સોમવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ ગોરેગામમાં બન્યો હતો, જેમાં વેટ લીઝ પર લીધેલી ઈલેક્ટ્રિક બસ સોમવારે સાંજે દિંડોશી ડેપોથી ભાયંદર સ્ટેશન (પૂર્વ) તરફ જઈ રહી હતી.

ત્યારે બસ ઓબેરોયર મોલની સામે આવેલા ટ્રાફિક સિગ્નલ પાસે ફલાયઓવરની નીચે જમણી બાજુએ વળાંક લઈ રહી હતી ત્યારે એક ખાનગી કારની પાછળ જમણીએ બાજુએ ટકરાઈ હતી અને ત્યારબાદ મેટ્રો રેલના થાંભલા સાથે જોશભેર અથડાઈ હતી. આ બસ ખાનગી કૉન્ટ્રેક્ટર માતેશ્ર્વરી કંપનીની છે અને દિંડોશી ડેપો સાથે સંકળાયેલી છે.

આ બનાવમાં બે જખમી થયા હતા અને તેમને તાત્કાલિક જોગેશ્ર્વરી પૂર્વમાં આવેલી ટ્રોમા હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાં બેસ્ટમાં એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા ૫૮ વર્ષના રાજેન્દ્ર મુલીધરને માથા પર ઈજા પહોંચી હતી. તેમને ત્રણ ટાંકા લેવા પડયા હતા. તો સાથે જ બસમાં પ્રવાસ કરી રહેલા ૫૭ વર્ષના મંગેશ રામચંદ્રા મોડલેકર માથા પર ઈજા પહોંચી હતી અને માથા પર પાંચ ટાકા લેવા પડયા હતા.  સારવાર બાદ બંનેને રજા આપવામાં આવી હતી.

બેસ્ટ પ્રશાસનના જણાવ્યા મુજબ કાર ડ્રાઈવરની ફરિયાદને આધારે પોલીસે બેસ્ટના ડ્રાઈવરની સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.