Mon Oct 05 2026

Logo

અમૃતસરનું સ્વર્ણમંદિર:  શીખ સહિત દરેક ધર્મના લોકોનું આસ્થાનું કેન્દ્ર

2026-09-14 14:58:22
Author: Umesh Trivedi
અમૃતસરનું સ્વર્ણમંદિર:  શીખ સહિત દરેક ધર્મના લોકોનું આસ્થાનું કેન્દ્ર

ધર્મસ્થાનકોની તારીખ-તવારીખ - ઉમેશ ત્રિવેદી

પંજાબના અમૃતસરમાં આવેલું હરમિંદર સાહેબ કે દરબાર સાહેબ એ શીખ ધર્મના લોકોનું સૌથી ધાર્મિક સ્થળ છે જે સુવર્ણમંદિર તરીકે ઓળખાય છે અને તેનું એ જ નામ લોકપ્રિય અને પ્રચલિત છે. આખું અમૃતસર શહેર આ સુવર્ણમંદિરની આસપાસ જ વસેલું છે. સુવર્ણમંદિરમાં દરરોજના હજારો શ્રદ્ધાળુઓ આવે છે અને તે બધાં જ ધર્મના હોય છે. અમૃતસરનું નામ અહીં આવેલા સરોવર પરથી જ રાખવામાં આવ્યું છે. આ સરોવરનું નિર્માણ શીખ ધર્મના ધર્મગુરુ રામદાસે પોતે ર્ક્યું છે અને સ્વર્ણમંદિર કે સુવર્ણમંદિર તેની વચ્ચોવચ્ચ આવેલું છે.

સુવર્ણ મંદિરને બોલચાલની ભાષામાં સ્વર્ણમંદિર તરીકે જ ઓળખવામાં આવે છે. આ ગુરુદ્વારાના બહારનો ભાગ સુવર્ણ એટલે કે સોનાથી મઢવામાં આવ્યો છે એટલે તે સ્વર્ણ મંદિર તરીકે ઓળખાય છે.

શીખ ધર્મના ગુરુ રામદાસજીએ આ મંદિરનો પાયો નાખ્યો હતો. કેટલાક સોત તો એમ પણ જણાવે છે કે ગુરુજીએ લાહોરના એક સૂફી સંત મિયાં મીર પાસે ડિસેમ્બર-1588માં આ ગુરુદ્વારાનો પાયો નખાવ્યો હતો. લગભગ 16મી સદીના અંતમાં આ ગુરુદ્વારાનું નિર્માણ હાથ ધરાયું, પણ ત્યાર પછી તે અનેક વાર નષ્ટ થઈ ગયું છે. પણ ભક્તિ અને આસ્થાને કારણે હિન્દુઓ અને શીખોએ મળીને તેનું નિર્માણ કર્યું છે. 17મી સદીમાં મહારાજ સરદાર જસ્સા સિંહ અહલુવાલિયાએ તેનું પુન: નિર્માણ કર્યું હતું. જેટલી વાર આ ગુરુદ્વારા નાશ પામ્યું અને તેને ફરી બનાવવામાં આવ્યું એ આ ગુરુદ્વારામાં દર્શાવવામાં આવ્યું છે.

અફઘાન હુમલાખોરોએ 19મી સદીમાં તેને સાવ ધ્વસ્ત કરી નાખ્યું હતું ત્યારે મહારાજા રણજીતસિંહે તે ફરી બનાવ્યું અને ત્યારે તેમણે આ આખા ગુરુદ્વારાની દીવાલોને બહારથી સોનાથી મઢી દીધી હતી. સન 1984માં ભારતના ટુકડા કરવાની ઈચ્છા રાખનારા અને સેંકડો હિન્દુ-શીખોના હત્યારા એવા ત્રાસવાદી ભિંડરાવાલેએ પણ હરમંદિર સાહેબ પર કબજો કરી લીધો હતો. શરૂઆતમાં આસ્થાનું સન્માન કરીને સુરક્ષા એજન્સીઓના સૈનિકોએ આ ગુરુદ્વારામાં જવાની ના પાડી દીધી હતી. પણ 10 દિવસના સંઘર્ષ પછી સૈન્ય અંદર ઘૂસ્યું અને ત્રાસવાદીઓને ઠાર કર્યા હતા. ત્યારે અહીંથી મોટી માત્રામાં શસ્ત્રો મળી આવ્યાં હતાં.

લગભગ 400 વર્ષ કરતાં જૂના આ સ્વર્ણમંદિર ગુરુદ્વારની સંરચના શીખ ધર્મના ગુરુ અર્જુનદેવે કરી હતી. આ ગુરુદ્વારાનું સ્થાપત્ય ખૂબ જ અલૌકિક છે. ગુરુદ્વારાની ચારેતરફ ચાર દરવાજા છે, જે પૂર્ણ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ દિશામાં આવેલાં છે તે સમયે સમાજ ચાર જાતિમાં વહેંચાયેલો હતો અને અનેક મંદિરોમાં કેટલીક જાતિના લોકોને પ્રવેશ નહોતો અપાતો એટલે અહીં ગુરુદ્વારામાં ચાર દરવાજા બનાવવામાં આવ્યા અને બધી જ જાતિના લોકોને તેમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

હરમિંદર સાહેબના પરિસરમાં બે મોટા અને અનેક નાના-નાના તીર્થસ્થળ છે. આ બધા તીર્થસ્થળ જળાશયની ચારેતરફ ફેલાયેલો છે. આ જળાશયને અમૃતસર, અમૃત સરોવર કે અમૃત લેક તરીકે ઓળખવામાં આવે છે. આખું સ્વર્ણમંદિર સફેદ સંગેમરમરથી બનાવવામાં આવ્યું છે અને તેનાં પર સોનાના પતરાંથી નકશીકામ કરવામાં આવ્યું છે. હરમિંદર સાહેબમાં આખો દિવસ ગુરબાણી સંભળાયા કરે છે. અહીં જે ચાર દ્વાર છે, તેમાંથી એક દ્વાર ગુરુરામદાસ સરાય તરીકે ઓળખાય છે. અહીં અનેક વિશ્રામ સ્થળ છે. અહીં 24 કલાક લંગર ચાલતું રહે છે.

સ્વર્ણ મંદિર માનવ નિર્મિત ટાપુ પર બનાવવામાં આવ્યું છે. આ મંદિર એક પુલ દ્વારા કિનારા સાથે જોડાયેલું છે. મંદિરથી 100 મીટર દૂર સોનાના પતરાથી જડાયેલું અકાલ તખ્ત છે. અહીં શરબત ખાલસાની બેઠકો યોજાય છે. શીખ ધર્મ સાથે જોડાયેલા મુદ્દાઓની અહીં ચર્ચા થાય છે અને અહીં તેનો નિવેડો આવે છે. અહીં જે સરોવર છે એ ચમત્કારિક હોવાનું કહેવાય છે. અહીં સ્નાન કરનારના બધા રોગ ચાલ્યા જાય છે એમ કહેવાય છે.

અહીંની પરંપરા એવી પણ છે કે સરોવરમાં સ્નાન કર્યા પછી જ આ ગુરુદ્વારાના દર્શન કરવા જવાય છે. આ સરોવરનું પાણી દરરોજ બદલવામાં આવે છે એમ કહેવાય છે. તેનાં માટે ત્યાં અનેક ફિલ્ટરો લગાવવામાં આવ્યા છે. દર પાંચ વર્ષે આ સરોવરનું સમારકામ હાથ ધરવામાં આવે છે.

ગુરુદ્વારાની બહાર જમણી બાજુ અકાલ તખ્તનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ અકાલ તખ્ત 1609માં ઊભું કરાયું છે, ત્યાં દરબાર સાહિબ છે. સંગેમરમરથી બનેલી આ ઈમારતનું બાંધકામ ખૂબ જ આકર્ષક છે. તેની નજીક શિરોમણિ ગુરુદ્વારા પ્રંબધક સમિતિનું કાર્યાલય છે. જ્યાં શીખ ધર્મ અને શીખોને લગતા મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં આવે છે.

અહીં જે લંગર છે, તે 24 કલાક ધમધમતું રહે છે. દર્શને આવનારા શ્રદ્ધાળુઓના ખાણી-પીણીની વ્યવસ્થા શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (એસજીપીસી) દ્વારા કરવામાં આવે છે. આ સમિતિ દ્વારા નિયુક્ત કરાયેલા સ્વયંસેવકો જ આ સેવા કરી શકે છે. એમ મનાય છે કે અહીં દરરોજ 40 હજાર જેટલાં લોકો લંગરમાં પ્રસાદ-ભોજન આરોગે છે. માત્ર ભોજનની જ નહીં અને રહેવાની વ્યવસ્થા પણ કરાય છે. રામદાસ સરાયમાં રહેવાની સગવડ છે. રામદાસ સરાયનું નિર્માણ 1784માં કરવામાં આવ્યું છે. અહીં 228 રૂમ અને 18 મોટા હોય છે. અહીં કોઈ પણ ત્રણ દિવસ સુધી રહી શકે છે.

સવારે અઢી વાગ્યે ગુરુગ્રંથ સાહિબને તેમના રૂમમાંથી ગુરુદ્વારામાં લાવવામાં આવે છે. ત્યારે ભજન કીર્તન કરતા પાલખીમાં સજાવીને ગુરુદ્વારામાં લાવવામાં આવે છે અને રાતના સમયે ગુરુગ્રંથ સાહિબ ફરી પોતાના રૂમમાં લઈ જવામાં આવે છે. તેને સુખાસન કહેવામાં આવે છે અને સવારે અઢી વાગ્યે ગુરુગ્રંથ સાહિબને બહાર લાવવામાં આવે ત્યારે પ્રકાશોત્સવ કરાય છે. આ બંને અવસર જોવા લાયક હોય છે.

અહીં ઉનાળાના વેકેશન દરમિયાન ખૂબ ભીડ જોવા મળે છે, પણ વૈશાખી, લોહડી, ગુરુનાનક પર્વ, શહીદી દિવસ, સંક્રાંતિ જેવાં તહેવારો વખતે ભીડ ખૂબ જ હોય છે, પણ અહીંની વ્યવસ્થા ખૂબ જ સારી છે. એમ પણ કહેવાય છે કે આ અમૃત સરોવરમાં સ્નાન કરીને સાચા મનથી પ્રાર્થના કરનારની દરેક મનોકામના પૂરી થાય છે, એટલે જ આ શીખ લોકોનું ધર્મસ્થાનક હોવા છતાં દરેક ધર્મના લોકો અહીં આવે છે અને આસ્થાથી દર્શન કરી ધન્યતા અનુભવે છે