Thu Nov 19 2026

Logo

ક્રૂડ તેલના ભાવ વધતાં વિશ્વ બજાર પાછળ ચાંદીએ કિલોદીઠ રૂ. 7006ના ઘટાડા સાથે રૂ. બે લાખની સપાટી ગુમાવી, સોનામાં રૂ. 1411નું ગાબડું

2026-10-22 20:00:43
Author: Ramesh Gohil
ક્રૂડ તેલના ભાવ વધતાં વિશ્વ બજાર પાછળ ચાંદીએ કિલોદીઠ રૂ. 7006ના ઘટાડા સાથે રૂ. બે લાખની સપાટી ગુમાવી, સોનામાં રૂ. 1411નું ગાબડું

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
વૈશ્વિક બજારમાં આજે ક્રૂડ તેલના ભાવમાં ત્રણ ટકા જેટલો ઉછાળો આવતાં ફુગાવામાં વધારો થવાની ચિંતા સપાટી પર આવવાની સાથે અમેરિકી ફેડરલ રિઝર્વ વધુ કડક નાણાનીતિ અપનાવે તેવી શક્યતા પ્રબળ બનતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં 1.4 ટકાનો અને ચાંદીના ભાવમાં 3.7 ટકા જેટલો ઘટાડો આવ્યાના નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવે કિલોદીઠ રૂ. 7006ના ઘટાડા સાથે રૂ. બે લાખની સપાટી ગુમાવી હતી. તેમ જ સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1411નું ગાબડુ પડ્યું હતું. જોકે, આજે ડૉલર સામે રૂપિયો 45 પૈસા ગબડ્યો હોવાથી સ્થાનિકમાં ખાસ કરીને સોનાની આયાત પડતર વધી આવતા વિશ્વ બજારની સરખામણીમાં સોનામાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. 

આજે સ્થાનિકમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે હાજરમાં વેરારહિત ધોરણે 999 ટચ ચાંદીના કિલોદીઠ ભાવ ગઈકાલના બંધ સામે રૂ. 7006ના કડાકા સાથે રૂ. 1,99,777ના મથાળે રહ્યા હતા. જોકે, વધુ ભાવઘટાડાના આશાવાદને કારણે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહી હતી. વધુમાં આજે વિશ્વ બજાર પાછળ હાજરમાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 1405 ઘટીને રૂ. 1,42,123 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1411 ઘટીને રૂ. 1,42,694ના મથાળે રહ્યા હતા. એકંદરે આજે ભાવમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો હોવા છતાં આગામી દિવસોમાં ભાવ વધુ દબાણ હેઠળ આવે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા જ્વેલરી ઉત્પાદકો, રોકાણકારો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાના અહેવાલો હતો. 

આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 1.4 ટકા ઘટીને આૈંસદીઠ 4081.89 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 1.3 ટકા ઘટીને 4097.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 3.7 ટકા ઘટીને આૈંસદીઠ 55.86 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

હાલમાં વૈશ્વિક એનર્જી બજારમાં ભારે અનિશ્ચિતતાનો માહોલ હોવાથી સોનાના ભાવમાં વધુ દબાણ હેઠળ આવે તેવી શક્યતા વ્યક્ત કરતાં એએનઝેડના વિશ્લેષક સોની કુમારીએ જણાવતાં ઉમેર્યું હતું કે આજે હુતીએ સઉદી અરેબિયાના એનર્જી માળખા પર હુમલો કરતા પશ્ચિમ એશિયામાં વિવાદ વધુ વકરે અને ક્રૂડ તેલનો પુરવઠો ખોરવાઈ જવાની ભીતિ સપાટી પર આવતા ભાવમાં બેરલદીઠ બે ડૉલરનો ઉછાળો આવી ગયો હતો. સામાન્યપણે ફુગાવામાં વધારાના સંજોગોમાં સોનામાં હેજરૂપી માગ રહેતી હોય છે, પરંતુ હાલની સ્થિતિમાં જો ફુગાવો વધે તો કેન્દ્રવર્તી બૅન્કો વ્યાજદરમાં વધારો કરે તેમ હોવાથી સોનામાં હેજરૂપી માગ નબળી પડે છે, એમ તેમણે ઉમેર્યું હતું. 

ગત સપ્તાહે અમેરિકાના ક્નઝ્યુમર અને પ્રોડ્યુસર ફુગાવાના ડેટામાં અપેક્ષા કરતાં વધુ વૃદ્ધિ જોવા મળી હતી. તેમ જ ક્રૂડ તેલના ભાવમાં પણ વધારો થયો હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી 27-28 ઑક્ટોબરની નીતિવિષયક બેઠકમાં કડક નાણાનીતિનું વલણ જાળવી રાખે તેવી શક્યતા છે. 

જોકે, આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ડિસેમ્બર મહિનાની બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી 91 ટકા શક્યતા જોઈ રહ્યા છે. તેમ જ ગોલ્ડમેન સાશે પણ ડિસેમ્બરમાં વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટના વધારાની શક્યતા વ્યક્ત કરી હતી.