Thu Nov 19 2026

Logo

વિશ્વ બજાર પાછળ ચાંદીમાં રૂ. 2643નું અને સોનામાં રૂ. 484નું બાઉન્સબૅક

2026-10-16 21:11:39
Author: Ramesh Gohil
વિશ્વ બજાર પાછળ ચાંદીમાં રૂ. 2643નું અને સોનામાં રૂ. 484નું બાઉન્સબૅક

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ ગઈકાલે અમેરિકાનાં પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સનાં ડેટા બજારની અપેક્ષા કરતાં મજબૂત આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદર વધારે તેવી શક્યતા નબળી પડવાની સાથે આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સોના અને ચાંદીમા ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો. તેમ જ વિશ્વ બજાર પાછળ સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ.2643નું અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 482થી 484નું બાઉન્સબૅક જોવા મળ્યું હતું. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે હાજરમાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 2643ના બાઉન્સબૅક સાથે 2,10,918ના મથાળે રહ્યા હતા. જોકે, આજે જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહી હતી. વધુમાં આજે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ સુધારો જોવા મળ્યો હતો, પરંતુ આજે સતત છઠ્ઠા સત્રમાં ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ રહેતાં સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાથી વિશ્વ બજારની સરખામણીમાં  સુધારો મર્યાદિત રહેતાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 482 વધીને રૂ. 1,45,840 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 484 વધીને રૂ. 1,46,426ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં છૂટીછવાઈ રોકાણલક્ષી માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી નિરસ રહી હતી. 

આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 1.2 ટકા વધીને આૈંસદીઠ 4153.42 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 1.5 ટકા વધીને 4170.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 2.5 ટકા ઉછળીને આૈંસદીઠ 57.05 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

અમેરિકામાં ગયા સપ્ટેમ્બર મહિનાનો પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ વધીને સાડા ચાર મહિનાની ઊંચી સપાટીએ રહ્યો હોવાના અહેવાલ ઉપરાંત ગ્રાહકલક્ષી ફુગાવો પણ વધી આવ્યો હોવાથી ફેડરલ રિઝર્વ આગામી 27-28 ઑક્ટોબરની બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા ધૂંધળી બનતાં સોના-ચાંદીના સુધારાને ટેકો મળ્યો હોવાનું ઝેનર મેટલ્સનાં મેટલ સ્ટ્રેટેજિસ્ટ અને વાઈસ પ્રેસિડૅન્ટ પીટર ગ્રાન્ટે જણાવ્યું હતું. 

આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી માત્ર 29 ટકા શક્યતા વ્યક્ત કરી રહ્યા હતા. જોકે, હવે બજાર વર્તુળોની નજર આજે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની વાર્ષિક સભામાં ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ કેવિન વાશૅના વક્તવ્ય પર સ્થિર થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.