રમેશ ગોહિલ
વિશ્વ બજાર પાછળ ચાંદીમાં રૂ. 2643નું અને સોનામાં રૂ. 484નું બાઉન્સબૅક
ગત સપ્તાહના મધ્ય સુધી અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી 27-28 ઑક્ટોબરની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા વિશ્વ બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. જોકે, ત્યાર બાદ અમેરિકાના રિટેલ ફુગાવાના અને પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટામાં અપેક્ષા કરતાં વધુ વૃદ્ધિ થવાથી મધ્ય સપ્તાહ પછીથી ઑક્ટોબરમાં રેટ કટની શક્યતા નબળી પડતાં વિશ્વ બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો. જોકે, એકંદરે સાપ્તાહિક ધોરણે ભાવમાં ઘટાડાતરફી વલણ જ રહ્યું હતું. આમ વૈશ્વિક બજારને અનુસરતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ ગત સપ્તાહે બન્ને કિંમતી ધાતુઓમાં બેતરફી વધઘટ જોવા મળી હતી, પરંતુ સાપ્તાહિક ધોરણે ઘટાડો નોંધાયો હતો. જોકે, ગત સપ્તાહે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સ્થાનિકમાં ડૉલર ગબડતા રૂપિયાને ટેકો આપવા માટે ડૉલર-રૂપીનાં ડેરિવેટીવ્સ ટ્રેડિંગ પર નિયંત્રણો મુકવાની સાથે તેલ આયાતકારોની ડૉલરની ખરીદી માટે એક અલગ વિન્ડો શરૂ કરતાં ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયાનું દબાણ હળવું થતાં સાપ્તાહિક ધોરણે ડૉલર સામે રૂપિયો 182 પૈસા મજબૂત થયો હતો. આમ રૂપિયો મજબૂત થવાથી ખાસ કરીને સ્થાનિકમાં સોનાની આયાત પડતરો ઘટી આવતા વિશ્વ બજારની સરખામણીમાં અમુક અંશે ભાવઘટાડો વધુ રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં સોનાના વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત નવમી ઑક્ટોબરના રૂ. 1,49,430 સામે સાધારણ નરમાઈના અન્ડરટોને રૂ. 1,48,425ના મથાળે ખૂલ્યા હતા અને સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 1,45,564 અને ઉપરમાં ખૂલતી જ રૂ. 2,20,874ની સપાટીએ રહીને અંતે સાપ્તાહિક ધોરણે 2.01 ટકા ઘટીને રૂ. 1,46,426ના મથાળે બંધ રહ્યા હતા. તે જ પ્રમાણે 999 ટચ ચાંદીના કિલોદીઠ ભાવ આગલા સપ્તાહના અંતનાં રૂ. 2,21,109ના બંધ સામે ઘટીને રૂ. 2,20,874ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન રૂ. 2,07,098થી 2,20,874ની રેન્જમાં રહીને અંતે સાપ્તાહકિ ધોરણે 4.60 ટકા અથવા તો રૂ. 10,191ના ઘટાડા સાથે રૂ. 2,10,918ના મથાળે બંધ રહ્યા હતા. જોકે, સપ્તાહ દરમિયાન ભાવઘટાડાના માહોલમાં બન્ને કિંમતી ધાતુઓમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત આગામી દશેરા, ધનતેરસ અને દિવાળી જેવા તહેવારોની અપેક્ષીત માગને ધ્યાનમાં લેતા જ્વેલરી ઉત્પાદકોની લેવાલીનો સળવળાટ જોવા મળ્યો હતો. તેમ જ ખાસ કરીને ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની નીચા મથાળેથી માગનો ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
એકંદરે ગત સપ્તાહે રોકાણકારોએ અમેરિકાના ફુગાવાના ડેટા ઉપરાંત પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટાની જાહેરાત સાથે ફેડરલ રિઝર્વ આગામી 27-28 ઑક્ટોબરની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરશે કે નહીં તેની આકારણી કરી રહ્યા હોવાથી બજાર બેતરફી વધઘટે અથડાઈ ગઈ હતી અને ભાવમાં સાપ્તાહિક ધોરણે ઘટાડો નોંધાયો હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડવાઈઝર્સના વિશ્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં સોનાના ભાવ આૈંસદીઠ 4000 ડૉલરની ઊપર રહે છે, પરંતુ વ્યાપક ધોરણે જોતા આૈંસદીઠ 4075 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની અને 4400 ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થઈ શકે છે. સપ્ટેમ્બર મહિનાના જાહેર થયેલા ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેકસ અને પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સે ફુગાવો ઊંચી સપાટીએ જળવાઈ રહે તેવા અણસાર આપ્યા હતા. આથી ફેડરલ રિઝર્વ નજીકના ભવિષ્યમાં હળવી નાણાનીતિ અપનાવે તેવી શક્યતા પાતળી થઈ છે. જોકે, આ મહિનાના અંતની નીતિવિષયક બેઠકમાં ફેડરલ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા પ્રમાણમાં ઘટી છે, પરંતુ ડિસેમ્બરમાં વ્યાજદરમાં વધારાની શક્યતા વધુ હોવાનું બજાર વર્તુળોનું માનવું છે તેમ છતાં બજારમાં ફેડના અધિકારીઓની આક્રમક નાણાનીતિની ટિપ્પણીઓએ અનિશ્ચિતતામાં વધારો કર્યો છે, નીતિ ઘડવૈયાઓ ફુગાવાની અપેક્ષાઓ અને આર્થિક સ્થિરતા પર દેખરેખ રાખવાની આવશ્યકતા પર ભાર મૂકી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
વધુમાં ગત સપ્તાહના અંતે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઊંચા મથાળેથી ઘટાડો આવ્યો હોવાથી સોના અને ચાંદીમાં નીચા મથાળેથી ટેકો મળ્યો હતો. જાકે, સ્થાનિક સ્તરે પણ ગત સપ્તાહે ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી સોનાની આયાત પડતરમાં ઘટાડો થતાં તહેવારોની મોસમ પૂર્વે નીચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકોની માગનો ટેકો મળ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહના અંતે શુક્રવારે તહેવારોની મોસમ પહેલા ઘણાં મુખ્ય મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોના બલ્ક સબસ્ક્રિપ્શન કામચલાઉ ધોરણે પ્રતિબંધિત કરતાં ફંડોમાં રોકાણના આંતરપ્રવાહ પર અસર થઈ શકે છે. જોકે, રિડમ્પશન સુવિધા જાળવી રાખવામાં આવી છે. એકંદરે આગામી દશેરા, ધનતેરસ અને દિવાળીની આસપાસ સોનાની માગનો આધાર મુખ્યત્વે ભાવની વધઘટ પર રહેશે, એમ જણાવતા તેમણે આગામી સપ્તાહે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1,43,000થી 1,52,000ની રેન્જમાં અને ચાંદીના વાયદામાં ભાવ કિલો દીઠ રૂ. 2,05,000થી 2,20,000ની રેન્જમાં રહેવાની અને ચાંદીના વૈશ્વિક ભાવ આૈંસદીઠ 55થી 65 ડૉલર આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
દરમિયાન ગત સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે સાધારણ 0.1 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 4165.12 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા અને સાપ્તાહિક ધોરણે 0.7 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. તેમ જ ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 0.3 ટકા ઘટીને 4181.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.7 ટકા ઘટીને આૈંસદીઠ 57.05 ડૉલર આસપાસના મથાળે રહ્યા હતા. ગત સપ્તાહના અંતે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની વાર્ષિક સભામાં ફેડરલ રિઝર્વના અધ્યક્ષ કેવિન વાર્શે અમેરિકાની આર્થિક વૃદ્ધિ અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો, પરંતુ ફેડરલ રિઝર્વની ભવિષ્યની નાણાનીતિ અંગે કોઈ સંકેત નહોતો આપ્યો. આમ ફેડરલ રિઝર્વ આગામી બેઠકમાં શું કરશે તેની અવઢવ વચ્ચે સપ્તાહના અંતે સોનાના ભાવ ટેકાની સપાટી આસપાસ અથડાઈ ગયા હોવાનું ટીડી સિક્યોરિટીઝનાં ગ્લોબલ કૉમૉડિટી સ્ટ્રેટેજી વિભાગના હેડ બાર્ટ મેલેકે જણાવ્યું હતું.
ગત સપ્ટેમ્બર મહિનાનો પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ સાડા ચાર વર્ષની ઊંચી સપાટીએ રહ્યો છે, જે એક નિરાશાજનક બાબત હોવાનું ફેડરલ રિઝર્વ ઑફ શિકાગોનાં પ્રેસિડૅન્ટ ઑસ્ટન ગુલસ્બીએ જણાવ્યું હતું, જ્યારે ફેડરલ રિઝર્વ ઑફ ક્લેવરલેન્ડનાં પ્રેસિડૅન્ટ બેથ હમ્મકે જણાવ્યું હતું કે જો ફુગાવામાં નોંધપાત્ર વધારો થતો રહે ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરવાની જરૂર છે. આમ આગામી સપ્તાહ દરમિયાન સોના-ચાંદીના ભાવની વધઘટનો આધાર ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરશે કે નહીં તેના અનુમાન ઉપરાંત ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડની વધઘટ પર અવલંબિત રહે તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.