Fri Oct 16 2026

Logo

ગોવામાં આપ અને જીએફપીએ 'ગોવા ફર્સ્ટ' ગઠબંધનની જાહેરાત કરી, ચૂંટણી સાથે લડશે

2026-09-13 19:35:27
Author: Chandrakant Kanoja
ગોવામાં આપ અને જીએફપીએ 'ગોવા ફર્સ્ટ' ગઠબંધનની જાહેરાત કરી, ચૂંટણી સાથે લડશે

@AamAadmiParty


પણજી: ગોવામાં વર્ષ 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું છે. ગોવામાં એક નવો રાજકીય મોરચો ઉભો થયો છે. જેમાં આમ આદમી પાર્ટી અને ગોવા ફોરવર્ડ પાર્ટીએ ગોવા ફર્સ્ટ નામના ગઠબંધનની જાહેરાત કરી છે. આ બંને આગામી વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડશે. જેના પગલે કોંગ્રેસને આંચકો લાગ્યો છે. 

ભાજપ -કોંગ્રેસ વિરુદ્ધ ત્રીજો વિકલ્પ 

આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને જીએફપીના નેતા વિજય સરદેસાઇએ  ગઠબંધનની જાહેરાત કરી હતી.  અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે આ ગઠબંધન ગોવાના લોકોને ભાજપ અને કોંગ્રેસથી અલગ વિકલ્પ પૂરો પાડવા માટે ચૂંટણીના મેદાનમાં ઉતરશે. તેમજ ભાજપ અને કોંગ્રેસ સામે ત્રીજો રાજકીય વિકલ્પ રજૂ કરવા માટે બંને પક્ષો 2027ની ચૂંટણીમાં સાથે મળીને કામ કરશે.

કેજરીવાલ શનિવારે ગોવા પહોંચ્યા હતા

આ જાહેરાત પૂર્વે કેજરીવાલ શનિવારે ગોવા પહોંચ્યા હતા.તેમની મુલાકાત અગાઉ, ગોવાના વિવિધ વિસ્તારોમાં આપ  અને જીએફપીના ચૂંટણી ચિહ્નોવાળા બેનરો પણ જોવા મળ્યા હતા. જેમાં લખ્યું હતું કે, કોંગ્રેસ અને ભાજપે તમને બે વાર છેતર્યા છે. તેમને ત્રીજી વાર આવું કરવા ન દેશો. આ સંદેશ દ્વારા  બંને પક્ષોએ રાજ્યના બે  રાજકીય દળોને સીધા નિશાન બનાવ્યા હતા. 

આપ અને જીએફપી વચ્ચેનું ગઠબંધન મહત્વપૂર્ણ 

આપ  અને જીએફપી વચ્ચેનું ગઠબંધન એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે કોંગ્રેસ અને જીએફપી વચ્ચે પણ ચૂંટણી ગઠબંધન અંગેની વાતચીત ચાલી રહી હતી. જોકે, હવે તે બંને પક્ષો વચ્ચેની વાટાઘાટો આગળ વધતી જણાતી નથી. 

'ગોવા ફર્સ્ટ' હેઠળ પ્રથમ વખત ચૂંટણીના મેદાનમાં 

જોકે, વર્ષ 2027માં  આપ અને જીએફપી 'ગોવા ફર્સ્ટ' નામના સંયુક્ત મંચ હેઠળ પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં ઉતરવા જઈ રહ્યા છે. આ ગઠબંધનનો મુખ્ય હેતુ  માત્ર બેઠકોની સંખ્યા વધારવાનો જ નથી, પરંતુ ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત ગોવાના રાજકારણમાં એક 'ત્રીજા બળ' માટે સ્થાન ઊભું કરવાનો છે.