નવી દિલ્હીઃ વૈશ્વિક સ્તરે કોપરના ખનન અને સ્મેલ્ટિંગ ક્ષમતા વચ્ચે વિસંગતતા સર્જાવાને કારણે પુરવઠો દબાણ હેઠળ આવી રહ્યો છે, પરિણામે કોપરનાં ભાવમાં એકતરફી તેજીનું વલણ જોવા મળી રહ્યું હોવાનું પ્રાઈમરી કોપર પ્રોડ્યુસર્સ એસોસિયેશને તાજેતરમાં જણાવ્યું છે.
અમેરિકીય ટૅરિફનો ભય, ખનન તરફથી તંગ પુરવઠો અને વૈશ્વિક સ્તરે સ્ટોકની સ્થિતિમાં બદલાવ આવતા સપ્ટેમ્બર, 2026માં લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપરના ભાવ વધીને ગત સાલની સરખામણીમાં 50 ટકાના ઉછાળા સાથે ટનદીઠ 14,737 ડૉલરની વિક્રમ સપાટીએ પહોંચ્યા હોવાનું એસોસિયેશને જણાવ્યું હતું.
વધુમાં લંડન મેટલ એક્સચેન્જની બજાર અને કૉમેક્સ વચ્ચેનાં પ્રીમિયમનો લાભ લેવા માટે વર્ષનાં આરંભથી અત્યાર સુધીમાં લાખો ટન કોપરનું અમેરિકા ખાતે શિપમેન્ટ થયું હોવાનું એસોસિયેશને એક યાદીમાં જણાવતાં ઉમેર્યું હતું કે અમેરિકી વાણિજ્ય વિભાગના એક અહેવાલ અનુસાર કોપરની આયાત પર સંભવિત ટૅરિફમાં લગભગ બે મહિનાનો વિલંબ થયો હોવા છતાં બજારમાં વેપાર પ્રતિબંધની શક્યતાને ધ્યાનમાં લેતાં ભાવ ઊંચી સપાટીએ જળવાઈ રહ્યા છે. તેમ જ ટૅરિફની શક્યતાને ધ્યાનમાં લેતાં કોપરનાં સ્ટોકની હેરફેરમાં પણ ઘણાં ફેરફારો થઈ રહ્યા છે.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર કૉમૅક્સ ખાતે સ્ટોક વધીને 6.75 લાખ ટનની વિક્રમ સપાટીએ પહોંચ્યો છે, જ્યારે લંડન મેટલ એક્સચેન્જ ખાતે નીચી સપાટીએ પહોંચતા અન્ય બજારોમાં પુરવઠાસ્થિતિ વધુ તંગ બની હોવાનું એસોસિયેશને જણાવતા ઉમેર્યું હતું કે અમેરિકા ખાતે કોપરનો સ્ટોક વધવાની સાથે વિશ્વની ત્રણથી ચાર ખાણમાં કાર્યકારી પડકારો સર્જાતા વૈશ્વિક સ્તરે ખાણનું ઉત્પાદન પણ નબળું પડ્યું છે.
વધુમાં ચીનની સ્મેલ્ટિંગ ક્ષમતાના વિસ્તરણને કારણે પણ કોપર કોન્સન્ટ્રેટનો પુરવઠો દબાણ હેઠળ આવ્યો છે અને આ અસમતુલન કોપર કોન્સન્ટ્રેટને પ્રોસેસ કરવા માટે સ્મેલ્ટર્સને ચુકવવામાં આવતી ફી અથવા તો ટ્રીટમેન્ટ ચાર્જ (ટીસી)અને રિફાઈનિંગ ચાર્જ (આરસી) પર પ્રતિબિંબિત થાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રીટમેન્ટ અને રિફાઈનિંગ ચાર્જ જે અગાઉ ટનદીઠ 300થી 400 ડૉલર સકારાત્મક હતા તે ઘટીને ટનદીઠ 1300 ડૉલર નકારાત્મક સ્તરે રહેતા હોવાનું એસોસિયેશને જણાવ્યું હતું.
આ ચાર્જમાં થયેલો ઘટાડો દર્શાવે છે કે કોપર કોન્સન્ટ્રેટ માટે સ્પર્ઘા તીવ્ર બની છે, જ્યારે ખનન ક્ષમતા વૈશ્વિક રિફાઈનિંગ અને સ્મેલ્ટિંગ ક્ષમતાના વિસ્તરણ સાથે તાલ મેળવવામાં નિષ્ફળ રહી છે. આમ ખનન પુરવઠા અને સ્મેલ્ટિંગ ક્ષમતા વચ્ચેનો તફાવત કોપર માર્કેટમાં માળખાકીય અવરોધ પેદા કરી રહ્યો છે, એમ એસોસિયેશને યાદીમાં ઉમેર્યું હતું.