મસ્તરામની મસ્તી - મિલન ત્રિવેદી
કોઈ પણ વડીલોને તેમની ઈચ્છા પૂછો તો તરત જ કહેશે કે ‘ઈશ્વર એક વાર રિવર્સ ગિયર મારવાનું કહે તો ગાડી 35 વર્ષ પાછળ લઈ લઉં...!’
‘ચાલો, ત્યારે લઈ લો ગાડી રિવર્સમાં !’
‘હા, થોડા ફેરફાર કરવા પડશે આર યુ રેડી કાકાઝ એન્ડ કાકીઝ?’
‘હેલો, ચિયર્સ એન્ડ વાઇબ્સ!’
‘સૌપ્રથમ તો આ શબ્દો જાણો...
તમારા બધાનો ‘આભાર’ (સોરી, આ જૂનો શબ્દ છે... ‘થેન્ક્સ અ મિલિયન’ કે ‘તમે તો પ્રો છો’ એવું કહેવું પડે!). આજકાલ તમે બજારમાં, સોશ્યલ મીડિયા પર કે ઘરમાં 15 થી 25 વર્ષના જુવાનિયાઓને જોયા છે? એમના હાથમાં 24 કલાક સ્માર્ટફોન ચોંટેલો હોય, આંખો પર સ્ટાઇલિશ ચશ્માં હોય, અને મોઢામાંથી એવી ભાષા નીકળે કે આપણને થાય: ‘અરે ભાઈ, આ ગુજરાતી બોલે છે કે કોઈ ઉચ્ચ ગેલક્સી- અંતરિક્ષની એલિયન ભાષા?’
જો તમને પણ 90ના દાયકાના કે એના પહેલાના હોવાનો ‘અફસોસ’ થતો હોય, અને તમને એમ લાગતું હોય કે તમે આ નવી પેઢી એટલે કે Gen Z(ઝેન ઝી) માં ફીટ નથી બેસતા, તો ચિંતા ના કરો! તમારી આ ‘અંકલ’ કે ‘આંટી’ ટાઇપની છાપ ભૂંસી નાખવા માટે આજે હું તમારા માટે લાવ્યો છું: ‘ઝેન ઝી બનવાના ગુપ્ત કોડ્સ!’, જે તમારા કોડ એટલે કે ઈચ્છા પૂરી કરશે.
બસ, તો આ લેખ વાંચીને અમલમાં મૂકી દો, પછી જુઓ કમાલ! 15 વર્ષનો છોકરો પણ તમને જોઈને કહેશે: ‘આ અંકલ નથી, આ તો એકદમ લિટ (Lit)ં છે!’
‘ગુજરાતી+ઈંગ્લિશ’નો ખીચડો કરો.’
ઝેન ઝી બનવાનો પહેલો નિયમ છે. તમારે ક્યારેય પણ પૂરા વાક્યો બોલવાના નથી. આ પેઢી પાસે સમય નથી (કેમ કે બધો સમય રીલ્સ જોવા-બનાવવામાં જતો રહે છે!). એટલે શબ્દો ટૂંકા કરો અને ટ્રેન્ડી બનાવો.
હવેથી તમારે કોઈ કામ બહુ સરસ લાગે તો ‘સરસ’ કે ‘ઉત્તમ’ નથી કહેવાનું. તમારે કહેવાનું: ‘આ તો એકદમ ફ્લેમ (Flame) છે ભાઈ!’ કે પછી ‘ઈટ્સ સો સ્લે (Slay)!’
જો કોઈ તમારો મિત્ર બહુ ફેંકતો હોય, તો એને એમ ના કહેવાય કે ‘તૂ ખોટું બોલે છે.’ તમારે મોઢું બગાડીને કહેવાનું: ‘નો કેપ (No Cap), બ્રો!’ અથવા ‘આ બધું કેપ (Cap) છે!’
તમારા જમાનામાં જેને ‘ચિંતા’ કે ‘ટેન્શન’ કહેતા, એને હવે ‘એંગ્ઝાઇટી (Anxiety) કહેવાય છે. અને જો કોઈ તમને નકામી શિખામણ આપે તો તરત કહી દેવાનું: ‘પ્લીઝ બ્રો, તું મને ‘સોલ્ટી’ Salty) ના બનાવ!’
લૂક અને ફેશન થોડા કેચી એટલે કે ન સમજાય તેવા રાખવા.
‘બાપાના જમાનાના કપડાં ફેશન બની ગયાં છે!’
અરે, હા! ઝેન-ઝી બનવા માટે કપડાંની પસંદગી બહુ મહત્ત્વની છે. 90ના દાયકામાં જે કપડાં આપણને ‘ઢીલાંઢાલાં’ કે ‘માપ વગરના’ લાગતા, એ જ આજે સૌથી મોટો ટ્રેન્ડ છે. એને આ લોકો ‘ઓવરઝાઇઝ્ડ (Oversized)’ ફેશન કહે છે!
ટી-શર્ટ: તમારે એવા સાઈઝનું ટી-શર્ટ પહેરવાનું જેમાં તમારા જેવા બીજા બે માણસો સળંગ સમાઈ જાય! ટી-શર્ટના ખભા તમારા કોણી સુધી લટકતા હોવા જોઈએ.
જીન્સ: ‘સ્કિની જીન્સ’ પહેરવાનો અર્થ છે કે તમે મોહેં-જો-દડોના જમાનાના છો. ઝેન ઝી બનવું હોય તો ‘કાર્ગો’ કે ‘બગી પેન્ટ્સ’ પહેરો, જે નીચેથી બે-ત્રણ રસ્તા બુરી દે એટલા પહોળા હોય!
સ્નિકર્સ (શૂઝ): એટલે કે બૂટ તો એવા પહેરવાના જે જોઈને લાગે કે તમે મંગળ ગ્રહ પર ચાલવા જવાના છો. વજનમાં ભારે અને કદમાં હાથીના પગ જેવા!
સોશ્યલ મીડિયાનો ‘રિચ્યુઅલ’ કોડ: જો તમે હજુ પણ ફેસબુક પર "Good Morning' ના ફૂલોવાળા ફોટા મૂકો છો, તો માફ કરજો, તમે ઝેન-ઝી નથી પણ ‘જેન ઝીના દાદા’ છો!
ઇન્સ્ટાગ્રામ જ સર્વસ્વ છે : ઝેન ઝી લોકો ફેસબુકને ‘ઘરડાઓનું આશ્રમ’ માને છે. તમારે ફક્ત ઇન્સ્ટાગ્રામ પર જ રહેવાનું.
ડમ્પ (Dump) પોસ્ટ મૂકો. હવે તમારે સિંગલ ફોટો નથી મૂકવાનો. આખા અઠવાડિયામાં તમે જે જે નકામા ફોટા પાડ્યા હોય (જેમ કે અડધું ખાધેલું સમોસું, રસ્તા પરનું કૂતરું, કે ચશ્માં વગરનો સેલ્ફી), એ બધાનો ભેગો કરીને ‘સંડે ડમ્પ’ (Sunday Dump) કે ‘રેન્ડમ ડમ્પ’ કરીને કેપ્શન લખવાનું.....ફોટો ભલે સવારના ચા-ભજિયાનો હોય, પણ એની પાછળ વાગતું મ્યુઝિક કોઈ જાસૂસી હોલિવૂડ મુવીનું કે ઈંગ્લિશ રેપ હોવું જોઈએ. અર્થ બેસે કે ના બેસે, ‘વાઇબ’ બેસવી જોઈએ!
રિલેશનશિપ અને ડાયલોગ્સ બહુ અગત્યના છે. એ છે ‘સિચ્યુએશનશિપ’નો જાદુ!
અમારા જમાનામાં કાં તો દોસ્તી હોય, કાં સગાઈ હોય કે લગ્ન હોય. પણ ઝેન ઝી પાસે વચ્ચેનો એક રસ્તો છે.
જો તમે કોઈની સાથે ફરો છો પણ નક્કી નથી કે એ પ્રેમ છે કે નહીં, તો એને કહેવાય ‘સિચ્યુએશનશિપ’ (Situationship).
જો કોઈ તમને અચાનક મેસેજ કરવાનો બંધ કરી દે, તો એમ ના સમજતા કે એનો ફોન બગડ્યો છે. એણે તમને ‘ઘોસ્ટ’ (Ghost)ં કરી દીધા છે!
જો કોઈ તમને બહુ ઇમ્પ્રેસ કરી જાય, તો એ માણસ પાસે ‘રિઝ’ (Rizz - ચાર્મ/આકર્ષણ) છે એવું માનવું! જો તમે શાકભાજીવાળા પાસેથી રૂ.20માંથી2રૂપિયા ઓછા કરાવી લો, તો તમારી પાસે પણ ‘બાર્ગેનિંગ રિઝ’ છે એવું કહી શકાય!
ઝેન ઝી બનવા માટે તમારો એટિટ્યુડ પણ બદલવો પડશે.
ક્યારેય બહુ ઉત્સાહ ન બતાવવો! જો તમને કોઈ લોટરી પણ લાગી જાય, તો તમારે બહુ કુદકા નથી મારવાના. બસ, ચશ્માં સરખા કરીને બોલવાનું: ‘ઓહ નાઇસ, ડ્યુડ! ધેટ્સ કૂલ.’
તમારે વાતવાતમાં ‘આઈ એમ સો ડેડ (I'm so dead)’ બોલવું પડશે (જ્યારે તમને બહુ હસવું આવે ત્યારે). જો તમને કોઈ રમૂજી જોક સંભળાવે તો હસવાને બદલે કહેવાનું: ‘આઈ એમ ડેડ, ભાઈ!’ સાંભળનાર ચમકી જશે કે આ જીવતો છે કે ભૂત, પણ એ જ તો ઝેન-ઝીનો રિયલ કોડ છે!
નો કેપ, ઓન્લી વાઇબ્સ! બાય બ્રો!
આટલું વાંચીને થાકી જવાય તો આવું વર્તન તો કેવું થકવાડે?!
વિચારવાયુ
55 એ પહોંચેલાને પણ પડોસણ સ્માઈલ આપે એટલે દિલ -દિમાગ ઝેન્ઝી ઝેન્ઝી જ થઈ જાય.