Sat Nov 07 2026

Logo

સુરતના ગે યુવકને પાર્ટનર સાથેના સંબંધથી થયો એઈડ્સ, યુવકે કર્યો આપઘાત, નોંધાયો દુષ્પ્રેરણાનો ગુનો, પછી શું થયું ?

2026-11-04 14:41:00
Author: Mayur Patel
સુરતના ગે યુવકને પાર્ટનર સાથેના સંબંધથી થયો એઈડ્સ, યુવકે કર્યો આપઘાત, નોંધાયો દુષ્પ્રેરણાનો ગુનો, પછી શું થયું ?

સુરતઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. સુરતના ગે યુવકને પાર્ટનર સાથેના સંબંધથી એઈડ્સ થયો હતો. જેથી યુવકે આપઘાત કર્યો હતો. આ કિસ્સમાં દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો. કોર્ટે કહ્યું કે જો આરોપોને તેમના મૂળ સ્વરૂપમાં પણ સ્વીકારવામાં આવે, તો પણ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો બનતો નથી.

શું છે સમગ્ર  મામલો

21 જાન્યુઆરી, 2022ના રોજ વરાછાના 25 વર્ષીય યુવકે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આપઘાતની એ જ સવારે યુવકે માતા-પિતાને એઈડ્સ થયો હોવાની જાણ કરી હતી. પરિવારને ઘટનાના એક અઠવાડિયા પહેલા જ ખબર પડી હતી કે યુવક ડિપ્રેશનમાં હતો. તેને સતત આપઘાતના વિચારો આવતા હતા અને સમલૈંગિક સંબંધમાં હતો.

પુત્રના મોત બાદ તેના પિતાએ વરાછા પોલીસ મથકે મૃતકના ભાગીદાર સામે ફરિયાદ નોંધાવી હતી. પિતાએ આક્ષેપ કર્યો હતો કે, તેની સાથેના સંબંધના કારણે જ તેમના પુત્રને એઇડ્સ થયો હતો. ઉપરાંત ભાગીદાર તરફથી ધમકીઓ મળતી હતી, જેના પુરાવા તરીકે તેમણે મોબાઈલના મેસેજ પણ દર્શાવ્યા હતા.

આરોપીએ તેની સામે થયેલી ફરિયાદ રદ કરાવવા હાઈ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. તેણે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે તેણે ક્યારેય મૃતકને આપઘાત માટે ઉશ્કેર્યો નથી. મૃતક કાલ્પનિક દુનિયામાં જીવતો હતો અને પોતાને એક મોટા બિલ્ડરનો દીકરો ગણાવી નફાકારક બિઝનેસ ચલાવતો હોવાનો દેખાડો કરતો હતો. વાસ્તવિકતા અને જૂઠાણા વચ્ચેના તાલમેલના અભાવે તેણે આ પગલું ભર્યું હોઈ શકે છે.

આ કેસમાં 4 વર્ષ બાદ મૃતકના પિતાએ સમાધાન કરી કાર્યવાહી રદ કરવા સામે કોઈ વાંધો ન હોવાનું સોગંદનામું આપ્યું હતું, જોકે રાજ્ય સરકારે આ સમાધાનનો વિરોધ કર્યો હતો.

હાઈ કોર્ટે તમામ પાસાઓની ચકાસણી બાદ નોંધ્યું કે, ફરિયાદના મૂળ આરોપોને ધ્યાને લેવામાં આવે તો પણ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો કેસ બનતો નથી તેમજ આરોપી વિરુદ્ધની એફઆઈઆર રદ કરવાનો આદેશ આપ્યો હતો.