ગારીયાધાર: સામાન્ય રીતે જમીન કે મિલકતના વિવાદ હોય એટલે સામસામા આવીને મારામારીના બનાવો વિશે તો સમાચાર સાંભળ્યા હશે પણ ભાવનગર જિલ્લામાં એક અનોખો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પાડોશીએ જમીનનું વેંચાણ ન કરતાં તેંઓ કબજો મેળવવા માટે આરોપીઓએ જમીન માલિક સુરત હતા તે સમયે જ જેસીબી મશીનથી પાકી દિવાલ તોડી નાખી હતી. આ અંગે હવે બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે.
મળતી વિગતો અનુસાર, ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના માંડવી ગામે આવેલ પ્લોટ વેચવા બાબતના મનદુઃખને લઈને જમીનનો કબજો મેળવવાના ઈરાદે જેસીબી મશીનથી પાકી દિવાલ તોડી નાખી આર્થિક નુકસાન પહોંચાડવા અંગેની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે ભોગ બનનાર મિલકત માલિક દ્વારા ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસ ફરિયાદની વિગતો અનુસાર, ફિરોજભાઈ કમલેશભાઈ ડાયાભાઈ પાલડીયા (ઉ.વ. ૩૮, રહે. માંડવી, તા. ગારીયાધાર, હાલ સુરત) નામના વેપારીનું માંડવી ગામના ગામતળ પ્લોટ નંબર ૪૨૨ (ક્ષેત્રફળ ૩૩૪.૪૫ ચો.મી.) પર માલિકી હક ધરાવે છે. આ પ્લોટ આરોપી કલ્યાણભાઈ કરમશીભાઈ બેલડીયાના પ્લોટની બાજુમાં આવેલો હોય, કલ્યાણભાઈ આ પ્લોટ ખરીદવા માંગતા હતા. ફરિયાદીએ પ્લોટ વેચવાની ના પાડતા છેલ્લા એકાદ વર્ષથી તેમની વચ્ચે અવારનવાર વિવાદ ચાલતો હતો અને પ્લોટ વેચવા માટે દબાણ કરવામાં આવતું હતું.
ગત તા.22 ઓગષ્ટ 2026ના રોજ રાત્રે સવા આઠેક વાગ્યાના અરસામાં ફરિયાદી સુરત હાજર હતા ત્યારે તેમણે પ્લોટમાં લગાવેલા સીસીટીવી કેમેરા લાઈવ મોબાઈલમાં જોતા, ગામના કલ્યાણભાઈ કરમશીભાઈ બેલડીયા અને ગોરખભાઈ નાનુભાઈ ડેરએ સાથે મળી જેસીબી મશીન વડે પ્લોટની ત્રણેય બાજુની પાકી દિવાલ તોડી નાખી હતી. આ દરમિયાન આરોપી ગોરખભાઈ ડેર દ્વારા ફરિયાદીને છેલ્લા બે મહિનામાં બે થી ત્રણ વખત જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
ઘટના સમયે ફરિયાદી સુરત રહેતા હોવાથી અને અન્ય કારણોસર થોડો વિલંબ થયા બાદ, ગત તા. ૨૫/૦૯/૨૦૨૬ ના રોજ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં પહોંચીને કલ્યાણભાઈ કરમશીભાઈ બેલડીયા અને ગોરખભાઈ નાનુભાઈ ડેર વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને એ.એસ.આઈ. ભીમભાઈ બાલાભાઈ દેસાઈ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે.