મુંબઈમાં અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ બાપ્પાના વિસર્જન માટે ગિરગાંવ ચોપાટી, દાદર, જુહુ, મરીન ડ્રાઈવ અને નરીમન પોઈન્ટ સહિતના દરિયાકિનારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. મોડી રાત સુધી ચાલતા વિસર્જન બાદ ઘરે પરત ફરતા ભક્તોની સુવિધા માટે રેલવે પ્રશાસને વિશેષ આયોજન કર્યું છે.
પશ્ચિમ રેલવે, મધ્ય રેલવે અને હાર્બર લાઈન પર 25મી અને 26મી સપ્ટેમ્બરના મધરાતે વધારાની સ્પેશિયલ લોકલ ટ્રેનો દોડાવવામાં આવશે. આ સાથે જ ભીડ નિયંત્રણ અને મુસાફરોની સુરક્ષા માટે ચર્ની રોડ સ્ટેશન પર મહત્વના નિયમો લાગુ કરાયા છે.
પશ્ચિમ રેલવે દોડાવશે 12 સ્પેશિયલ સ્લો લોકલ ટ્રેન
25 અને 26 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ ચર્ચગેટ અને વિરાર વચ્ચે કુલ 12 સ્પેશિયલ સ્લો લોકલ દોડશે જેમાં ચર્ચગેટથી વિરાર માટે રાત્રે 1:15 વાગ્યે, રાત્રે 1:45 વાગ્યે, રાત્રે 2:15 વાગ્યે, રાત્રે 2:55 વાગ્યે, રાત્રે 3:15 વાગ્યે, મોડી રાત્રે 3:45 વાગ્યે રવાના થશે. જ્યારે વિરારથી ચર્ચગેટ માટે રાત્રે 12:15 વાગ્યે, રાત્રે 12:30 વાગ્યે, રાત્રે 1:10 વાગ્યે, રાત્રે 1:30 વાગ્યે, રાત્રે 2:00 વાગ્યે અને મોડી રાત્રે 3:00 વાગ્યે રવાના થશે.
મધ્ય રેલવે: CSMT થી થાણે-કલ્યાણ મિડનાઇટ સ્પેશિયલ
મધ્ય રેલવે દ્વારા દોડાવવામાં આવનારી તમામ સ્પેશિયલ ટ્રેનો દરેક સ્ટેશને ઊભી રહેશે:
CSMT થી કલ્યાણ/થાણે (ડાઉન ટ્રેન):
રાત્રે 1:40 વાગ્યે સીએસએમટીથી ઊપડશે અને રાતે 3.10 કલાકે કલ્યાણ પહોંચશે.
રાત્રે 2:30 વાગ્યે સીએસએમટીથી ઊપડશે વહેલી સવારે 3.30 કલાકે થાણે પહોંચશે.
વહેલી સવારે 3:24 વાગ્યે સીએસએમટીથી ઉપડશે અને સવારે 5 વાગ્યે કલ્યાણ પહોંચશે.
કલ્યાણ/થાણેથી CSMT (અપ ટ્રેન):
કલ્યાણથી રાત્રે 12:05 વાગ્યે ઊપડશે રાતે 1.30 કલાકે સીએસએમટી પહોંચશે.
થાણે રાત્રે 1:00 વાગ્યે ઊપડશે રાતે 2 વાગ્યે સીએસએમટી પહોંચશે.
થાણેથી રાત્રે 2:00 વાગ્યે ઊપડશે અને રાત્રે 3 વાગ્યે સીએસએમટી પહોંચશે.
હાર્બર લાઈન: CSMT - પનવેલ સ્પેશિયલ સર્વિસઃ
CSMTથી પનવેલ (ડાઉન ટ્રેન):
રાત્રે 1:30 વાગ્યે સીએસએમટીથી ઊપડશે અને પનવેલ રાત્રે 2:45 પહોંચશે.
રાત્રે 2:35 વાગ્યે સીએસએમટીથી ઊપડશે અન 2.50 કલાકે પનવેલ પહોંચશે.
પનવેલ થી CSMT (અપ ટ્રેન):
રાત્રે 1:00 વાગ્યે પનવેલથી ઊપડશે રાત્રે 2:10 સીએસએમટી પહોંચશે.
રાત્રે 1:45 વાગ્યે પનવેલથી ઊપડશે અને રાત્રે 3:05 વાગ્યે સીએસએમટી પહોંચશે.
ગિરગાંવ ચોપાટીથી સેન્ટ્રલ કે હાર્બર લાઈન કેવી રીતે પકડવી?
CSMT સ્ટેશન: ચોપાટીથી ટેક્સી અથવા બેસ્ટ બસ દ્વારા સીધા CSMT પહોંચી શકાય છે, જ્યાંથી મધ્ય અને હાર્બર લાઈનની તમામ સ્પેશિયલ ટ્રેનો ઉપલબ્ધ રહેશે.
દાદર જંક્શન: પશ્ચિમ રેલવે મારફતે આવીને દાદર સ્ટેશનેથી સેન્ટ્રલ લાઈનની ટ્રેન બદલી શકાશે.
કુર્લા/વડાલા: નવી મુંબઈ કે થાણે તરફ મુસાફરી કરવા માટે કુર્લા અથવા વડાલા જંક્શન વધુ સાનુકૂળ રહેશે.
મુંબઈ મેટ્રો લાઈન 3 પણ આખી રાત દોડશે
ગણેશ વિસર્જનમાં સામેલ થવા અને બાપ્પાને વિદાય આપવા નીકળેલા શ્રદ્ધાળુઓ કોઈપણ મુશ્કેલી વિના સલામત રીતે અવરજવર કરી શકે તે માટે મેટ્રો લાઇન 3 પર 24 કલાક નોન-સ્ટોપ સેવાઓ ઉપલબ્ધ રહેશે. દક્ષિણ મુંબઈના મુખ્ય વિસર્જન પોઇન્ટ્સ તરફ જતા માર્ગો પર વાહનોના ભારે ટ્રાફિક વચ્ચે આ ઓવરનાઇટ મેટ્રો સેવા શ્રદ્ધાળુઓ માટે સૌથી ઝડપી, સમયસર અને વિશ્વસનીય વિકલ્પ સાબિત થશે.
આ વિશેષ સુવિધાથી મોડી રાત્રે વિસર્જન પૂર્ણ થયા બાદ ટેક્સી કે બસ મેળવવામાં પડતી હાલાકીમાંથી નાગરિકોને સંપૂર્ણ મુક્તિ મળશે. ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વડીલો સાથે વિસર્જનમાં જોડાયેલા પરિવારો મોડી રાત્રે પણ સંપૂર્ણ સલામતી અને એર-કન્ડિશન્ડ આરામ સાથે પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકશે.