Thu Nov 19 2026

Logo

તરસ્યા ગાંધીધામ સંકુલને અંતે 31 એમએલડી પાણી મળ્યું! પદાધિકારીઓની રજૂઆત બાદ પુરવઠો વધ્યો

2026-10-26 13:49:00
Author: Mumbai Samachar Team
તરસ્યા ગાંધીધામ સંકુલને અંતે 31 એમએલડી પાણી મળ્યું! પદાધિકારીઓની રજૂઆત બાદ પુરવઠો વધ્યો

ભુજ: પૂર્વ કચ્છના ગાંધીધામ અને આદિપુર જોડિયા શહેરોમાં સર્જાયેલી પીવાના પાણીની ગંભીર કટોકટી વચ્ચે મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને પાણી પુરવઠા બોર્ડના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠક બાદ આખરે તંત્ર હરકતમાં આવ્યું છે. કડક તાકીદ બાદ વરસામેડી હેડવર્ક્સથી રામબાગ પાણીના ટાંકા ઉપર અચાનક પાણીની આવકમાં મોટો વધારો થયો છે અને દૈનિક પુરવઠો વધીને 31 એમએલડી સુધી પહોંચતાં ગાંધીધામ સંકુલના નાગરિકોને મોટી રાહત સાંપડવાની આશા બંધાઈ છે.

ગાંધીધામ મહાનગરપાલિકા કચેરી ખાતે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજાઈ હતી. જેમાં સ્થાનિક ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મેયર દિવ્યાબેન નાથાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસ શેઠ તેમજ પાણી પુરવઠા સમિતિના ચેરમેન મોહન ગોરીએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. પદાધિકારીઓએ અધિકારીઓને આડેહાથ લેતાં જણાવ્યું હતું કે પરિસ્થિતિ વધુ વણસે તે પૂર્વે તાત્કાલિક ધોરણે પગલાં ભરીને ગાંધીધામને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ફાળવવામાં આવે. આ બેઠક બાદ મહાપાલિકાના હોદ્દેદારો અને બોર્ડના ઈજનેરો મોડી રાત્રે સીધા વરસામેડી સંપ ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર સ્થિતિનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

નિરીક્ષણ બાદ અધિકારીઓની ટુકડી રામબાગ ટાંકા પર પરત ફરી ત્યારે અચાનક જ પાણીનો પ્રવાહ ઝડપભેર વધી ગયો હતો. પાણી સમિતિના ચેરમેનના જણાવ્યા અનુસાર, હાલ રામબાગ સંપ ખાતે 31થી 31 એમએલડી પાણીનો જથ્થો મળવો શરૂ થયો છે. જોકે સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, ટપ્પર ખાતે હજુ પણ માત્ર એક જ મોટર કાર્યરત છે, તેમ છતાં ગાંધીધામ માટે પાણીનો આટલો મોટો જથ્થો અચાનક ક્યાંથી આવી ગયો તે પ્રશ્ન લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. સંભવતઃ નર્મદા કેનાલમાંથી વૈકલ્પિક લાઇન દ્વારા આ વધારાનો જથ્થો વાળવામાં આવ્યો હોવાનું અનુમાન છે.

ગાંધીધામ-આદિપુર સંકુલની પ્રજા છેલ્લા 12 દિવસથી ટીપે-ટીપાં પાણી માટે વલખાં મારી રહી હતી અને ખાનગી ટેન્કરોના સહારે નિર્ભર બનવા મજબૂર થઈ હતી. ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા હોવા છતાં આટલા દિવસો સુધી પાણી પુરવઠા બોર્ડ દ્વારા વરસામેડીથી વધારાનો પુરવઠો કેમ ન છોડાયો તે અંગે અધિકારીઓની નિષ્કાળજી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. હાલ રામબાગ ટાંકે 30થી 31 એમએલડી પાણી મળી રહ્યું હોવાથી બંને શહેરોમાં વિતરણ વ્યવસ્થા સુધરશે. પાણી પુરવઠા સમિતિના ચેરમેને માંગ કરી છે કે, ટપ્પર ડેમ ખાતે બીજી પમ્પિંગ મોટર તાબડતોબ શરૂ કરવામાં આવે જેથી દૈનિક જથ્થામાં હજુ વધુ ઉમેરો થઈ શકે અને કાયમી ધોરણે જળસંકટ ટાળી શકાય!

(ઉત્સવ વૈદ્ય)