Sat Nov 07 2026

Logo

દેશ વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા', નસીરુદ્દીન શાહ પર ભાજપનો પલટવાર, ગજેન્દ્ર ચૌહાણ નસીરુદ્દીન શાહ પર ભડક્યા

2026-10-26 09:26:00
Author: Mumbai Samachar Team
દેશ વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા', નસીરુદ્દીન શાહ પર ભાજપનો પલટવાર, ગજેન્દ્ર ચૌહાણ નસીરુદ્દીન શાહ પર ભડક્યા

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા નસીરુદ્દીન શાહ દ્વારા સત્યજીત રે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ, કોલકાતાના વિદ્યાર્થીઓનું સમર્થન કરવામાં આવ્યા બાદ આ મામલો રાજકીય રીતે ગરમાયો છે.

નસીરુદ્દીન શાહે દાવો કર્યો હતો કે ભાજપ એ તમામ લોકો પાસેથી બદલો લેવા માંગે છે, જેઓ તેની વિચારધારા અને નીતિઓ સાથે સહમત નથી. આ અંગે વળતો પ્રહાર કરતા કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું કે અમારો વિરોધ કરવાના બહાને શાહ ભારત વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા છે.

વિવાદ કેવી રીતે શરૂ થયો?

ઇન્સ્ટિટ્યૂટમાં અશાંતિ 27 સપ્ટેમ્બરે શરૂ થઈ હતી, જ્યારે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ નિયમ મુજબ પરવાનગી લઈને આયોજિત કરાયેલા એક કાર્યક્રમ દરમિયાન મુખ્ય સભાગૃહમાં ઘૂસી ગયા હતા. ત્યારબાદ મારામારી અને તોડફોડ થઈ હતી. કુલપતિ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાઓ બાદ 500 થી વધુ વિદ્યાર્થીઓ અનિશ્ચિત મુદતના ધરણા પર બેઠા છે. નસીરુદ્દીન શાહે આ વિદ્યાર્થીઓનું સમર્થન કર્યું હતું, જેના પછી વિવાદ શરૂ થયો.

'ભારતમાં લોકોને પોતાની વાત રજૂ કરવાની સ્વતંત્રતા છે'

કર્ણાટકના હુબલીમાં પત્રકારો સાથે વાત કરતા જોશીએ કહ્યું કે આ લોકો વારંવાર કહ્યા કરે છે કે ભારતમાં લોકશાહી નથી. હકીકત એ છે કે ભારતમાં લોકોને પોતાની વાત કહેવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. આ જ બાબત એ વાતની સાબિતી છે કે અહીં લોકશાહી ખૂબ જ મજબૂત છે અને બંધારણીય મૂલ્યોનું અસ્તિત્વ છે.

શિવસેનાના પ્રવક્તા સંજય નિરૂપમે કહ્યું કે દેશમાં લાખો લોકો નસીરુદ્દીન શાહના અભિનયની પ્રશંસા કરે છે. પરંતુ, ઉંમરના આ પડાવ પર તેમનું એક અલગ જ રૂપ સામે આવ્યું છે. અભિનેતા સિવાય કટ્ટરપંથી વિચારો ધરાવતા એક રાજકીય વ્યક્તિ તરીકે પણ તેમનો ચહેરો સામે આવ્યો છે.

સત્યજિત રે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ (SRFTI)માં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે પીઢ એક્ટર નસીરુદ્દીન શાહના નિવેદન પર 'મહાભારત' ફેમ એક્ટર ગજેન્દ્ર ચૌહાણે સખત વાંધો વ્યક્ત કર્યો છે.

વાસ્તવમાં નસીરુદ્દીન શાહે ભાજપને અપશબ્દો કહ્યા હતા. આ અંગે ગજેન્દ્ર ચૌહાણે કહ્યું કે, નસીરુદ્દીન શાહને આવું બોલતા શરમ આવવી જોઈએ.

ગજેન્દ્ર ચૌહાણે નસીરુદ્દીનને સલાહ આપી કે, તેમણે સરકારની ટીકા કરવાને બદલે વિદ્યાર્થીઓને યોગ્ય સલાહ આપવી જોઈએ. તેમણે કહ્યું કે, 'નસીરુદ્દીન મહાન કલાકાર છે, પરંતુ રાજકીય મુદ્દાઓ પર હંમેશાં એકતરફી વાત કરે છે.'

નસીરુદ્દીન શાહે ભાજપ માટે અપશબ્દો કહ્યા

નસીરુદ્દીન શાહે શનિવારે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો. એક્ટરે ભાજપ વિરુદ્ધ અપશબ્દો બોલીને આરોપ લગાવ્યો કે, પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં જીત્યા બાદ ભાજપ એવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે, જેઓ તેની વિચારધારા અને નીતિઓ સાથે સંમત નથી. તેમણે સત્યજિત રે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓનો મુદ્દો પણ ઉઠાવ્યો