નવી દિલ્હી: દેશના એનાલોગ પનીર મુદ્દે અલગ અલગ રાજ્યોએ કરેલી કાર્યવાહી બાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એક્શન આવ્યું છે. જેમાં નવા સુધારા મુજબ હવે ડેરી સંદર્ભમાં એનાલોગ' શ્રેણી હેઠળ પહેલાથી જ લાઇસન્સ પ્રાપ્ત અથવા નોંધાયેલ ઉત્પાદનોએ હવે પનીર શબ્દનો ઉપયોગ બંધ કરવો પડશે. આ પ્રતિબંધ તેમના લેબલિંગ અથવા માર્કેટિંગ પર કડક રીતે લાગુ કરવામાં આવશે.
અસલી પનીરની ઓળખ કરવી સરળ બનશે
આ અંગે ખાદ્ય નિયમનકારનું કહેવું છે કે આ પગલાથી ગ્રાહકોને ઉત્પાદનોના સ્વરૂપ અને તેમાં રહેલા ઘટકો અંગે ગેરમાર્ગે દોરાતા અટકાવી શકાશે. તેનાથી બજારમાં પારદર્શિતા વધશે અને અસલી પનીરની ઓળખ કરવી સરળ બનશે. આ નિર્ણય ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. સત્તામંડળે તમામ સંબંધિત પક્ષોને નવા નિયમોનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સૂચનાનો અમલ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે.
એનાલોગ પનીર દેખાવમાં પનીર જેવું જ દેખાય છે
એનાલોગ પનીર દેખાવમાં પનીર જેવું જ દેખાય છે. તેમાં દૂધના ઘન પદાર્થો (milk solids)નું પ્રમાણ ઓછું હોય છે અથવા તે વનસ્પતિ તેલ જેવી અન્ય સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. આવા ઉત્પાદનો ઓછી કિંમતે તૈયાર કરવામાં આવે છે અને તેનું બંધારણ તથા પોષણમૂલ્ય અસલી પનીર કરતાં નોંધપાત્ર રીતે અલગ હોય છે.
આકાર,કલર અને પેકિંગના લીધે ગ્રાહકો સાથે છેતરપિંડી
તેમજ તેના આકાર,કલર અને પેકિંગના લીધે ગ્રાહકો ઘણીવાર એ વાતથી અજાણ હોય છે કે તેઓ અસલી પનીર નથી ખરીદી રહ્યા. જેનાથી તેમના સ્વાસ્થ્ય અને આર્થિક હિતોને નુકસાન થઈ શકે છે. FSSAIનું આ પગલું આવી ગેરસમજણને અટકાવવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે.
પનીર શબ્દનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવો પડશે
આ નિર્દેશ બાદ એનાલોગ પનીરના ઉત્પાદકોએ તેમના ઉત્પાદનોના નામ અને માર્કેટિંગ વ્યૂહરચનાઓમાં ફેરફાર કરવાનું ફરજિયાત બનશે. તેમણે પનીર શબ્દનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવો પડશે અને તેમના ઉત્પાદનો માટે નવી ઓળખ ઊભી કરવી પડશે. જોકે આ ફેરફાર એક પડકારરૂપ બની શકે છે. તેમ છતાં તેનાથી ગ્રાહકોનો વિશ્વાસ મજબૂત થશે. તેમજ નવા નિયમોનું પાલન ન કરવાના કિસ્સામાં કાનૂની કાર્યવાહી થઈ શકે છે.